મહેસાણા / 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

મહેસાણા / 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

વાયુ વાવાઝોડાના કારણે ઉ.ગુ.માં હવાનું નબળું દબાણ સર્જાતાં વરસાદની શકયતાઓ વધીવિસનગરમાં 5, બહુચરાજીમાં 4, ઊંઝા, સતલાસણા, મહેસાણા અને ખેરાલુમાં 2-2 મીમી પડ્યો

મહેસાણા: વાયુ વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતમાં હવાનું દબાણ નબળું પડ્યું છે. જેને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આગામી 48 કલાકમાં ઉ.ગુ.ના કેટલાક વિસ્તારોમાં અસામાન્ય પવન અને ભારે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. તેમજ વરસાદ સાર્વત્રિક રહેશે. રવિવારે મહેસાણા જિલ્લામાં 2થી 5 મીમી સુધી હળવ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠાના ઇડર, બનાસકાંઠાના દિયોદર તેમજ પાટણના પાટણ, ચાણસ્મા અને હારિજ પંથકમાં ઝાપટાં વરસ્યાં હતાં.

દરમિયાન, રવિવારે મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો. વિસનગર અને બહુચરાજીમાં બપોરે ઝાપટાં પડ્યાં હતાં. જ્યારે અન્ય વિસ્તારોમાં સાંજે 6 વાગ્યા સુધી વરસાદી ઝરમર રહી હતી. રવિવારે સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી નોંધાયેલા આંકડા મુજબ, વિસનગરમાં 5, બહુચરાજીમાં 4, ઊંઝા, સતલાસણા, મહેસાણા અને ખેરાલુમાં 2-2 મીમી વરસાદ નોંધાયો હતો. સાંજે ફરી વાદળો ઘેરાતાં વાતાવરણમાં ગરમીનું જોર ઘટતાં લોકોએ રાહત અનુભવી હતી. તો સાબરકાંઠાના ઇડરમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. પાટણ, રાધનપુર અને ચાણસ્મા પંથકમાં બપોરે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. તો બનાસકાંઠાના દિયોદરમાં 15 મિનિટ સુધી વરસાદ પડતાં નિચાણમાં પાણી ભરાઇ ગયા હતા.

સોમવારની આગાહી 
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તેમજ મહેસાણા સહિત આ ચારેય જિલ્લામાં ઝાપટાંથી લઈ અઢી ઇંચ સુધી વરસાદ વરસવાની શકયતા છે. તો અરવલ્લી જિલ્લામાં છુટાંછવાયાં ઝાપટાં પડી શકે છે.

મંગળવારની આગાહી 
ઉ.ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પૂરેપૂરી શકયતા છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે ગાજવીજ સાથે અઢી ઇંચથી લઈ 8 ઇંચ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોઈ બંને જિલ્લામાં એલર્ટની સ્થિતિ છે. જ્યારે મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શકયતા છે.

છાપરું રિપેર કરવા ચડેલા પિતા-પુત્રનું વીજકરંટથી મોત
દેત્રોજઃ દેત્રોજ તાલુકાના સદાતપુરા ગામે ઘરના છાપરામાંથી વરસાદી પાણી ટપકતું હોઇ ચુવા રિપેર કરવા ચડેલા વૃદ્ધ પિતા અને આધેડ પુત્રને વીજકરંટ લાગતાં ઘટના સ્થળે જ બંનેનાં મોત થયાં હતાં. સદાતપુરા ગામના નિવૃત્ત શિક્ષક જીવરામભાઇ શંકરભાઇ પટેલ (80) અને તેમના પુત્ર રસિકભાઇ (55) રવિવારે સવારે આઠેક વાગે ખેતીના ઓજાર માટેના ઘરના છાપરામાં વરસાદનું પાણી ટપકતું હોઇ આ ચુવા રિપેર કરવા ઘર ઉપર ચડ્યા હતા. આ સમયે વીજળીનો સર્વિસ વાયર પતરાને અડી જતાં કરંટ લાગવાથી પિતા-પુત્ર બંને નીચે પટકાયા હતા. આ સમયે રસિકભાઇનાં પત્ની આવી જતાં બુમાબુમ કરતાં ગામલોકો દોડી આવ્યા હતા, પરંતુ બંને જણાના ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.