ભારતે ચાઈનીઝ નાગરિકોના વિઝા રદ કર્યા પશ્ચિમના દેશોમાં ચીની પ્રજા સાથે ભેદભાવ શરૂ

ભારતે ચાઈનીઝ નાગરિકોના વિઝા રદ કર્યા પશ્ચિમના દેશોમાં ચીની પ્રજા સાથે ભેદભાવ શરૂ

કોરોનાએ કેર મચાવ્યો : ઊંઘતા ઝડપાયા હોવાનો ચીની સરકારનો એકરાર

ચીનમાં નવી કામચલાઉ હોસ્પિટલો તૈયાર કરાઈ : કોરોનાનો રોગચાળો આગળ વધીને શાંઘાઈ નજીક પહોંચ્યો

ચીનમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને 426 : 20 હજારથી વધુને ઇન્ફેક્શન

નવી દિલ્હી/બિજીંગ, તા. 4 ફેબ્રૂઆરી, 2020, મંગળવાર

ચીને સ્વિકાર કર્યો હતો કે કોરોના વાઈરસને કાબુમાં લેવામાં અમે ઉણા ઉતર્યા છીએ. દેશની આરોગ્ય સિસ્ટમને વધારે બનાવાની જરૂર હોવાની વાત પણ ચીની પોલિટ બ્યુરોની મિટિંગમાં કહેવાઈ હતી.

દરમિયાન ભારતે વધુ એક ડગલું વધીને અગાઉથી મંજૂર થયેલા ચાઇનિઝ નાગરિકોના વિઝા રદ કરી દીધા હતા. ઉપરાંત અત્યારે ભારતમાં હોય એવા ચાઇનિઝ નાગરિકોના વિઝા લંબાવવાની પણ સરકારે મનાઈ કરી દીધી છે. 

વાઈરસને કારણે સામાજિક ભેદભાવ પણ શરૂ થયા છે. કેમ કે અમેરિકા અને યુરોપના દેશોમાં ચીની અને અન્ય એશિયાઈ દેશોના નાગરિકોને શંકાની નજરે જોવા લાગ્યા છે.  અમેરિકામાં મોટી સંખ્યામાં ચીની લોકો રહે છે.

ઘણા અમેરિકનોને તેમના પ્રત્યે નફરત છે. એ નફરત વ્યક્ત કરવાની આ તક તેઓ ઝડપી રહ્યા છે. ઑસ્ટ્રેલિયામાં કેટલાક લોકોએ એશિયનો સાથે હાથ મિલાવાના બંધ કરી દીધા હોવાની ઘટના પણ સામે આવી હતી. આવી જ ઘટનાઓ ઈટાલિ, કેનેડા.. વગેરેમાં બની રહી છે. 

ચીનમાં કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા સવા ચારસો ઉપર પહોંચી છે, જ્યારે ચેપગ્રસ્તની સંખ્યા 20,000 થઈ ગઈ છે. ફેલાવો ભારત સહિતના 25 દેશોએ પહોંચ્યો છે. રોજ રોજ દરદી, ફેલાતા દેશો અને મૃતકોની સંખ્યા વધતી જ જાય છે. માટે ધીમે ધીમે કોરોના ઇતિહાસનો સૌથી ઘાતક વાઈરસ સાબિત થવા તરફ આગળ વધી રહ્યો છે. 

ચીને નવી કામચલાઉ હોસ્પિટલો તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. હજારો  દરદીઓ સમાઈ શકે એ માટે એક્ઝિબિશન સેન્ટર જેવા મોટા ખંડ ધરાવતા બાંધકામોને હોસ્પિટલમાં ફેરવી દેવાયા છે.

દરમિયાન વધુ કેટલોક વિસ્તાર ચીને લોકડાઉન (નજરકેદ) કર્યો છે. ચીનના મેટ્રો સિટી શાંધાઈથી 175 કિલોમીટર દૂર સુધીના વિસ્તારો લોકડાઉન કરાયા છે. પરિણામે બીજા લાખો લોકો ઘરમાં જ રહેવા મજબૂર થયા છે. આગામી દિવસોમાં આ સ્થિતિ શાંઘાઈ સુધી પહોંચી શકે છે.

લોકડાઉન કરાયેલુ તાઈઝોહુ નગર વુહાનથી 850 કિલોમીટર દૂર છે. એટલે કે વાઈરસ એટલે દૂર સુધી પહોંચ્યો છે. તાઈઝોહુના નાગરિકોને અનિવાર્ય જરૂરિયાતની ચીજો ખરીદવા માટે જ બહાર નીકળવાની છૂટ મળે છે. એ માટે દર વખતે નાગરિકોએ પોતાના આઈ-કાર્ડ દર્શાવવા પડે છે.

વૃદ્ધ દંપતિએ હાથમાં હાથ રાખી સાથે અંતિમ શ્વાસ લીધા

80 વર્ષથી વધારે ઉંમર વટાવી ચૂકેલા એક ચાઈનિઝ વૃદ્ધ દંપતિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. બન્ને કોરોનાગ્રસ્ત હોવાથી તેમને દવાખાનામાં દાખલ કરાયા હતા. આ યુગલે એકબીજાના હાથ પકડીને અંતિમ શ્વાસ લીધા હતા. ટ્વીટર સહિતના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકાયેલો આ વિડીયો લાખો લોકોએ જોયો હતો અને દંપતિના પ્રેમની સરાહના કરી હતી. બીજી તરફ ચીનમાં એક કોરોનાગ્રસ્ત મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.

કોરોના ચામાચિડીયામાંથી આવ્યો હશે?

આ વાઈરસ ક્યાંથી આવ્યો તેનું પાક્કુ નામ-ઠામ હજુ સુધી ચીની તબીબો અને દુનિયાભરના વાઈરોલોજિસ્ટો શોધી શક્યા નથી. અગાઉ એવી શંકા વ્યક્ત થઈ હતી કે સાપ અથવા તો ચામાચિડીયામાંથી આ વાઈરસ મનુષ્યમાં દાખલ થયો હોવો જોઈએ. હવે ફરીથી સંશોધકોએ વાઈરસની તપાસ કરીને એ ચામાચિડીયામાંથી જ આવ્યો હોવાની દૃઢ શંકા વ્યક્ત કરી છે. કેમ કે વાઈરસની રચના ચામાચિડીયામાં જોવા મળતાં વાઈરસ જેવી જ છે. 

જેટ ફ્યુલના વપરાશમાં ઘટાડો આવ્યો

અનેક દેશોએ ચીન સાથેની ફ્લાઈટો બંધ કરી દીધી છે. જે ફ્લાઈટો ચાલુ છે, તેમણે સંખ્યા ઘટાડી દીધી છે. પરિણામે વિમાનોમાં વપરાતા બળતણ (જેટ ફ્યુલ)ની વૈશ્વિક ડિમાન્ડમાં 3 ટકા જેવો ઘટાડો આવ્યો છે. ચીન સાથે દુનિયાના મોટા ભાગના દેશો એરમાર્ગે જોડાયેલા છે. પરંતુ કોરોના પછી અનેક દેશોએ ફ્લાઈટો બંધ કરતા તેની અસર માર્કેટ પર જોવા મળી હતી.