ભારતમાં રહેવું હશે તો ભારત માતા કી જય બોલવું પડશે : ધર્મેન્દ્ર પ્રધાન

ભારતમાં રહેવું હશે તો ભારત માતા કી જય બોલવું પડશે : ધર્મેન્દ્ર પ્રધાન

નાગરિકતા કાયદા મુદ્દે કેન્દ્રીય મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

નાગરિકતા કાયદાના વિરોધમાં દેશમાં ફાટી નિકળેલી હિંસા માટે દેખાવકારો જવાબદાર

પૂણે, તા. 29 ડિસેમ્બર, 2019, રવિવાર

નાગરિકતા સુધારા કાયદા અને સૂચિત એનઆરસીના વિરોધમાં સમગ્ર દેશમાં ફાટી નીકળેલી હિંસા માટે દેખાવકારો પર દોષારોપણ કરતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ભારતમાં રહેવું હશે તો ‘ભારત માતા કી જય’ બોલવું પડશે. તેમના આ નિવેદનથી વિવાદ સર્જાયો છે.

મહારાષ્ટ્રના પૂણેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ની ત્રણ દિવસની વાર્ષિક 54મી પરિષદને સંબોધન કરતાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ વિભાગના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે શું આપણે આપણા દેશને એવી ધર્મશાળા બનાવવી છે, જ્યાં કોઈપણ રોક-ટોક વિના ઘૂસી શકે? તેથી આપણે એ પડકાર સ્વીકારવો પડશે અને એ બાબતની ખાતરી કરવી પડશે કે માત્ર એ લોકો જ અહીં રહી શકે, જે ‘ભારત માતા કી જય’ કહેવા માટે તૈયાર હોય.

ધર્મેન્દ્ર પ્રધાને નાગરિકતા સુધારા કાયદો (સીએએ) અને સૂચિત એનઆરસીનો વિરોધ કરી રહેલાં દેખાવકારોની પણ ટીકા કરી. તેમણે કહ્યું, શું નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહનું બલિદાન બેકાર જશે?

શું અગણિત લોકો  સ્વતંત્રતા માટે એટલે લડયા કે 70 વર્ષ પછી દેશ એ વિષય પર વિચાર કરે કે નાગરિકોની ગણતરી થાય કે નહીં ? હું દેખાવો કરી રહેલા લોકોને પૂછું છું કે વિશ્વમાં એવો કોઈ દેશ છે, જે તેના નાગરિકોની ગણતરી કરતો ન હોય? વિશ્વમાં એવો એક પણ દેશ નથી.

તેમણે નાગરિકતા વિરોધી કાયદા અને એનઆરસીના વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસા માટે દેખાવકારોને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે દેશમાં રહેતા નાગરિકો નાગરિકતાના નામે હિંસા પર ઉતરી આવે ત્યારે એબીવીપી જેવી સંસ્થાઓની જવાબદારી વધી જાય છે. લોકોને ગેરમાર્ગે દોરનારા લોકોને ખુલ્લા પાડવાનું કામ માત્ર રાષ્ટ્રવાદી જૂથો જ કરી શકે છે.