ભારત બંધ બેઅસર : સરકાર કૃષિકાયદા પાછા નહીં ખેંચે

ભારત બંધ બેઅસર : સરકાર કૃષિકાયદા પાછા નહીં ખેંચે

સરકાર દ્વારા કૃષિ કાયદા જાહેર કરવાના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ વિરોધ નોંધાવી આંદોલન શરૂ કર્યુ હતું. છેલ્લા બે સપ્તાહથી આંદોલનકારી ખેડૂતો દિલ્હીની સરહદો પર ધામા નાખીને બેઠા હતાં. ખેડૂત નેતાઓને સરકાર વચ્ચે પાંચ વખત મિટિંગો થઈ. સરકાર તરફથી આ મિટિંગનું નેતૃત્વ કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કર્યુ હતું. શનિવારે સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે પાંચમી બેઠક નિષ્ફળ રહેતા ખેડૂતો તરફથી ૮મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યુ હતું. જોકે, ભારત બંધનું આ એલાન નિષ્ફળ રહ્યું હતું. ભાજપની જે રાજ્યોમાં સરકારો છે ત્યાં આ આંદોલન માત્ર વિપક્ષી પાર્ટીઓના દેખાવ પુરતું સિમીત રહ્યુ હતું. જ્યાં વિપક્ષી પાર્ટીઓની સરકાર છે તેવા રાજ્યોમાં આ આંદોલનની અસર થોડી દેખાતી હતી. પરંતુ આવા રાજ્યોમાં પણ આંદોલનને કારણે જનજીવન અને વેપાર ધંધા મોટાભાગે રાબેતામુજબ ચાલુ રહ્યાં હતાં.

ભારત બંધ દરમિયાન દેશભરના બજારો અને ટ્રાન્સપોર્ટ સેવાઓ પર કોઈ ખાસ અસર પડી ન હતી. આંદોલનકારીઓ જ્યાં ભેગા થયા છે તે દિલ્હીમાં પણ જથ્થાબંધ અને છૂટક માર્કેટો સામાન્ય દિવસની જેમ જ ચાલુ રહ્યા હતાં. વેપારીઓના દેશના સૌથી મોટા સંગઠન કન્ફેડેરશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) નો દાવો છે કે દેશભરમાં સાત કરોડથી વધારે દુકાનો, શો-રૂમ વગેરે વેપારી પ્રતિષ્ઠાનો ખુલી રહી હતી. કૈટના અધ્યક્ષ અને મહામંત્રી એ કહ્યું હતું કે દિલ્હીમાં પણ લગભગ ૧૦ લાખથી વધારે દુકાનો ચાલુ રહી હતી. કૈટના અગ્રણીઓએ કહ્યું હતું કે દેશના તમામ રાજ્યો જેમાં મુખ્યત્વે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પ.બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તર પૂર્વી રાજ્યો, તામિલનાડુ, કેરળ, આંધ્પ્રદેશ, ઝારખંડ, બિહાર, જમ્મુ-કાશ્મીર વગેરે રાજ્યોમાં જથ્થાબંધ અને છૂટક માર્કેટો સંપૂર્ણ રીતે ખુલ્લા હતાં. કૈટાના અગ્રણીઓએ દાવો કર્યો હતો કે દેશમાં ટ્રાન્સપોર્ટેશન પર પણ કોઈ અસર દેખાઈ ન હતી. દેશમાં ૩૦ હજાર ટ્રાન્સપોર્ટેશન અને અંદાજે ૧ હજાર જેટલી ટ્રાન્સપોર્ટેશન કંપનીઓ છે તેમના વતી તેમના અધ્યક્ષે કહ્યુ હતું કે અમારી ટ્રકો આખા દેશમાં સામાન્ય રીતે નીકળી હતી અને બંધની કોઈ અસર દેખાઈ ન હતી.

સવાલ એ છે કે પંજાબ, હરિયાણાના ખેડૂતો અને વિપક્ષી પાર્ટીઓએ ભારત બંધનુ એલાન આપ્યુ હતું. પરંતુ તે સફળ નથી રહ્યું ત્યારે હવે પછી આંદોલનકારી ખેડૂતો અને વિપક્ષી દળોની સ્ટ્રેટેજી શું હશે ? આજનુ ભારત બંધ આંદોલનકારીઓ માટે જો એક સફળતા હોય તો એ રહેશે કે દેશના ગૃહમંત્રી પહેલીવાર આંદોલનકારીઓ સાથે મિટિંગ કરવાના છે. હવે આ મિટિંગમાં શું નક્કી થાય છે ? તેના પર સૌની નજર રહેશે. સરકાર તરફથી વારંવાર એક વાત તો કહેવામાં આવી જ છે કે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની આંદોલનકારી ખેડુતોની માગણી ખોટી છે. સરકાર આ કાયદાઓમાં સુધારા-વધારા કરવા તૈયાર છે પરંતુ ખેડૂતો અત્યાર સુધીની મિટિંગોમાં સરકાર લોકસભાનું સત્ર બોલાવે અને કૃષિ કાયદાઓ રદ કરે તેવી જ માગણી પકડીને બેસી રહ્યાં છે. જોકે આજના ભારત બંધના નિર્ણય પછી આંદોલનકારી ખેડુતોને પણ એકવાતની તો ખબર પડી ગઈ છે કે આખા દેશના ખેડૂતો તેમની સાથે નથી. ખેડૂતોને એ પણ કહેવાઈ રહ્યું છે કે, તમારું આંદોલન રાજકીય પાર્ટીઓના કબજામાં જતું ના રહે તે પણ જોવાનું રહેશે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે તો ત્યાં સુધી કહ્યુ હતું કે નવા કાયદાઓમાં ખેડૂતો માટે મંડી ખતમ નહીં થાય અને ટેકાના ભાવ એટલે કે MSP પણ સરકાર રદ કરવાની નથી. ખેડૂતોની જમીનો પર પણ કોઈનો કબજો થવાનો નથી. ખેડૂતોને આ ત્રણેય બાબતનો ભય સતાવી રહ્યો છે તેનું કારણ ખેડુતોને ખોટી માહીતી આપીને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે. રવિશંકર પ્રસાદે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોની એમએસપી માટેની માગણીથી શરૂ થયેલ આંદોલન હવે કૃષિ કાયદાઓ રદ કરવા સુધી કેમ પહોંચી ગઈ ? તેની પાછળ કોનો હાથ છે ? તે એક મોટો સવાલ છે. સરકારે નવેમ્બરના અંત સુધી ૬૦હજાર કરોડ રૂપિયાનું અનાજ એમએસપી દ્વારા ખરીદ્યુ છે ટેકાના ભાવ વધારવામાં પણ આવ્યા છે. ખેડૂતોની તમામ વાતો અમે સાંભળવા રાજી છે પરંતુ એવુ લાગે છે કે ખેડૂતોને કોઈ તત્વો ગેરમાર્ગે દોરી રહ્યાં છે.

હવે જ્યારે ખેડૂતો ગૃહમંત્રી અમિત શાહને મળી રહ્યાં છે ત્યારે આ મિટિંગમાં એક જ વાતની ચર્ચા થશે કે કાયદાઓમાં ખેડુતો શું સુધારો ઈચ્છી રહ્યાં છે. કૃષિ કાયદાઓમાં જે વાતોથી ખેડૂતો નારાજ છે તે ૩૯ મુદાઓનું ખેડુતોએ અગાઉ પણ સરકાર સામે પ્રેઝન્ટેશન કર્યુ હતું. ત્યારે લગભગ એવી વાત જાણવા મળી રહી છે કે આ ૩૯ મુદ્દાઓ અંગે સરકાર સ્પષ્ટતા કરશે અને આ ૩૯ મુદ્દાઓનું સમાધાન થાય તે રીતે કાયદાઓમાં સુધારા-વધારા સરકાર કરશે. જેના કારણે ખેડુતોને ખાતરી થાય કે આ કાયદાઓથી તેમને નુકસાન નહી થાય.

ગૃહમંત્રી સાથેની ખેડુતોની આ મિટિંગમાં જો કોઈ ઉકેલ નહી નીકળે તો પછી ખેડૂત આંદોલન કઈ દિશામાં આગળ વધશે ? તે તો હવેના દિવસો જ કહેશે.

( Source – Sandesh )