ભારતમાં કોરોના સંક્રમણ અને મૃત્યુનો ભોગ બનનારા પૈકી 75% પુરુષો, 86% મૃતકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હતા

ભારતમાં કોરોના સંક્રમણ અને મૃત્યુનો ભોગ બનનારા પૈકી 75% પુરુષો, 86% મૃતકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હતા

  • કોરોના સંક્રમણ અને મૃત્યુ અંગેની ભારતની પેટર્ન ચીન કરતાં ઈટાલી, સ્પેન સાથે વિશેષ મળતી આવે છે    
  • ચીનમાં મૃતકોમાં પુરુષો-મહિલાઓનું પ્રમાણ સરખું, જ્યારે ભારત-ઈટાલીમાં પુરુષો જ સૌથી વધુ ભોગ બન્યા છે

નેશનલ ડેસ્ક, અમદાવાદ. કોરોના મહાસંકટ દેશમાં ગહેરાતું જાય છે એ સાથે સંક્રમિતો અને મૃત્યુ પામનારાઓનો આંક પણ સતત વધતો જાય છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતમાં સંક્રમિતોની સંખ્યા 5502 અને મૃતકોની સંખ્યા 176 જેટલી થઈ છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની સત્તાવાર માહિતી મુજબ કોરોના સંક્રમિતો અને મૃતકોનો ડેટા ઈટાલી અને સ્પેન, ફ્રાન્સ જેવા યુરોપના દેશોની પેટર્ન સાથે ઘણોખરો મળતો આવે છે. 

સંક્રમિતો-મૃતકોમાં પુરુષો સૌથી મોખરે

આરોગ્ય મંત્રાલય દ્વારા અપાયેલ સ્ટેટેસ્ટિક્સ મુજબ ભારતમાં કોરોના સંક્રમિતો પૈકી પુરુષનું પ્રમાણ 76 ટકા છે, જ્યારે કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોમાં પુરુષોનું પ્રમાણ 73 ટકા છે. ચીનમાં પુરુષો અને મહિલાઓમાં સંક્રમણ તેમજ મૃત્યુનું પ્રમાણ લગભગ સરખું છે. જોકે ઈટાલી સહિતના યુરોપના દેશોમાં ભારતની માફક પુરુષોમાં કોરોના સંક્રમણ વધુ ગંભીર સાબિત થયું છે. અલબત્ત, સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં સંક્રમણનું પ્રમાણ કેમ વધારે છે એ અંગે હજુ કોઈ નિશ્ચિત કારણ આપી શકાતું નથી. પરંતુ નૈસર્ગિક રોગપ્રતિકારક શક્તિ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ઓછી હોય છે એટલે પુરુષો કોરોના સંક્રમણનો આસાનથી ભોગ બનતાં હોય તેમ બની શકે. 

મોટી ઉંમરના લોકો પર કોરોનાનું સંક્રમણ વધુ ઘાતક

ચીનમાં કોરોના સંક્રમણનો ભોગ બનનારાઓમાં શરૂઆતમાં વૃદ્ધોની સંખ્યા વધુ હતી. પરંતુ પછી તેમાં પ્રૌઢો અને યુવાનો પણ એટલી જ મોટી સંખ્યામાં ભોગ બન્યા હતા. જ્યારે ભારતમાં હાલ કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામનારા લોકો પૈકી 63 ટકા મૃતકોની વય 60 કે તેથી વધુ છે. વૃદ્ધોમાં પણ જેમને ડાયાબિટિસ, હાર્ટ, હાઈ બ્લડપ્રેશર, કિડની જેવી માંદગી અગાઉથી હોય છે તેમના માટે કોરોના સંક્રમણ વધુ ઘાતક બને છે. કારણ કે ભારતમાં મૃતકો પૈકી 86 ટકા લોકો અન્ય ગંભીર બિમારીથી પીડિત હોવાનું નોંધાયું છે. 

રોગપ્રતિકાર શક્તિ વધારો એ જ શ્રેષ્ઠ ઉપાય

કોરોના મૃતકોના ડેટાનું સ્ટેટેસ્ટિક્સ જોવાથી સમજી શકાય છે કે કોરોનાની કોઈ નિશ્ચિત દવા ઉપલબ્ધ નથી એવા સંજોગોમાં રોગપ્રતિકાર શક્તિ વધારવી એ જ અક્સિર ઈલાજ મનાય છે. ચીનમાં પારંપરિક ઔષધો, ઓસડિયાનું મહત્વ બહુ જ છે. આથી ત્યાં કોરોના ઉદભવ્યો હોવા છતાં ઓળખાયા પછી મૃત્યુ આંક મર્યાદિત કરી શકાયો. ઈટાલી સહિતના યુરોપના દેશોમાં એલોપથી સિવાય અન્ય કોઈ ઔષધોની પરંપરા નથી. ભારતમાં રોગપ્રતિકારશક્તિ વધારવા માટે આયુર્વેદિક દવાઓ, ઉકાળા બેહદ ચલણી અને સરળ પ્રાપ્ય છે. આ ઉપરાંત પૂરતી ઊંઘ, પૂરતો ખોરાક, હળવી કસરતો, પ્રાણાયામ વગેરેથી પણ કોરોના સંક્રમણને રોકી શકાય છે.