ભગવાન ઇચ્છતા નથી કે તેમના ભકતો બીમાર પડે, કોરોના સંકટમાં રથયાત્રાને પરવાનગી આપી ના શકાય: HC

ભગવાન ઇચ્છતા નથી કે તેમના ભકતો બીમાર પડે, કોરોના સંકટમાં રથયાત્રાને પરવાનગી આપી ના શકાય: HC

। અમદાવાદ ।

છેલ્લી ઘડીએ રથયાત્રા યોજવાની વિનંતી સાથે અરજી કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે સોમવાર-મંગળવારની મધરાતે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી અમદાવાદ સહિત રાજ્યભરમાં રથયાત્રા ન યોજવાના પોતાના અગાઉના નિર્ણયમાં કોઈ જ ફેરફાર ન કરવાની જાહેરાત કરી હતી. સાથે જ કોરોનાના આટલા સંકટકાળમાં રથયાત્રાને પરવાનગી આપી ન શકાય તેમ કહેતા કોર્ટે ખાસ નોંધ્યું હતું કે, ભગવાન ઈચ્છતો નથી કે તેનો ભક્ત બીમાર પડે. લોકોના જીવને જોખમમાં મૂકીને રથયાત્રા યોજી ન શકાય. રથયાત્રાની મંજુરી માગતી તમામ અરજીઓ પર સોમવારે મોડી રાત્રે બે વાગ્યા સુધી સુનાવણીના અંતે તમામ અરજીઓ હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

રાજ્ય સરકારે પણ સોમવારે મોડી રાત્રે એવી અરજી કરી હતી કે, સુપ્રીમ કોર્ટે પણ જગન્નાથ પુરીની યાત્રા કેટલીક શરતો સાથે યોજવાની મંજૂરી આપી હોવાથી હાઈકોર્ટે ૨૦મી જૂનના પોતાના હુકમમાં ફેરબદલ કરી અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવી જોઈએ. સાથે સરકારે કરફ્યુ, માત્ર રથ જ નીકળે, ટ્રેક્ટર મારફતે રથ નીકળે, સવારે ૧૧ વાગ્યા સુધીમાં નિજ મંદિર પાછા ફરશે વગેરે જેવી ૧૧ બાંહેધરી આપીને રથયાત્રા યોજવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. જો કે, હાઈકોર્ટે તેમની આ વિનંતી આકરી ટીકા સાથે ફગાવી માત્ર મંદિર પરિસરમાં જ રથ કાઢવાની છૂટ આપી હતી.

સુપ્રીમે પુરીની રથયાત્રાની મંજૂરી આપી, અમદાવાદમાં પણ આપો : સરકાર 

રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જે અરજી કરી છે તેમાં એવી દલીલ કરી છે કે, અગાઉ જ્યારે હાઈકોર્ટે ૨૦મી જૂને રથયાત્રા યોજવા પર નિષેધ ફરમાવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે ઓરિસ્સામાં પુરીની જગન્નાથ યાત્રા પર મનાઈ ફરમાવી તેનો આધાર લીધો હતો. પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટે પોતાનો એ હુકમ સુધારી શરતો સાથે પુરીની રથયાત્રા યોજવા મંજૂરી આપી છે. તો હવે ગુજરાત હાઈકોર્ટે પણ શરતો સાથે અમદાવાદમાં રથયાત્રાને મંજૂરી આપવી જોઈએ. શહેરમાં સંક્રમણ ન ફેલાય અને છતાં વર્ષોથી ચાલતી પરંપરા પણ ન તૂટે તે રીતે રથયાત્રા યોજવા સરકારે કેટલીક બિનશરતી બાંહેધરી પણ આપી હતી. જે અંગે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી.

અમદાવાદ અને પુરીની સ્થિતિ સાવ જુદી છે : હાઈકોર્ટ

અમદાવાદ : હાઇકોર્ટે જે કેટલાંક સોસરવા અવલોકનો કર્યાં તે નીચે મુજબ છેઃ

  1. પુરી અને અમદાવાદની સ્થિતિ સાવ જુદી છે.
  2. અમદાવાદમાં સોમવારે જ અત્યાર સુધીના હાઈએસ્ટ કેસ નોંધાયા છે
  3. આખું શહેર હોટસ્પોટ છે, રથયાત્રાના રૂટમાં જ કન્ટેનમેન્ટ ઝોન્સ છે
  4. ભગવાન ઈચ્છતા નથી કે ભક્તો બીમાર પડે, અમે ભક્તોને મરવા દઈ ન શકીએ
  5. તમે કરફ્યૂ નાંખવાની વાત કરો છો, પણ ભક્તો વિના યાત્રાનો શું અર્થ, માત્ર તમારો અહમ્ સંતોષવો છે
  6. તમે જે બાંહેધરીઓ આપી છે તે તદ્દન નકામી છે, એ સ્વીકારી ન શકાય.
  7. સરકાર અહીં વિનંતી કરે છે પણ મંદિરના મહંતે તો હજુ સુધી અમારી પાસે મંજૂરી માગી નથી
  8. કોરોનાના સંકટકાળમાં રથયાત્રાને પરવાનગી યોગ્ય જણાતી નથી.
  9. સરકારે વલણ કેમ બદલવું પડયું
  10. સરકાર ઈચ્છે તેવું ચલાવી ના લેવાય
  11. રથ મંદિરમાં જ ફરે તે જ બરાબર રહેશે
  12. શ્રદ્ધા એ અંતરાત્માના સંતોષ માટે છે
  13. લોકો રથના દર્શન કરે તે બરાબર રહેશે
  14. રથયાત્રા માટે કરફ્યૂ અમલમાં મૂકવાની જરૂર શું છે
  15. ધાર્મિક લાગણીની સામે લોકોના જીવની સરકાર ચિંતા કરે
  16. કરફ્યૂના નામ પર મહામારીમાં લોકોને હેરાન ન કરાય
  17. રથ મંદિરની બહાર નહીં નીકળે