ભારતના એક નિર્ણયથી ટ્રમ્પ રાજીના રેડ, ખુશખુશાલ થઇ કહ્યું – Thank You ઇન્ડિયા અને મોદી

ભારતના એક નિર્ણયથી ટ્રમ્પ રાજીના રેડ, ખુશખુશાલ થઇ કહ્યું – Thank You ઇન્ડિયા અને મોદી

કોરોના મહામારીના ભયાનક સંકટના સમયમાંથી પસાર થઇ રહેલા અમેરિકાને હાઇડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસને ભારત સરકારની મંજૂરી મળી છે. આથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ ખુશ છે. બુધવારના રોજ ટ્વીટ કરીને ટ્રમ્પે ભારતના પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યકત કરી. તેમણે પીએમ મોદી અને ભારતીય લોકોનો આભાર માનતી પોતાની ટ્વીટમાં કહ્યું કે ભારતની આ મદદને ભૂલાશે નહીં.

ટ્રમ્પે આની પહેલાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરીને કોરોના વિરૂદ્ધ લડાઇમાં મદદ માંગી હતી. તેમણે હાઇ્રોક્સીક્લોરોક્વીનની નિકાસ ના કરવા પર ભારત પર જવાબી કાર્યવાહી કરવાની વાત કહી હતી. ભારત સરકાર દ્વારા હાઇડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવ્યા બાદ ટ્રમ્પના સૂર અચાનક બદલાઇ ગયા અને તેમણે એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપવા દરમ્યાન પીએમ મોદીના વખાણ કર્યા. તેમણે મોદીને મહાન નેતા ગણાવ્યા.

બુધવારના રોજ ટ્રમ્પે એક વખત ફરીથી મોદીના વખાણ કરતાં તેમણે આભાર માન્યો. ટ્રમ્પે કહ્યું કે અસાધારણ સમયમાં મિત્રોમાં ઘનિષ્ઠ સહયોગની જરૂર હોય છે. હાઇડ્રોક્સીક્લોરોક્વીન પર ભારત અને ભારતના લોકોનો ધન્યવાદ. આ ભૂલાશે નહીં. તેમણે આગળ કહ્યું કે આ લડાઇમાં માત્ર ભારતના લોકોની મદદ માટે જ નહીં પરંતુ માનવતાની મદદમાં શક્તિશાળી નેતૃત્વ માટે વડાપ્રધાન મોદીનો આભાર.

મેલેરિયાની દવા પર ભરોસો

આપને જણાવી દઇએ કે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલ કોરોના વાયરસનું સંક્રમણ વિશ્વના કેટલાંય દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યું છે. ઇટલી, સ્પેન જેવા વિકસિત દેશોના સુપર પાવર દેશો એ પણ આ વાયરસ આગળ ઘૂંટણીયે ટેકવી દીધા છે. ખુદ અમેરિકાની નજરો હવે મદદની આશમાં ભારત પર ટકેલી છે. ટ્રમ્પના મતે કોરોનાથી સારવારમાં પણ હાઇડ્રોક્સીક્લોરોક્વાઇન દવાના સારા પરિણામ સામે આવ્યા છે.

કોરોના કાળમાં વધી માંગ

ભારતમાં દર વર્ષ મોટી સંખ્યામાં લોકો મેલેરિયાની ઝપટમાં આવે છે આથી ભારતીય દવા કંપનીઓ મોટાપાયે હાઇડ્રોક્સીક્લોરોક્વાઇનનું ઉત્પાદન કરે છે. હવે આ દવા કોરોના વાયરસથી લડવામાં કારગર સિદ્ધ થઇ રહી છે, ત્યારે તેની માંગ વધુ વધી ગઇ છે. જો કે કાચામાલની અછતના લીધે આ દવાના ઉત્પાદન પર તેની અસર થઇ છે. વૈશ્વિક લોકડાઉનના લીધે ભારતીય દવા બનાવતી કંપનીઓએ સરકાર પાસે આ દવા માટે કાચા માલને એરલિફ્ટ કરાવાની માંગણી કરી છે.