ભાવ વધારો / ઇતિહાસમાં પહેલી વાર પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું

ભાવ વધારો / ઇતિહાસમાં પહેલી વાર પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું

આ મહિને ટ્રકો દ્વારા માલ પરિવહન 12% સુધી મોંઘું થયું, મોંઘવારી વધશે

નવી દિલ્હી. દેશના ઇતિહાસમાં પહેલી વાર ડીઝલ પેટ્રોલ કરતાં પણ મોંઘું થયું છે. દિલ્હીમાં બુધવારે એક લિટર પેટ્રોલનો ભાવ 79.76 રૂ. હતો જ્યારે એક લિટર ડીઝલનો ભાવ 12 પૈસા વધીને 79.88 રૂ. થયો છે. ઓઇલ કંપનીઓએ સતત 18મા દિવસે ભાવવધારો કરતા ડીઝલ લિટરે 48 પૈસા મોંઘું કરી દીધું. પેટ્રોલનો ભાવ સતત 17 દિવસ સુધી વધારા બાદ બુધવારે સ્થિર રહ્યો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાના પગલે લૉકડાઉન બાદ આમ આદમી માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાતાં મોંઘવારી માઝા મૂકે તેવી સ્થિતિ સર્જાઇ છે. 

ઇન્ડિયન ફાઉન્ડેશન ઑફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના સિનિયર ફેલો અને કન્વિનર એસ. પી. સિંહના જણાવ્યાનુસાર ડીઝલના ભાવ વધતાં આ મહિને ટ્રકો દ્વારા માલ પરિવહન 10-12 ટકા મોંઘું થઇ ચૂક્યું છે. કારખાનાં ખૂલ્યા બાદ માલની આવક વધી છે. બીજી તરફ વેપારીઓ માલ પરિવહનનો વધારાનો બોજ ગ્રાહકો પર નાખી રહ્યા છે. 

  • 18 દિવસથી ચાલતા તેલના ખેલના કારણે મોંઘવારી વધી શકે છે
  • ક્રૂડ સસ્તું થતું હતું ત્યારે કંપનીઓએ 12 અઠવાડિયાં સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ ન ઘટાડ્યા, હવે ક્રૂડ મોંઘું થતાં પેટ્રોલ લિટરે 8.50 અને ડીઝલ 10.49 રૂ. મોંઘું કરી દીધું

9 વર્ષ અગાઉ ડીઝલ પેટ્રોલથી 68% સસ્તું હતું
આં.રા. બજારમાં ક્રૂડના ભાવ ઘટી રહ્યા હતા ત્યારે ઓઇલ કંપનીઓએ 12 અઠવાડિયાં સુધી ભાવની સમીક્ષા ન કરી. આં.રા. બજારમાં ક્રૂડનો ભાવ 40 ડોલરની નજીક પહોંચ્યા બાદ 7 જૂનથી પેટ્રોલ-ડીઝલના ભાવની દૈનિક સમીક્ષા શરૂ કરી દીધી.

દિલ્હીમાં પેટ્રોલ 17 દિવસમાં 8.50 રૂ. જ્યારે ડીઝલ 18 દિવસમાં 10.49 રૂ. મોંઘું થયું. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 20 મહિનાની સૌથી ઊંચી સપાટીએ જ્યારે ડીઝલનો ઓલ ટાઇમ હાઇ સપાટીએ છે.

રાહુલનો કટાક્ષ- સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ અનલૉક કર્યા
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારા મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતું ટિ્વટ કર્યું કે, ‘મોદી સરકારે કોરોના મહામારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ અનલૉક કરી દીધા છે.’ સરકારનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ સૌથી નીચી સપાટીએ હોવા છતાં સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને જનતાને કેમ લૂંટી રહી છે? દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં દેખાવો કર્યા.

દિલ્હીમાં ડીઝલ હવે સૌથી મોંઘું વાહન ઇંધણ

  • ડીઝલ માત્ર દિલ્હીમાં સૌથી મોંઘું વાહન ઇંધણ બન્યું છે. અન્ય રાજ્યો અને મોટાં શહેરોમાં તેનો ભાવ પેટ્રોલથી ઓછો જ છે.
  • 9 વર્ષ અગાઉ ડીઝલનો ભાવ પેટ્રોલથી 68% જેટલો ઓછો હતો. મે, 2011માં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે 63.37 રૂ. અને ડીઝલનો 37.75 રૂ. હતો.
શહેરપેટ્રોલડીઝલ
અમદાવાદ77.2277.18
દિલ્હી79.7679.88
કોલકાતા81.4575.06
મુંબઇ86.5478.22