ભૂલભરેલું તંત્ર / લોકોને ઈશ્યૂ કરાતાં રોજના ચાર હજાર ઈ-મેમોમાંથી 700થી 800 ખોટા હોય છે

ભૂલભરેલું તંત્ર / લોકોને ઈશ્યૂ કરાતાં રોજના ચાર હજાર ઈ-મેમોમાંથી 700થી 800 ખોટા હોય છે

  • ટ્રાફિક પોલીસની સિસ્ટમની ભૂલને લીધે વાહનમાલિકોને ભળતાં નંબરના ઈ-ચલણ મળે છે
  • ખોટો મેમો રદ કરાવવા માટે લોકોએ પોલીસ કમિશનર ઓફિસે જવું પડે છે
  • વાહન નંબરની સીરિઝ જોવામાં ભૂલ  થતી હોવાથી લોકો ખોટી રીતે દંડાય છે
  • અનેક કિસ્સામાં બાઈકના મેમો કાર કે સ્કૂટરચાલકને પધરાવી દેવાય છે

મિતેશ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલવા માટે શહેરભરમાં 2500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર કચેરીમાં અલગથી બનાવવામાં આવેલા સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે અને ત્યાંથી જ વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા રોજના 4 હજાર વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ સિસ્ટમની ખામીના કારણે તેમાંથી રોજે રોજ 700 થી 800 ઈ-મેમો રદ કરવા પડે છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇ તો રોજના સરેરાશ 20 થી 30 ટકા ઈ-મેમો રદ કરવા પડે છે. વાહન નંબરની સિરિઝ જોવામાં ભૂલ થતી હોવાથી લોકો ખોટી રીતે દંડાતા હોય છે. કેટલાક કિસ્સામાં તો માલિક પાસે જે વાહન હોય નહીં તેનો મેમો આવી જતો હોય છે.

ખોટો મેમો તાત્કાલિક રદ કરવામાં આવે છે
સિસ્ટમની ભૂલથી તેમજ કેટલાક કિસ્સાઓમાં વાહનચાલકોની બદમાશીના કારણે લાગતા વળગતા નંબરના વાહનચાલકને ખોટો ઈ-મેમો મળે છે. જો કે સીસીટીવી કંટ્રોલ રૂમમાં જઇને યોગ્ય રજૂઆત કરવામાં આવે તો ભૂલથી આવેલા ઈ-મેમો તાત્કાલિક રદ કરી આપવામાં આવે છે. પરંતુ તે રદ કરાવવા વાહનચાલકે જરૂરી પુરાવા સાથે શાહીબાગ કમિશનર કચેરી સુધી જવું પડે છે. જેના માટે વાહનચાલકના પૈસા અને સમય બંનેનો વ્યય થાય છે.

આ 6 ભૂલોને કારણે – ટ્રાફિક પોલીસને ઈ-મેમો રદ કરવાની ફરજ પડે છે
નંબર પ્લેટ ખામીને કારણે
વાહનની નંબર પ્લેટ પર જે નંબર હોય તેના કરતાં જુદા નંબરનો મેમો આપવામાં આવે તો.

સિગ્નલના ટાઈમરમાં ખામી હોય
ટ્રાફિક સિગ્નલ બંધ થાય પણ કેમેરા અને સિગ્નલની સેકન્ડોમાં ફેરફારના કારણે ઈ મેમો આવે છે.

વાહન સાવ જૂદું હોય ત્યારે
CCTVની ખામીથી વાહનના મોડલ જુદા આવે. જેમાં ટૂ વ્હીલરનું પાસિંગ હોય અને ઈ-મેમો કારનો આવે.

ખોટાં નામે મેમો મળ્યો હોય
અંધારામાં પડતી લાઈટ તેમજ દિવસે લાઈટના રિફ્લેક્શનથી ઘણી વખત ખોટા વાહનચાલકને ઈ-મેમો મળે છે.

સિગ્નલનો ભંગ ન કર્યો હોય
ઘણી વખત યલો સિગ્નલમાં વાહનચાલક અડધે પહોંચે અને સિગ્લન રેડ થાય ત્યારે.

ઈમરજન્સી વાહનને રાહત
108 પેશન્ટને લઇ જતા હોય અને નિયમ તોડે તો તેવા કિસ્સામાં ઈ-મેમો રદ કરી આપવામાં આવે છે.

કેમેરામાં ખામી
કેમેરાની ખામીના કારણે – કેમેરા અને સિગ્નલના ટાઈમમાં ફેર પડતો હોય અથવા તો કેમેરામાં કોઇ ખામી હોય અને ખોટો ઈ-મેમો જનરેટ થયો હોય ત્યારે તે મેમો રદ કરી આપવામાં આવે છે.

PI-PSIના આઈડી પરથી મેમો રદ કરાવી શકાય
જો કોઇ વાહનચાલકને ખોટો ઈ-મેમો મળ્યો હોય, તો તેણે સીસીટીવી કંટ્રોલ રૂમમાં જઈ વાહનની આરસી બુક તેમજ જરૂરી કાગળો બતાવવા પડે છે, કંટ્રોલ રૂમમાં વાહનના નિયમ ભંગના ફૂટેજ બતાવાય છે. તેમાં ખામી જણાય તો પીઆઈ કે પીએસઆઈના આઈડી પરથી તે ઈ-મેમો રદ કરવામાં આવે છે.

ઈમરજન્સી વાહનના મેમો પુરાવા ચેક કરી રદ થાય છે
ઉત્તરાયણે ઘણા ઈ-મેમો ટ્રાફિક સિગ્લના ભંગ બદલ ઈશ્યૂ થયા હતા. તેમાંથી મોટા ભાગના વાહનો એનજીઓના હતા, તેઓ ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા હતા. આ સિવાય 108 આવે તે પહેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઇ જતા સિગ્નલ ભંગ થાય તો મેમો રદ કરી અપાય છે.

ઈ-મેમોમાં નિયમ ભંગના બે ફોટા મોકલાય છે
બીઆરટીએસના રૂટ ઉપર કોઇ પણ વાહનનો 1 ફોટો પડે છે, તે સિવાયના દરેક કેમેરામાંથી 2 ફોટા પડે છે. જેમાં 1 ફોટો વાહન સાથેના રોડનો આવે છે, જ્યારે બીજો ફોટો વાહનનો નંબર દેખાય તે રીતે ઝુમ કરીને પાડવામાં આવે છે.