ભારતમાં સૌથી ઓછા 85 દિવસમાં 10 કરોડથી વધારે વેક્સિન આપવામાં આવી, અમેરિકા અને ચીનથી આગળ

ભારતમાં સૌથી ઓછા 85 દિવસમાં 10 કરોડથી વધારે વેક્સિન આપવામાં આવી, અમેરિકા અને ચીનથી આગળ

ભારતે વેક્સિનેશનની બાબતમાં શનિવારે એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની 10 કરોડથી વધારે વેક્સિન લગાવવામાં આવી છે. અન્ય દેશોની તુલનામાં ભારત આ કામગીરી કરવામાં ફક્ત 85 દિવસનો સમય લાગ્યો છે. આટલા સમયમાં અમેરિકામાં 9.2 કરોડ અને ચીનમાં 6.14 કરોડ વેક્સિન લગાવવામાં આવી હતી. હેલ્થ મિનિસ્ટ્રીએ આ માહિતી આપી હતી. જોકે કુલ વેક્સિનેશનની દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકા અને ચીનની તુલનામાં ભારત આગળ રહ્યું છે.

શનિવાર સાંજના 7:30 વાગ્યા સુધી દેશમાં કુલ 10.12 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. હેલ્થ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોને લીધે ભારતમાં ડેથ રેટ વિશ્વમાં સૌથી ઓછો (1.28 ટકા) છે.

સૌથી વધારે વેક્સિન વૃદ્ધોને
અત્યાર સુધીમાં ભારતમાં 90 લાખ હેલ્થકેર વર્કર્સને પહેલા અને 55 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ફ્રન્ટલાઈન વર્કર્સમાં આ સંખ્યા 99 લાખ અને 47 લાખ છે. 45થી 60 વર્ષની ઉંમર ધરાવતા 3 કરોડ લોકોને પહેલો અને 6 લાખથી વધારે લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 60 વર્ષથી વધારે ઉંમર ધરાવતા 3.95 કરોડ લોકોને પહેલો અને 17.88 લાખ લોકો બીજો ડોઝ લગાવી ચુક્યા છે.

ભારતે પહેલા તબક્કામાં તમામ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનેશન 16 જાન્યુઆરીથી શરૂ કર્યું હતું. બીજો તબક્કો 1લી માર્ચથી શરૂ થયો. તેમાં 45 લાખથી વધારે ઉંમરના બીમાર લોકો અને 60 વર્ષથી ઉપરના વૃદ્ધોને વેક્સિન આપવામાં આવી હતી. ત્યારબાદ 2 એપ્રિલથી શરૂ થયેલા તબક્કામાં 45 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને આ કાર્યક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યા છે.

દેશમાં વર્તમાન સમયમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. શનિવારે દેશમાં 1.45 લાખ નવા કેસ મળ્યા છે. મહામારી ફેલાયા બાદ આ બીજા સૌથી વધારે કેસ છે.

( Source – Divyabhaskar )