ભારતીયો માટે રાહતના સમાચાર, ઈમિગ્રન્ટ વિઝા માટેના ટ્રમ્પના આદેશને ફટકો

ભારતીયો માટે રાહતના સમાચાર, ઈમિગ્રન્ટ વિઝા માટેના ટ્રમ્પના આદેશને ફટકો

અમેરિકાની ત્રણ ફેડરલ કોર્ટે શુક્રવારે ઇમિગ્રન્ટસ વિઝા માટે હેલ્થકેર વીમો ફરજિયાત બનાવવાનાં ટ્રમ્પનાં આદેશને અટકાવ્યો હતો. ટ્રમ્પે ઓછી આવક ધરાવતા ઇમિગ્રન્ટસને ગ્રીનકાર્ડ તેમજ વિઝા નહીં આપવા સૂચવ્યું હતું. ટ્રમ્પ સરકારની દલીલ હતી કે, હેલ્થકેર વીમા વિના રહેતા ઇમિગ્રન્ટસ સરકાર પર બોજ સમાન છે. આવા ઇમિગ્રન્ટસ અમેરિકન કરદાતાઓનાં પૈસાથી હેલ્થકેરનાં લાભ મેળવી રહ્યા છે. મંગળવારથી આ નિયમ અમલમાં આવવાનો હતો તે પહેલાં આ કહેવાતા પબ્લિક ચાર્જ રૂલ સામે મેનહટનની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટનાં જજ જ્યોર્જ ડેનિયલ્સે મનાઇહુકમ ફરમાવ્યો હતો. વૉશિંગ્ટન અને સાન ફ્રાન્સિસ્કોની કોર્ટે પણ આનિયમનો અમલ કરવા સામે મનાઈ ફરમાવી હતી.

સરકાર શા માટે પબ્લિક ચાર્જની વ્યાખ્યા બદલવા માગે છે

યુએસની ટ્રમ્પ સરકારનો કોર્ટમાં આ વધુ એક પરાજય છે.સરકાર દેશની ઇમિગ્રેશન સિસ્ટમમાં ધરખમ ફેરફાર કરવા માગે છે પણ કોર્ટ તેમાં આડખીલીરૂપ બની રહી છે. દેશમાં 12 જેટલા રાજ્યોએ આ આદેશને કોર્ટમાં પડકાર્યો છે. ડેનિયલ્સે તેનાં આદેશમાં જણાવ્યું હતું કે, સરકાર શા માટે પબ્લિક ચાર્જની વ્યાખ્યા બદલવા માગે છે તેની સરકારે સ્પષ્ટતા કરી નથી. સરકારનો આ નિયમ ભારે પરિશ્રામ કરીને સમૃદ્ધ બનવાનાં અમેરિકનોનાં સપનાંમાં અવરોધક અને પ્રતિકૂળ છે.

ઇમિગ્રન્ટસ તેની આવકનાં 50 ટકાથી વધુ રોકડ હેલ્થકેરનાં લાભ મેળવી શકે નહીં

નવા કાયદામાં એવી જોગવાઈ છે કે, ઓછી આવક ધરાવતા ઇમિગ્રન્ટસ તેમની આવકનાં 50 ટકાથી વધુ રોકડ હેલ્થકેરનાં લાભ મેળવી શકે નહીં. આ ઉપરાંત તેઓ મેડિકેડ, પબ્લિક હાઉસિંગ સહાય કે 36 મહિનામાં 12 મહિનાથી વધુ ફૂડ સ્ટેમ્પનાં લાભ મેળવી શકે નહીં. ઇમિગ્રેશન અધિકારી આવા કિસ્સામાં ઇમિગ્રન્ટસની ઉંમર, હેલ્થ, શિક્ષણ અને સંપત્તિને ધ્યાનમાં લઈને એવું નક્કી કરશે કે તેમને આપવામાં આવતા હેલ્થકેરનાં લાભ સરકાર પર અને અમેરિકન કરદાતા પર બોજરૂપ બને છે કે કેમ?