મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભાની ચૂંટણી જાહેર, ૨૧મી ઓક્ટોબરે મતદાન

મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભાની ચૂંટણી જાહેર, ૨૧મી ઓક્ટોબરે મતદાન


। નવી દિલ્હી ।

ભારતના ચૂંટણી પંચે શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે ઉપરાંત ૧૭ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૬૪ બેઠકો માટે પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણા વિધાનસભાની ૯૦ બેઠક માટે ૨૧મી ઓક્ટોબરે એક જ ચરણમાં મતદાન યોજાશે. આ સાથે ૧૭ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૬૪ બેઠકો માટે પણ મતદાન યોજાશે. મતગણતરી મતદાનના ૩ દિવસ બાદ ૨૪મી ઓક્ટોબરે હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, ચૂંટણીઓ માટેનું જાહેરનામું ૨૭મી સપ્ટેમ્બરે બહાર પડાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૪ ઓક્ટોબર અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૭ ઓક્ટોબર રહેશે. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. હરિયાણા વિધાનસભાની મુદત બીજી નવેમ્બર અને મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત ૯મી નવેમ્બરે પૂરી થાય છે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચારની સામગ્રીમાં પ્લાસ્ટિકના ઉપયોગના કારણે પર્યાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. અમે રાજકીય પાર્ટીઓને પ્રચારની સામગ્રીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને ફક્ત એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મટીરિયલનો પ્રચાર સામગ્રીમાં ઉપયોગ કરવાની અપીલ કરીએ છીએ.

મહારાષ્ટ્ર અને હરિયાણાનો ચૂંટણી કાર્યક્રમ

  • ૨૭ સપ્ટેમ્બર ચૂંટણીનું જાહેરનામું બહાર પડાશે
  • ૦૪ ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે
  • ૦૫ ઓક્ટોબર ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે
  • ૦૭ ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે
  • ૨૧ ઓક્ટોબર મતદાન યોજાશે
  • ૨૪ ઓક્ટોબર મતગણતરી
  • ૨૭ ઓક્ટોબર ચૂંટણી પ્રક્રિયા આટોપી લેવાની છેલ્લી તારીખ

૬૪ બેઠકો પર પેટાચૂંટણીનો કાર્યક્રમ

  • ૨૩ સપ્ટેમ્બર ચૂંટણીનું જાહેરનામું બહાર પડાશે
  • ૩૦ સપ્ટેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ
  • ૦૧ ઓક્ટોબર ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે
  • ૦૩ ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે
  • ૨૧ ઓક્ટોબર મતદાન યોજાશે
  • ૨૪ ઓક્ટોબર મતગણતરી
  • ૨૭ ઓક્ટોબર ચૂંટણી પ્રક્રિયા આટોપી લેવાની છેલ્લી તારીખ

મહારાષ્ટ્ર ૨૮૮ વિધાનસભા બેઠક

  • ૨૯ એસસી માટે અનામત બેઠક
  • ૨૫ એસટી માટે અનામત બેઠક
  • ૮.૯૪ કરોડ કુલ નોંધાયેલા મતદાર
  • ૧.૧૬ લાખ ર્સિવસ મતદારો
  • ૧.૮ લાખ ઇવીએમનો ઉપયોગ

ચૂંટણી જાહેરાત

એક નજર

૧.ઉમેદવાર ચૂંટણીમાં રૂપિયા ૨૮ લાખ સુધી જ ખર્ચ કરી શક્શે

૨.ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર નજર રાખવા નિરીક્ષકો નિયુક્ત કરાશે

૩.ક્રિમિનલ રેકોર્ડની જાણકારી નહીં આપનારનું ઉમેદવારી પત્ર રદ થશે

૪.ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ હથિયાર જમા કરાવી દેવાના રહેશે

૫.મહારાષ્ટ્રમાં ૫,૦૦૦ મતદાન મથક ગ્રાઉન્ડ ફ્લોર પર લવાશે

૬.નક્સલવાદગ્રસ્ત ગઢચિરોલી અને ગોંડિયામાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા

કયા રાજ્યમાં કેટલી બેઠક પર પેટાચૂંટણી

૦૧     અરુણાચલ પ્રદેશ

૦૪     આસામ

૦૧     બિહાર

૦૧     છત્તીસગઢ

૦૪     ગુજરાત

૦૨     હિમાચલ પ્રદેશ

૧૫     કર્ણાટક

૦૫     કેરળ

૦૧     મધ્ય પ્રદેશ

૦૧     મેઘાલય

૦૧     ઓડિશા

૦૧     પોંડિચેરી

૦૪     પંજાબ

૦૨     રાજસ્થાન

૦૩     સિક્કિમ

૦૨     તામિલનાડુ

૦૧     તેલંગણા

૧૧     ઉત્તર પ્રદેશ

મહારાષ્ટ્ર રાજકીય ચિત્ર

  • ભાજપ અને શિવસેના ગઠબંધનના ઉજળા સંજોગો કોંગ્રેસ-એનસીપી માટે ચિંતાજનક
  • કોંગ્રેસ-એનસીપીમાંથી મોટાપાયે કદાવર નેતાઓનું કેસરિયા ગઠબંધનમાં પલાયન
  • મરાઠા અનામત અને રાષ્ટ્રીય મુદ્દાઓના પ્રભાવમાં પૂર, આર્થિક મંદી, ખેડૂતોની આત્મહત્યા જેવા મુદ્દા હાંસિયામાં

હરિયાણા રાજકીય ચિત્ર

  • ભાજપને ચૌટાલા પરિવારમાં ચાલી રહેલી યાદવાસ્થળીનો લાભ મળશે
  • હરિયાણામાં રાષ્ટ્રવાદ, આર્ટિકલ ૩૭૭, ટ્રિપલ તલાક જેવા મુદ્દા છવાય તેવી સંભાવના
  • કોંગ્રેસમાં ભૂપિન્દર હુડ્ડાની નારાજગી અને ઇન્ડિયન નેશનલ લોકદળની નબળાઇ ભાજપ માટે પ્લસ પોઇન્ટ

હરિયાણામાં બીએસપી કોંગ્રેસનો ખેલ બગાડશે?

હરિયાણામાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકી છે. માયાવતીની પાર્ટી કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે. હરિયાણામાં ૧૯ ટકા દલિત મતદારો છે. ૨૦૧૪માં ભાજપે રાજ્યની ૧૭ એસસી બેઠકો- માંથી ૮ બેઠક જીતી હતી.

દેશમાં વન નેશન વનઇલેક્શનની સંભાવના ચૂંટણી પંચે નકારી કાઢી

ચૂંટણી પંચે સંકેત આપ્યો છે કે, દેશમાં વન નેશન વન ઇલેક્શનની નજીકના ભવિષ્યમાં કોઈ સંભાવના નથી. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે, વન નેશન વન ઇલેક્શન પરની ચર્ચાઓ હજુ પૂરી થઈ નથી. જ્યાં સુધી તમામ રાજકીય પક્ષો વચ્ચે સર્વસંમતિ ન સધાય ત્યાં સુધી એક દેશ એક ચૂંટણી સંભવિત બની શકે નહીં.

ઝારખંડમાં નવેમ્બર ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની સંભાવના

ઝારખંડમાં નિયત સમય પ્રમાણે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પૂરો થઇ રહ્યો છે. સીએમ રઘુવરદાસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર રાજ્યમાં કાર્યકાળ પૂરો કરનાર પહેલી સરકાર બની રહેશે.