ભારતનો એડિલેડમાં ઓસી. સામે ૮ વિકેટે શરમજનક પરાજય

ભારતનો એડિલેડમાં ઓસી. સામે ૮ વિકેટે શરમજનક પરાજય

। એડિલેડ ।

એડિલેડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ડે નાઇટ ટેસ્ટમેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન ઓપનર જો બર્ને સિક્સર ફટકારીને પોતાની હાફ સેન્ચુરી પૂરી કરવાની સાથે પોતાની ટીમને પણ પ્રથમ ટેસ્ટમાં વિજય અપાવી દીધો હતો. અને આ વિજય માટે ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં ફક્ત ૯૦ રન જ કરવાના હતાં કેમ કે ભારત શરમજનક રીતે હેઝલવૂડ અને કમિન્સની સામે ઘૂંટણીએ પડયું હતું અને ફક્ત ૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ ભારતે સિરીઝની શરૂઆત શરમજનક પરાજય સાથે કરી છે. નોંધનીય છે કે ભારત માટે આ એક નાલેશીભર્યો રેકોર્ડ છે કેમ કે આ અગાઉ ભારતની ટીમ ક્યારેય પણ ૪૦થી નીચેના સ્કોર પર ઓલઆઉટ થઈ ન હતી. છેલ્લે ૧૯૭૪માં ભારતની ટીમ ૪૨ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. એડિલેડમાં બીજા દિવસના એક વિકેટે નવ રનના સ્કોર બાદ ભારતે ત્રીજા દિવસની શરૂઆત કરી હતી અને બાકીની તમામ વિકેટ ફક્ત ૨૭ રનના ઉમેરા સાથે પડી ગઈ હતી. મોહમ્મદ સામી એક ફાસ્ટ બોલ હાથ પર વાગતાં રિટાયર્ડ હર્ટ થયો હતો. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ફક્ત ૯૦ રનનું લક્ષ્ય મળ્યું હતું અને ઓસ્ટ્રેલિયાએ તેને ફક્ત બે વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધું હતું.પ્લેયર ઓફ ધ મેચ પેઇને જાહેર કરવામાં આવ્યો હતો. ચાર મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ૧-૦થી આગળ થઈ ગયું છે.

ક્રિકેટ પ્રેમીઓની આશા પર પાણી ફરી વળ્યું  

બીજા દિવસે રમત પર સુંદર નિયંત્રણ ધરાવતી પ્રવાસી ટીમની સ્થિતિ ઘણી જ સારી હતી અને ક્રિકેટ પ્રેમીઓને આશા હતી કે ભારત ત્રીજા દિવસે સારો દેખાવ કરશે જેથી મેચ જીતી શકાશે પરંતુ પરિણામ બીલકુલ ઊલટું આવ્યું હતું. ભારતે ત્રીજા દિવસના આરંભે પ્રથમ વિકેટ જસપ્રિત બુમરાહની ગુમાવી હતી જે બીજા દિવસે નાઇટ વોચમેન તરીકે મેદાન પર ઊતર્યો હતો. તેણે પેટ કમિન્સને સરળ રિટર્ન કેચ આપી દીધો હતો. ત્યાર બાદ જોઝ હેઝલવૂડ અને પેટ કમિન્સની ધારદાર બોલિંગ સામે ભારતીય બેટ્સમેનોએ રીતસરની શરણાગતી સ્વીકારી લીધી હતી અને બન્ને બોલર્સે અનુક્રમે પાંચ વિકેટ અને ચાર વિકેટ ઝડપીને ભારતને ફક્ત ૩૬ રનમાં તંબુભેગી કરી દીધી હતી અને કહેવાતી મજબૂત બેટિંગ લાઇનઅપને ઓસ્ટ્રેલિયન બોલર્સે રીતસર વેરવિખેર કરી દીધી હતી.

એકમાત્ર સફળતા અશ્વિનને મળી  

જવાબમાં બીજી ઇનિંગ માટે રમતમાં ઊતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ફક્ત બે વિકેટ ગુમાવીને ૯૨ રન નોંધાવી ખૂબ જ આસાનાથી ભારત સામે આઠ વિકેટે વિજય મેળવી લીધો હતો. ઓપનર જો બર્ન ૫૧ રન સાથે અને સ્મિથ એક રન સાથે નોટઆઉટ રહ્યા હતાં. બીજી ઇનિંગમાં ભારત તરફથી એકમાત્ર સફળતા અશ્વિનને મળી હતી, તેણે માર્નસને છ રન પર અગરવાલના હાથે કેચઆઉટ કર્યો હતો.એ પહેલાં ઓપનર મેથ્યુ વેડ ૩૩ રન પર વિકેટકીપરના હાથે રનઆઉટ થયો હતો.

ભાઈ યે તો શુરૂ હોતે હી ખતમ હો ગયા… સોશિયલ નેટવર્ક પર ભારતીય ટીમની મજાક…

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ૫૩ રનની લીડ સાથે ભારતીય ટીમનો હાથ ઉપર હતો પરંતુ બીજી ઇનિંગમાં ભારતીય ટીમે જે શરમજનક દેખાવ કર્યો તેની પાછળ ભારતીય ક્રિકેટ રસિકોએ પોતાનો રોષ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમની ભારે ઠેકડી ઉડાવીને ઠાલવ્યો હતો. લોકોએ ભારતના બેટિંગ ઓર્ડરની મજાક ઉડાવતાં મુન્નાભાઈ ફિલ્મનો ફેમસ ડાયલોગ શેર કર્યો હતો જેમાં સર્કિટ મુન્ના ભાઈને કહે છે કે ભાઈ યે તો શુરૂ હોતે હી ખતમ હો ગયા… એક ચાહકે હાલમાં ભારે વાઇરલ થયેલાં એક વીડિયોમાં પાણીમાં પડતાં પાકિસ્તાનના મુર્ખાઓની તુલના શો, અગરવાલ, પૂજારા, કોહલી, રહાણે, વિહારી અને સાહા સાથે કરી હતી. તો કેટલાક લોકોએ તારક મહેતાના જેઠાલાલના અવનવા ચેહરાને ટાંકીને ભારતીય ટીમની ખરી રહેલી વિકેટો સામે પોતાનો અણગમો જાહેર કર્યો હતો. બી.આર. ચોપરાના મહાભારતમાં દુર્યોધન કહે છે કે યે સૂર્યાસ્ત ક્યોં નહીં હો રહા…..ચાહકોએ ક્રિકેટરોનું માનસ પણ આવું જ કહેતું હશે તેવી મજાક ઉડાવી હતી.

ફક્ત એક કલાકમાં બધુ ગુમાવી દીધું : કોહલી

એડિલેટ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા પ્રથમ ડે-નાઇટ ટેસ્ટમાં એક સમયે એવું લાગતું હતું કે આ મેચ ભારતીય ટીમ જ જીતી જશે. બધુ ભારતની તરફેણમાં હતું પરંતુ બીજી ઈનિંગમાં ભારતીય ટીમે એવો ખરાબ દેખાવ કર્યો કે બધું જ બદલાઇ ગયું અને હાર સાથે ભારતીય ટીમ ચાર મેચની સિરીઝમાં ૧-૦થી પાછળ થઈ ગઈ. ટેસ્ટમાં હાર પછી કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે આ હારને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. અમે ત્રીજા દિવસની શરૂઆત કરી ત્યારે અમારી પાસે ૬૦ રનની લીડ હતી પરંતુ તે પછી અમારા બેટ્સમેનો ખખડી ગયાં. આગલા બે દિવસ અમે સારું ક્રિકેટ રમ્યા હતાં અને સારી સ્થિતિમાં હતાં પણ સવારના ફક્ત એક કલાકમાં જ અમે બધું જ ગુમાવી દીધું હતું અને તે ખરેખર નિરાશ કરનારું હતું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેઈને કહ્યું હતું કે આજે સવારે જ મેં કહ્યું હતું કે બન્ને ટીમમાં ઝડપથી વિકેટ મેળવવાની ક્ષમતા છે અને આટલી ઝડપથી સાચું પણ પડયું છે. પેઈને પોતાના ઝડપી બોલર્સને આ જીતના ખરા હકદાર ગણાવ્યા હતાં.