ભારત-પાક. અણુ યુદ્ધ થયું તો કેટલી ખાનાખરાબી?

ભારત-પાક. અણુ યુદ્ધ થયું તો કેટલી ખાનાખરાબી?

દેશોએ મિસાઈલ પર પરમાણુ હથિયારો ગોઠવી રાખ્યાં છે

હાલમાં ચાર દેશો રશિયા, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને તેના પરમાણુ હથિયારો મિસાઈલ પર તહેનાત કરી રાખ્યાં છે. રશિયાએ ૧૬૦૦ હથિયાર, અમેરિકાએ પણ ૧૬૦૦, ફ્રાન્સે ૨૮૦ અને બ્રિટને ૧૨૦ પરમાણુ હથિયારો તેની મિસાઈલ પર ગોઠવી રાખ્યાં છે. આમાંથી લગભગ ૧૮૦૦ હથિયાર હાઇ એલર્ટ મોડ પર છે અને શોર્ટ નોટિસ પર હુમલા માટે તૈયાર રહે છે.

હિરોશિમા, નાગાસાકી કરતાં પણ વધારે નુકસાન

હકીકતમાં જો ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધનો સહારો લે તો હિરોશિમા અને નાગાસાકી કરતાં પણ વધારે નુકસાન થવાનું નિશ્ચિત છે. બન્ને દેશો એકબીજા પર ૧૦૦ કિલોટનના પરમાણુ બોંબ ઝીંકે તો તેની અસર એટલી બધી હશે કે ૧૦૦ કિલોમીટર સુધી બારીઓના કાચ તૂટી જશે. હિરોશિમામાં જે બોંબ ઝીંકાયો હતો તે ૧૫ કિલો ટન વજનનો હતો જ્યારે નાગાસાકીમાં ઝીંકાયેલો બોંબ ૨૦ કિલોટનની તાકાતવાળો હતો.

સ્પાઈસ-૨૦૦૦ બોંબ ભારતીય વાયુસેનાની તાકાત વધારશે

ભારતીય વાયુસેનાને ઈઝરાયેલી બનાવટના સ્પાઈસ-૨૦૦૦ બોંબની નવી ખેપ ભારતને સપ્ટેમ્બરમાં મળી રહી છે. બાલાકોટ એરસ્ટ્રાઈકમાં ભારતે સ્પાઈસ-૨૦૦૦ બોંબનો ઉપયોગ કર્યો હતો. સ્પાઈસ બોંબની સાથે માર્ક ૮૪ વોરહેડ પણ મળશે. સ્પાઈસ-૨૦૦૦ બોંબ બિલ્ડિંગને પૂરી રીતે ધ્વસ્ત કરવામાં સક્ષમ છે. ભારત પાસે ચાર રેન્જની મિસાઈલ છે તેમાં નાના અંતરની બેલાસ્ટિક મિસાઈલ પૃથ્વી-૨, પૃથ્વી-૩, ધનુષ અને નાના અંતરની ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ સામેલ છે. જો પાકિસ્તાન યુદ્ધ છેડ તો ભારતીય સેના તેને લોહીના આંસુએ રોવડાવી દેશે.

અડધી દુનિયા ચપેટમાં આવશે

જો ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધ ખેલે તો એક ઝટકે બે કરોડ દસ લાખ લોકો માર્યા જશે. અણુ યુદ્ધની અસર ફક્ત ભારત અને પાકિસ્તાન સુધી જ સીમિત નહીં રહે. પરંતુ તેની અસર દુનિયાના અડધા કરતાં પણ વધારે લોકોને વેઠવી પડશે. જો બન્ને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ થયું તો એક જ અઠવાડિયામાં બે કરોડ કરતા પણ વધારે લોકો માર્યા જશે. જે લોકો બચશે તે રેડિએશનને કારણે મરી જશે. દુનિયાનું અડધા કરતા પણ વધારે ઓઝોનનું પડ ખતમ થઈ જશે. વનસ્પતિઓ અને નાના જીવજંતુ સહિત કોઈ નહીં બચે.

એર બ્લાસ્ટ શું હોય છે

એર બ્લાસ્ટ એટલે હવામાં કરાતો બ્લાસ્ટ. આ વિસ્ફોટથી જમીન પર તો કંઈ અસર થતી નથી પરંતુ આ અત્યંત તાકાતવર હોય છે. હવામાં વિસ્ફોટ બાદ અતિ ઉચ્ચ દબાણ સર્જાય છે અને થર્મલ રેડિએશન વધારે છે. હિરોશિમામાં ઝીકાયેલો ૧૫ કિલોટનનો બોંબ હવામાં ફાટયો હતો. વિસ્ફોટને કારણે હવામાં ગાઢ વાદળો બન્યાં હતાં અને તેનાથી જોરદાર ધ્રુજારી આવી હતી તથા અત્યંત ઝડપી પવન ફૂંકાય છે.

ભારત-પાકિસ્તાન દેશો પાસે પરમાણુ હથિયારો

ભારત અને પાકિસ્તાન બન્ને પાસે પરમાણુ હથિયારોનો મોટો જથ્થો છે. ભારત પાસે ૧૩૦-૧૪૦ તો પાકિસ્તાન પાસે ૧૪૦-૧૫૦ પરમાણુ હથિયારો છે પણ ભારતની પાસે રહેલા પરમાણુ હથિયારો અત્યંત તાકાતવર છે. ભારત પાસે ૫૦૦૦ કિલોમીટર સુધી માર કરનાર મિસાઈલ છે તો પાકિસ્તાન ૨૭૫૦ કિ.મી સુધી માર કરવાની મિસાઈલ ધરાવે છે.

રશિયા પાસે સૌથી વધારે ૬૫૦૦ અણુ હથિયારો

ઠંડા યુદ્ધ બાદ પરમાણુ હથિયારોના જથ્થામાં ઘટાડો થયો છે પરંતુ આજે પણ દુનિયાના ઘણા દેશોમાં હજારોની સંખ્યામાં પરમાણુ હથિયારો છે. રશિયા પાસે હાલમાં ૬૫૦૦, અમેરિકા પાસે ૬૧૮૫, ફ્રાન્સની પાસે ૩૦૦, ચીનની પાસે ૨૯૦, બ્રિટનની પાસે ૨૧૫, ઈઝરાયેલની પાસે ૮૦, પાકિસ્તાનની પાસે ૧૪૦-૧૫૦, ભારત પાસે ૧૩૦-૧૪૦ અને ઉત્તર કોરિયા પાસે ૨૦-૩૦ પરમાણુ હથિયારો હોવાનું અનુમાન છે.

ભારત-પાક. બન્નેની પાસે કેટલી ક્ષમતા

આજે દુનિયાની પાસે ભારત-પાક કરતા પણ વધારે ક્ષમતાવાળા પરમાણુ બોંબ છે. તેથી પરમાણુ યુદ્ધની કલ્પના જ કંપાવી મૂકે છે. ભારત અને પાકિસ્તાન બન્નેની પાસે પરમાણુ હથિયારનું વહન કરનાર મિસાઈલ છે. ખાસ વાત એ છે કે બન્ને દેશો એકબીજાના વિસ્તાર સુધી હુમલા કરી શકે તેવી મિસાઈલ વિકસિત કરી ચૂક્યા છે. ભારત પાસે ૫૦૦૦ કિલોમીટર સુધીની મારક કરી શકે તેવી મિસાઈલ છે જે પાકિસ્તાનની બહાર પણ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર લઈ જનાર મિસાઈલ છે જે ૨૭૫૦ કિલોમીટર સુધી નિશાન સાધી શકે છે.

૧૦૦ કિમી વ્યાપ સુધી ભયંકર તબાહી

જો બન્ને દેશો એકબીજા પર પરમાણુ હુમલો કરે તો ભયંકર તબાહી મચશે. આગને કારણે ૦.૭૯ કિલોમીટર સુધી બધં બળીને ખાખ થઈ જશે. એર બ્લાસ્ટ-૧ પછી ૩.૨૧ કિલોમીટરના વ્યાપમાં ધ્રુજારી આવશે. ૧૦.૫ કિલોમીટર સુધી રેડિએશન ફેલાશે તથા ૫૦-૯૦ ટકા લોકો તેની અસર હેઠળ આવશે. એર બ્લાસ્ટ-૨ માં ૧૪.૨ કિલોમીટર સુધીની ઈમારતો ધ્વસ્ત બની જશે. ૪૭.૯ કિલોમીટર સુધી થર્મલ રેડિએશનની અસર થશે. એર બ્લાસ્ટ-૩ પછી ૯૩.૭ કિલોમીટર સુધી બારીઓના કાચ તૂટી શકે છે. ૧૦૦ કિલોમીટરના વ્યાપ સુધી ભયંકર ખાનાખરાબી થશે