ભારતના હજારો વિદ્યાર્થીઓને થશે જબ્બર લાભ, બ્રિટનની સરકારે લીધો મહત્વનો નિર્ણય

ભારતના હજારો વિદ્યાર્થીઓને થશે જબ્બર લાભ, બ્રિટનની સરકારે લીધો મહત્વનો નિર્ણય

બ્રિટનની બોરિસ જોન્સન સરકારે બુધવારે બે વર્ષના પોસ્ટ સ્ટડી વર્કવિઝાની જાહેરાત કરી હતી. વર્ષ 2012માં વર્કવિઝા વિષે બ્રિટને લીધેલા વિપરીત નિર્ણયને કારણે બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ હતી, પરંતુ બ્રિટિશ સરકારે હવે પોતાના વર્ષ 2012ના નિર્ણયને બદલ્યો છે. ભારતના સેલ્ફ ફાયનાન્સિંગની રાહે ભણી રહેલા વિદ્યાર્થીઓમાં આ વિઝા ખૂબ જ લોકપ્રિય છે.

બ્રિટન દ્વારા થયેલી આ જાહેરાત સૂચવે છે કે બ્રિટનના વર્ષ 2020-૨૧ના શૈક્ષણિક વર્ષમાં પૂર્વસ્નાતક કે અનુસ્નાતક બે વર્ષના અભ્યાસક્રમમાં જોડાઈને તે અભ્યાસક્રમ પૂરો કર્યા પછી ભારતના અને અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બે વર્ષ સુધીનું રોકાણ કરી શકશે અને કોઈપણ જોબ પણ કરી શકશે.

એપ્રિલ 2012માં તત્કાલીન ગૃહ સચિવ થેરેસા મેએ તે વર્કવિઝા રદ કર્યા હતા. તત્કાલીન સરકારનું માનવું હતું કે તે પ્રકારના વર્કવિઝા ખૂબ ઉદાર હતા. તે સરકારે આ પ્રકારના પોસ્ટ વર્કવિઝાની જોગવાઈ રદ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી બોગસ કોલેજોને પણ બંધ કરી હતી.

શોધીને બ્રિટનમાં અભ્યાસ પાછળ થયેલા ખર્ચને પરત મેળવવા પ્રયાસ કરતા હતા. એમ પણ કહેવાતું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ બોગસ કોલેજોની મદદથી તે વર્કવિઝાનો દુરુપયોગ કરતા હતા અને તે જોગવાઈ બંધ કરવામાં આવી હતી.

|કેટલાકનું એવું પણ માનવું છે કે બ્રેક્ઝિટને પગલે યુરોપીય સંઘના વિદ્યાર્થીઓ માટે બ્રિટનમાં મુક્તપણે નોકરીઓ મેળવવી મુશ્કેલ બની રહેશે. તે પાસાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વર્ષ 2012માં જોગવાઈ રદ થતાં ઘટી હતી વિદ્યાર્થીઓની સંખ્યા

થેરેસા મે દ્વારા વર્કવિઝાની જોગવાઈ રદ થતાં એવો સંકેત ગયો હતો કે ભારતીય વિદ્યાર્થીઓને આવકારવા બ્રિટન તૈયાર નથી. તેને કારણે બ્રિટન પહોંચતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. વર્ષ 2010-11માં બ્રિટનમાં 39.090 ભારતીય વિદ્યાર્થીઓ ભણતા હતા , જે વર્ષ 2016-17માં ઘટીને 16,550 થઈ ગયા હતા. માર્ચ 2019ની મુદતે પૂરા થતા સત્ર દરમિયાન બ્રિટનમાં 21,165 ભારતીય વિદ્યાર્થી ભણતા હતા.

બ્રિટનમાં કારકિર્દી શરૂ કરવાની તક

વડા પ્રધાન બોરિસ જોન્સને શ્રોણીબદ્ધ પ્રોજેક્ટની જાહેરાત કરતાં નવા વિઝા રૂટની જાહેરાત કરી છે. બ્રિટનના નેતૃત્વમાં થતા સંશોધન અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે આ વિઝારૂટ શરૂ થયો છે. જાહેરાત કરતાં કહેવામાં આવ્યું છે કે, ‘આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતાના તાળા ખોલીને બ્રિટનમાં જ પોતાની કારકિર્દી ઘડી શકવાની તક મેળવી શકે તે માટે નવા વિઝા રૂટની શરૂઆત કરવામાં આવી છે.’