ભારતીય રેલવેએ આજે 167 વર્ષ પૂર્ણ કર્યા, વિશ્વયુદ્ધ વખતે ય દોડતી ટ્રેન પહેલી જ વાર કોરોનાના કારણે 40 દિવસ બંધ

ભારતીય રેલવેએ આજે 167 વર્ષ પૂર્ણ કર્યા, વિશ્વયુદ્ધ વખતે ય દોડતી ટ્રેન પહેલી જ વાર કોરોનાના કારણે 40 દિવસ બંધ

  • રોજ અઢી કરોડ લોકોને લઈને દોડતી રેલવે 22 માર્ચથી બંધ છે અને હજુ 3 મે સુધી થંભેલી જ રહેશે
  • લોકડાઉનના પગલે 19 લાખ ટિકિટો રદ કરવાથી રેલવેને રૂ. 1490 કરોડની ગંજાવર ખોટ ખમવી પડશે

નેશનલ ડેસ્ક. કોરોના મહાસંકટ વચ્ચે ભારતીય રેલવેએ આજે 167 વર્ષ પૂર્ણ કર્યા છે. 16 એપ્રિલ, 1853ના રોજ મુંબઈના બોરીબંદર (હાલના છત્રપતિ શિવાજી ટર્મિનસ)થી થાણે સુધી સૌ પ્રથમ વખત ભારતીય ટ્રેન દોડી હતી. આજે 167 વર્ષ પૂર્ણ કરી ચૂકેલી ભારતીય રેલવે તેના સમગ્ર ઈતિહાસમાં પહેલી જ વાર લોકડાઉનના પગલે 40 દિવસ સુધી બંધ રહેવાની છે. ભારતીય અર્થતંત્રની ધોરી નસ સમાન રેલવેના પૈડા થંભી જવાથી જનજીવન ઉપરાંત આર્થિક ગતિવિધિને પણ બહુ જ મોટો ફટકો પડી રહ્યો છે. 

પહેલી જ વાર ટ્રેનના પૈડાં થંભ્યા

ભારતીય રેલવેના આરંભ પછી દુનિયાએ બબ્બે વિશ્વયુદ્ધો જોયા છે. એ પછી આઝાદી અને દેશના વિભાજન વખતે ભારે મોટા પ્રમાણમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. એ ઉપરાંત ઈન્ફ્લુએન્ઝા, પ્લેગ અને સ્વાઈન ફ્લુ જેવી મહામારીઓ પણ આવી હતી. આમ છતાં રેલવેના પૈડાં કદી અટક્યા નથી. કોરોના મહાસંકટમાં પહેલી જ વાર પેસેન્જર ટ્રેન બંધ કરવાની ફરજ પડી છે, જે લગાતાર 40 દિવસ સુધી બંધ રહેવાની છે. 

અર્થતંત્રની ધોરી નસ અટકેલી છે

  • લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટે દેશભરમાં 22 માર્ચથી આગામી 3 મે સુધી રેલવે બંધ રહેવાની છે.
  • આ દરમિયાન રેલવે પ્રશાસન દ્વારા 19 લાખ ટીકિટો રદ કરવામાં આવી છે.
  •  ટિકિટો રદ કરવાના કારણે રેલવેને રૂ. 1490 કરોડનું નુકસાન થવાની ધારણા છે.
  • ભારતમાં રોજ 20,000થી વધુ પેસેન્જર ટ્રેન દોડે છે. 
  • જેમાં 3500થી વધુ ટ્રેન લાંબા અંતરની છે. 
  • રોજ આશરે અઢી કરોડ લોકો ભારતીય રેલવેમાં મુસાફરી કરે છે.