ભારતમાં ફસાયેલાં વિદેશી અને NRI પરત જઇ શકશે, ગ્રીન કાર્ડ, OCI અને એક વર્ષના વીઝા જેવી શરત રાખવામા આવી

ભારતમાં ફસાયેલાં વિદેશી અને NRI પરત જઇ શકશે, ગ્રીન કાર્ડ, OCI અને એક વર્ષના વીઝા જેવી શરત રાખવામા આવી

  • પરત જતા નાગરિકોને પ્રવાસનો સંપૂર્ણ ખર્ચો પોતે ઉઠાવવો પડશે
  • પ્રવાસ પહેલા દરેકની થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે, નિયમોનું પાલન કરવું પડશે

નવી દિલ્હી:. કોરોનાવાયરસ સંક્રમણને રોકવા માટે ભારત સરકારે દેશમાં ફસાયેલા વિદેશી અને NRIને પરત જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ હવે ઘણા લોકો તેમના દેશોમાં પાછા જવા માગે છે. તેમની સુવિધા માટે ગૃહમંત્રાલયે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર જાહેર કરી છે. હવે આવા લોકો તેમના ઘરે જઇ શકશે. સરકારે તેમને પરત મોકલવા માટે સિટિઝનશીપ, ગ્રીન કાર્ડ, OCI અને એક વર્ષના વીઝા જેવી શરતો રાખી છે. 

એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં અત્યારે 70 હજાર વિદેશી અને NRI ફસાયેલાં છે. તેમાંથી વિદેશમાં નોકરી કરતા ઘણા લોકો પાછા જવા માગે છે. સરકારે તેમના માટે ગાઇડલાઇન જાહેર કરી છે. 

વિદેશ જવા માગતા લોકો માટે ગાઇડલાઇન
1. વિદેશ જવા માગતા લોકોને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અથવા મંત્રાલય દ્વારા અધિકૃત એજન્સી પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ખર્ચો પ્રવાસીને આપવો પડશે. 
2. જે દેશમાં જવા માગતા હોય, ત્યાંનો ઓછામાં ઓછો એક વર્ષનો વિઝા, ગ્રીન કાર્ડ અને OCI કાર્ડ હોવું જોઇએ. 
3. મેડિકલ ઇમરજન્સી અથવા પરિવારમાં કોઇના મૃત્યુની સ્થિતિમાં છ મહિનાના વીઝા વાળા ભારતીય નાગરિકને પણ મંજૂરી અપાશે.
4. પ્રવાસ માટે ટિકિટ કન્ફર્મ થયા પહેલા ભારત સરકાર એ દેશો સાથે વાત કરશે જ્યાં નાગરિક પરત જવા માગે છે. જો ત્યાંની સરકાર મંજૂરી આપશે તો જ તેઓ પરત જઇ શકે છે. 
5.આ લોકોને એ જ નોન શેડ્યૂલ ફ્લાઇટ્સથી પાછા મોકલાશે જેમાં વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાના છે. 
6. પ્રવાસ પહેલા દરેકની થર્મલ સ્ક્રિનીંગ થશે. પ્રવાસ દરમિયાન પણ સ્વાસ્થ્ય સંબંધિત દરેક નિયમ પાળવા પડશે. પ્રવાસીઓને અંડરટેકિંગ આપવી પડશે કે તેઓ તેમના જોખમે આ પ્રવાસ કરી રહ્યા છે.