ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસ દ્વારા H1B રિન્યૂઅલ અરજી સ્વીકારવાનું શરૂ

ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસ દ્વારા H1B રિન્યૂઅલ અરજી સ્વીકારવાનું શરૂ

। નવી દિલ્હી ।

અમેરિકાનું ભારતમાં આવેલું દૂતાવાસ કેટલાક ચોક્કસ કક્ષાના વિઝા માટેની ડ્રોપ બોક્સ અરજીઓનો સ્વીકાર કરશે. દૂતાવાસ જે વિઝા અરજીઓનો સ્વીકાર કરવાનું છે તેમાં જૂન મહિનામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર થયેલા ઇમિગ્રેશન પ્રતિબંધ હેઠળ આવતા એચ-૧બી અને એલ-૧ વિઝા માટેની અરજીઓનો પણ સમાવેશ થાય છે. આ અંગેના જાહેરનામામાં જણાવ્યા મુજબ એચ-૧બી અને એલ-૧ વિઝાધારક કર્મચારીઓ જો તેમના જૂના સમાન સંગઠનમાં સમાન ભૂમિકા માટે અરજી કરવા ઇચ્છતા હોય તો સુધારેલી ગાઇડલાઇન મુજબ તેઓ અરજી કરી શકશે. ચોક્કસ માપદંડો પૂરા કરી રહેલા અન્ય કક્ષાના અરજદારો પણ અરજી કરી શખશે. અમેરિકી પ્રમુખે ૨૨ જૂનના રોજ એક આદેશ પર હસ્તાક્ષર કરતાં અમેરિકી નોકરીઓને બચાવી લેવાના હેતુસર નવી નન- ઇમિગ્રન્ટ પરમિટ આપવાનું આ વર્ષના અંતભાગ સુધી સ્થગિત રાખવા ફરમાવ્યું હતું.

કેનેડા પણ વિદ્યાર્થીઓ માટે બહાર પાડી ચૂક્યું છે ગાઇડલાઇન 

કેનેડા પણ આ વર્ષે કેનેડામાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ગાઇડલાઇન જારી કરી ચૂક્યું છે. કેનેડાના ઇમિગ્રેશન, નિર્વાસિત અને નાગરિકતા કાર્યાલયે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ૩૦ એપ્રિલ,૨૦૨૧ સુધી દેશ બહાર ઓનલાઇન અભ્યાસ કરી શકશે. તેઓ કેનેડાની ભીતર ૫૦ ટકા અભ્યાસ કાર્યક્રમ પૂરો કરશે તો ભાવિ અનુસ્નાતક વર્ક પરમિટની મુદતમાં પણ કોઈ કાપ મૂકવામાં નહીં આવે. ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે મે-સપ્ટેમ્બર ૨૦૨૦થી શરૂ કરીને કેનેડાના ૮થી ૧૨ મહિનાના અભ્યાસ પ્રોગ્રામ માટે નોંધણી કરાવી ચૂકેલા વિદ્યાર્થીઓ પોતાનો આ સંપૂર્ણ અભ્યાસ પ્રોગ્રામ ઓનલાઇન પૂરો કરશે તો પણ વર્ક પરમિટ માટે યોગ્ય માનવામાં આવશે. આ નવી જોગવાઈ માટે યોગ્ય રહેવા ૧૫મી સપ્બેમ્બર સુધીમાં વિદ્યાર્થી પરમિટ અરજી કરવાની રહેશે.