ભારતને અમેરિકા બનાવવા જશો તો બ્રાઝીલ જેવી હાલત થશે : ગોવિંદાચાર્ય

ભારતને અમેરિકા બનાવવા જશો તો બ્રાઝીલ જેવી હાલત થશે : ગોવિંદાચાર્ય

। નવી દિલ્હી ।

એક સમયે ભાજપની થિંક ટેંક રહેલા આરએસએસના ચિંતક અને આર્થિક બાબતોના નિષ્ણાત મનાતા કે. એન. ગોવિંદાચાર્યે કહ્યું છે કે હાલમાં જે મંદી આવી છે એની પાછળ ૧૯૯૧માં કરવામાં આવેલા કથિત આર્થિક સુધારા જવાબદાર છે. જો ભારતને અમેરિકા બનાવવાની કોશિશ કરીશું તો એ બ્રાઝીલ બની જશે. બ્રાઝીલને એની ખોટી નીતિઓનું નુકસાન ભોગવવું પડયું છે અને ૨૦૧૪થી ત્યાં આર્થિક મંદી છે.

ગોવિંદાચાર્યે કહ્યું હતું કે આર્થિક ઉદારીકરણના લીધે મંદી આવી છે કારણ કે આપણા દેશની શક્તિઓ ઓળખ્યા વિના આપણે એક્સપોર્ટના રસ્તે ચાલ્યા હતા. આપણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો પણ આક્રમક રીતે ઉપયોગ કરી શક્યા નહીં. આપણને દેશની અર્થવ્યવસ્થાની બેઝિક સ્ટ્રેન્થ સમજવી પડશે. એના પછી કોઈ પણ કદમ ફાયદાકારક રહેશે. અર્થવ્યવસ્થાનું વૈશ્વીકરણ થાય છે ત્યારે એની સાથે મંદી અને બેરોજગારી પણ આવે છે.

બ્રિક્સમાં સ્થાન પામેલા બ્રાઝીલને દુનિયાની સૌૈથી ઝડપથી ઊભરતી અર્થવ્યવસ્થા કહેવામાં આવતી હતી પણ ૨૦૧૪ બાદ ત્યાં મંદી છે. હાલમાં આ દેશમાં આર્થિક સંકટ છે. લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે.   ગોવિંદાચાર્યે કહ્યું કે આપણા દેશમાં વસતી વધારે છે. એથી ડોમેસ્ટિક પ્રોડક્શન, ડોમેસ્ટિક કન્ઝમ્પ્શન અને ડોમેસ્ટિક માર્કેટિંગની દિશામાં આપણે ચાલવાની જરૂર છે. આપણે કૃષિ અને એના ઉત્પાદનો સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રી પર ફોકસ કરવું પડશે. આપણે દાળ અને તેલીબિયાંના ઉત્પાદન પર જોર લગાવવું પડશે. આનાથી રોજગાર સંકટ પણ દૂર થશે.

૨૦૦૦માં ભાજપ છોડી હતી   

૧૯૮૮થી ૨૦૦૦ વચ્ચે ભાજપના થિંક ટેંક રહેલા ગોવિંદાચાર્ય આરએસએસના પ્રચારક હતા. ૨૦૦૦માં તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ હતા, પણ અટલ બિહારી વાજપેયીની નારાજગીના કારણે તેમને આ પદ છોડવું પડયું હતું અને ભાજપમાંથી અલગ થયા બાદ તેઓ ફરી ભાજપમાં આવ્યા નથી.