મહિલા છૂટાછેડા લીધા વિના અન્ય વ્યક્તિ સાથે રહે તો કાયદાનાં રક્ષણનો અધિકાર નથી :  કોર્ટ

મહિલા છૂટાછેડા લીધા વિના અન્ય વ્યક્તિ સાથે રહે તો કાયદાનાં રક્ષણનો અધિકાર નથી : કોર્ટ

। અલ્હાબાદ ।

અલ્હાબાદ હાઇકોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું છે કે પતિને છૂટાછેડા આપ્યા વિના કોઇ પરિણીત મહિલા અન્ય વ્યક્તિ સાથે રહેતી હોય તો તેને કોર્ટના રક્ષણનો અધિકાર રહેતો નથી. આશા દેવી અને સૂરજકુમારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે બંને પુખ્તવયના છે અને પતિ-પત્ની તરીકે સાથે જીવી રહ્યાં હોવાથી તેમના જીવનમાં કોઇનો હસ્તક્ષેપ ના થાય તેવા આદેશ કરવામાં આવે. અરજીનો વિરોધ કરતાં સરકારી વકીલે જણાવ્યું હતું કે આશા દેવીએ ભૂતકાળમાં મહેશચંદ્ર સાથે લગ્ન કરેલાં હતાં. તેમની સાથે છૂટાછેડા લીધા વિના જ આશા દેવીએ સૂરજકુમાર સાથે રહેવાનું શરૂ કર્યું છે. તે એક અપરાધ હોવાથી કોર્ટનું રક્ષણ મળવાપાત્ર નથી. ન્યાયમૂર્તિ એસ.પી. કેસરવાની અને ન્યાયમૂર્તિ વાય.કે. શ્રીવાસ્તવની બનેલી બેન્ચે સોમવારે જણાવ્યું હતું કે આશા દેવી આઇપીસી કલમ ૪૯૪ અને ૪૯૫ હેઠળ અપરાધ કરી ચૂક્યા છે.

લિવ ઇન રિલેશન પણ ના કહી શકાય 

ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના સંબંધોને લિવ ઇન રિલેશનશિપ કે લગ્ન સ્વરૂપના સંબંધો પણ ના કહી શકાય. ન્યાયમૂર્તિઓએ અરજીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે કાયદો કહે છે કે અરજદાર કાયદેસરની ફરજ નિભાવવાનો કાયદેસરનો અધિકાર ધરાવતા હોય તો જ કાયદેસરનું રક્ષણ મળી શકે. અરજદારો ન્યાયકીય પ્રક્રિયાથી કાયદેસર રીતે સંરક્ષિત નથી.