ભારતની 130 કરોડની વસતીના કારણે હર્ડ ઇમ્યૂનિટી વિકલ્પ નથી

ભારતની 130 કરોડની વસતીના કારણે હર્ડ ઇમ્યૂનિટી વિકલ્પ નથી

। નવી દિલ્હી ।

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારતની વસતીને જોતાં કોરોના મહામારી સામેની લડાઇમાં હર્ડ ઇમ્યૂનિટી વ્યૂહાત્મક વિકલ્પ બની શકે નહીં. જ્યાં સુધી કોરોનાની રસી ન મળે ત્યાં સુધી લોકોએ કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવાની તમામ ગાઇડલાઇન અનુસરવી જોઇએ. આરોગ્ય મંત્રાલયના  અધિકારી રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, હર્ડ ઇમ્યૂનિટી કોરોના સંક્રમણની સામે આડકતરું સંરક્ષણ છે. એ ત્યારે જ શક્ય બને જ્યારે સમગ્ર વસતીમાં રોગપ્રતિકારક શક્તિઓ વિકસે અથવા તો રસીકરણ કરાય. ભારતની વસતી ૧૩૦ કરોડ કરતાં વધુ છે. આટલી મોટી વસતી ધરાવતા દેશમાં હર્ડ ઇમ્યૂનિટી વ્યૂહાત્મક પસંદગી કે વિકલ્પ બની શકે નહીં. જો તેની રાહ જોવામાં આવે તો મોટી કિંમત ચૂકવવી પડે. લાખો લોકો કોરોનાથી સંક્રમિત થઇને હોસ્પિટલમાં દાખલ થાય અને આ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં મોત નીપજી શકે છે. ફક્ત રોગપ્રતિકારતા દ્વારા જ હર્ડ ઇમ્યૂનિટી જન્મી શકે છે અને ભવિષ્યમાં હર્ડ ઇમ્યૂનિટી આવી શકે છે.

ભૂષણે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના સંક્રમણ સામે હર્ડ ઇમ્યૂનિટી હજુ ઘણે દૂરની વાત છે. હાલ તો આપણે માસ્ક પહેરી, મોટી સંખ્યામાં એકઠાં ન થઇ, હેન્ડ હાઇજિન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કોરોનાનાં સંક્રમણ સામે લડવાનું છે. રસી બની ન જાય ત્યાં સુધી કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

ભારતમાં હર્ડ ઇમ્યૂનિટી ટૂંકાગાળાની જ રહેશે : વૈજ્ઞાનિકો

નવી દિલ્હી અને મુંબઇમાં હાથ ધરાયેલા સિરો સર્વેનાં પરિણામો પર વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે ભારતમાં હર્ડ ઇમ્યૂનિટી નાના નાના પોકેટ્સમાં અને ટૂંકાગાળાની જ રહેશે. જ્યારે ૭૦થી ૯૦ ટકા વસતી રોગથી સંક્રમિત થાય ત્યારે જ હર્ડ ઇમ્યૂનિટી ઉદ્દભવી શકે છે. ઘણા એપિડેમિયોલોજિસ્ટ માને છે કે દેશની ૬૦ ટકા વસતી કોરોનાથી સંક્રમિત થાય તો જ હર્ડ ઇમ્યૂનિટી આવી શકે છે.