ભુટ્ટોએ કહ્યું- પહેલા આપણે શ્રીનગર લેવાની વાત કરતા હતાં, હવે મુઝફ્ફરાબાદ બચાવવાના ફાંફાં

ભુટ્ટોએ કહ્યું- પહેલા આપણે શ્રીનગર લેવાની વાત કરતા હતાં, હવે મુઝફ્ફરાબાદ બચાવવાના ફાંફાં

બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલે કહ્યું- ઈમરાન ખાન ઇલેક્ટેડ નહિ, સિલેક્ટેડ પ્રધાનમંત્રીભુટ્ટોના પિતા આસિફ અલી ઝરદારી લાંબા સમયથી ભ્રષ્ટાચારના આરોપોમાં જેલમાં બંધ છે

નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (PPP)ના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંગળવારે કાશ્મીર મામલા પર ઈમરાન ખાનને અસફળ ગણાવ્યા હતા. બિલાવલે મીડિયા સામે કહ્યું- પહેલા આપણે ભારતથી શ્રીનગર છિનવી લેવાની વાત કરતા હતાં, પણ હવે હાલત એવી થઇ ગઇ છે કે આપણને મુઝફ્ફરાબાદ બચાવવાના ફાંફાં થઇ ગયા છે. બિલાવલે ફરી ઈમરાન ખાન અને આર્મી પર ટોણો માર્યો. કહ્યું- ઈમરાન ખાન ઇલેક્ટેડ નહિ, સિલેક્ટેડ પીએમ છે. સિલેક્ટેડ અને સિલેક્ટર્સથી દેશની જનતા હવે જવાબ માગી રહી છે.

ઈમરાન સરકાર સૌથી નાકામ

ઈસ્લામાબાદમાં પાર્ટીની એક અગત્યની મીટિંગ બાદ બિલાવલે કહ્યું, ”હવે દેશ સામે એ વાત સાફ થઇ ગઇ છે કે આ સરકાર જેટલી નાકામ સાબિત થઇ છે, પેહલાની કોઇ પણ સરકાર નથી થઇ. તમે લોકતંત્ર સાથે જે કર્યું તે અમે સહન કરી લીધું. તમે અર્થવ્યવસ્થા બરબાદ કરી નાખી એ પણ અમે સહન કરી લીધું. તમે સૂતા રહ્યા અને જ્યારે જાગ્યા તો વિરોધીઓને દબાવવા લાગ્યા. તમે સૂઇ રહ્યા હતા અને મોદીએ કાશ્મીર આંચકી લીધું. પહેલા આપણી કાશ્મીર પોલિસી શું રહેતી હતી ? આપણે પ્લાન બનાવતા હતા કે શ્રીનગર કેવી રીતે લઇશું ? હવે સિલેક્ટેડ પીએમ ખાનના કારણે એવી હાલત થઇ ગઇ છે કે વિચારવું પડે છે કે આપણે મુઝફ્ફરાબાદને કેવી રીતે બાચવીશું ?”

સિલેક્ટેડએ સિલેક્ટેડની પીએમ બનાવ્યા

ભુટ્ટોએ આગળ કહ્યું, ”શું છે આપણી ફોરેન પોલિસી? શું આ આપણી આર્થિક નીતિ છે ? આવું થાય જ્યારે એક સિલેક્ટેડ(આર્મી) એક વ્યક્તિને સિલેક્ટ(ઈમરાન) કરીને બેસાડે છે. આ સિલેક્ટેડ વ્યક્તિ તેના સિલેક્ટર્સને ખુશ રાખવાના ચક્કરમાં દેશને તબાહ કરી નાખે છે. જનતા મોંઘવારીના સુનામીમાં ડૂબી રહી છે. કાશ્મીર આપણા હાથમાંથી ચાલ્યું ગયું. સવાલ એ છે કે આપણે કોને અપરાધી કહીએ ? સિલેક્ટેડને કે સિલેક્ટર્સને ? કોઇ પણ ક્ષેત્ર જોઇ લો. દરેક જગ્યાએ આ કઠપૂતળી નાકામ થઇ છે. અમે બન્ને પાસેથી હિસાબ લઇશું.”