ભારતની ચા વેચી અમેરિકન મહિલાએ કરોડોની કમાણી કરી

ભારતની ચા વેચી અમેરિકન મહિલાએ કરોડોની કમાણી કરી

ચા વેચી સાત મિલિયન ડૉલરની બ્રાન્ડ ઉભી કરી

ભારતીય બનાવટની ચાથી અંજાઇ એડી બૂ્રકે અમેરિકામાં ચાની બ્રાન્ડને ‘ભક્તિ’ નામ આપ્યું

નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર, 2019, રવિવાર

ભારતમાં કોઇ ચા વેચી કરોડપતિ થયું હોય તેવા કિસ્સાઓ ઘણાં છે પરંતુ માં એક અમેરિકન મહિલાએ ભારતીય બનાવટની ચા વેચી કરોડો રૂપિયાની કમાણી કરી છે. એડી બૂ્રક નામની આ મહિલાએ હવે ચાની બ્રાન્ડને ભક્તિ નામ આપી સમગ્ર અમેરિકામાં વિવિધ ઉત્પાદનો વેચવાના શરૂ કર્યા છે. 

અમેરિકાના કોલોરાડોમાં રહેતી એડી બૂ્રક નામની મહિલા વર્ષ 2002માં ભારત આવી હતી અને ચાર વર્ષ સુધી ભારતમાં રહી હતી. ભારતમાં રોકાણ દરમિયાન તેને ભારતીય બનાવટની ચા દાઢે વળગી હતી.

વર્ષ 2006માં અમેરિકા પરત ફર્યા બાદ તેણે ભારતમાં બને છે તેવી ચા પીવા કોલોરાડોના લગભગ રેસ્ટોરાં અને કેફેની ચાનો સ્વાદ ચાખ્યો પરંતુ ભારતમાં બને છે તેવી ચા તેને ક્યાંય મળી નહી. જેથી તેણે આ ચાનું મૂલ્ય સમજી 2007માં કોલોરાડોમાં નાનકડી દુકાન ખોલી ચા વેચવાનું શરૂ કર્યુ. આદુ અને મસાલાવાળી ચાને એડીએ ‘ભક્તિ ચા’ નામ આપ્યું.

અહીંના અમેરિકનોને આ ચાનું એટલું ઘેલું લાગ્યું છે કે એડીએ હવે મોટું કેફે શરૂ કર્યુ છે અને એન્ય કેફે અને રેસ્ટોરાંમાં પણ તેની ચા વેચાઇ રહી છે. વિવિધ ફ્લેવર સાથેની પેકેજ્ડ ચા પણ અહીંની દુકાનોમાં મળી રહી છે. તેની આ વાર્ષિક આવક સાત મિલિયન ડોલર હોવાનો અંદાજ છે.