બોલતી વખતે મોંથી ઉડતા લાળના નરી આંખે ન દેખાતા ટીપાંથી પણ કોરોના ફેલાઈ શકે : અભ્યાસ

બોલતી વખતે મોંથી ઉડતા લાળના નરી આંખે ન દેખાતા ટીપાંથી પણ કોરોના ફેલાઈ શકે : અભ્યાસ

કોરોનાથી સંક્રમિત દર્દી જ્યારે વાતચીત કરે કે બોલે ત્યારે તેના માંમાંથી ઉડતાં સામાન્ય રીતે નહીં દેખાતા લાળના અતિસૂક્ષ્મ ટીપાંથી ફેલાતા કોરોના વાઇરસને રોકવા માટે માસ્ક કે મોં પર ઢાંકેલું કપડું પણ અસરકારક હોવાનું એક અભ્યાસમાં જણાયું હતું. આ પહેલાં એમ મનાતું હતું કે ફેફસાંને ગ્રસી જતા કોવિડ ૧૯ બીમારી ફેલાવતા સાર્સ કોવ ૨ નામનો વાઇરસ ઉધરસ કે છીંક ખાતી વેળાએ પ્રસરે એવી તકો વધુ રહેલી છે. પરંતુ અમેરિકાના મેરિલેન્ડ ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થે એવો દાવો કર્યો છે કે કોરોના વાઇરસ નરી આંખે નહીં દેખાતા બોલતી વખતે મોંમાંથી નીકળતા સૂક્ષ્મ ટીપાંથી પણ ફેલાઇ શકે છે. બોલતી વખતે દર મિનિટે મોંમાંથી હજારો સૂક્ષ્મ ટીપાં બહાર ફેંકાતાં હોય છે, તે પણ કોરોનાવાઇરસનો ફેલાવો કરે છે.

કઈ રીતે થયો અભ્યાસ ?

વિજ્ઞાનીઓએ ધૂળરહિત રૂમમાં રહેતી વ્યક્તિ ઉપર અલ્ટ્રા સેન્સિટિવ લેસરનો ઉપયોગ કરી બોલતી વખતે આ સૂક્ષ્મ ટીપાં કઇ રીતે પેદા થાય છે, તેનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં પહેલાં વ્યક્તિને મોં ઉપર કશું જ ઢાંક્યા વિના રાખવામાં આવી હતી, એ વખતે તેના મોંમાંથી કઇ રીતે સૂક્ષ્મ ટીપાં નીકળે છે, તેનો અભ્યાસ થયો હતો. તેની સરખામણી મોં ઉપર ઘરે બનાવેલા માસ્ક પહેરાવીને મેળવેલી માહિતી સાથે થઇ હતી.

૧૬.૬ મિલિસેકન્ડમાં માંમાંથી ૩૬૦ સૂક્ષ્મ ટીપાં બહાર ફેંકાય

અલ્ટ્રા સેન્સિટિવ લેસરે પુરવાર કર્યું હતું કે માસ્ક વિના વાત કરો ત્યારે હજારો સૂક્ષ્મ ટીપાં નીકળે છે અને ૧૬.૬ મિલિસેકન્ડમાં માંમાંથી બહાર ફેંકાતા ૩૬૦ સૂક્ષ્મ ટીપાંનો ફેટો લીધો હતો. જ્યારે માસ્ક પહેર્યું હોય ત્યારે એ સંખ્યા ઝીરો ઉપર પહોંચી જાય છે. આ અભ્યાસનું સંશોધન પત્ર ઓનલાઇન પ્રકાશિત થયું છે.

કોરોનાનાં લક્ષણ દેખાવા માંડે ત્યારે પહેલા અઠવાડિયે લાળમાં વાઇરસનો જથ્થો ઘણો મોટો

ગયા મહિને લાન્સેટમાં પ્રકાશિત રિસર્ચ પેપરમાં જણાયું હતું કે સાર્સ કોવ ૨ વાઇરસ મોટા જથ્થામાં લાળમાં રહેલા હોય છે. હવે એ પણ જણાયું છે કે લક્ષણ દેખાવા માંડે તેના પહેલા અઠવાડિયામાં લાળમાં સૌથી વધુ વાઇરસ જોવા મળે છે. જેમ જેમ દિવસો વીતતા જાય એમ તેનો જથ્થો લાળમાં ઘટતો જાય છે. વાત કરતી વખતે માંમાંથી નીકળતાં ટીપાં અતિસૂક્ષ્મ ખરાં, પણ અનેક રોગોના વાહકને બીજા સુધી પહોંચાડનારા કફ બહાર કાઢો કે છીંકો ત્યારે જે ટીપાં મોંમાંથી નીકળે છે, તેના કરતાં વાત કરતી વખતે ઘણા સૂક્ષ્મ ટીપાં મોંમાંથી બહાર ફેંકાતા હોય છે. જો કે એ ટીપાં એટલા મોટા હોય છે કે તે શ્વસનતંત્રના જીવાણુ એટલે કે વાઇરસ, ઇન્ફ્લૂએન્ઝાના વાઇરસ અને ક્ષયના માકોબેક્ટેરિયમને સાથે ફેલાવી શકે છે.

કપડાંથી મોં ઢાંકવું એ સોશિયલ ડિસ્ટન્સિંગનો પર્યાય નથી !

બીજી વ્યક્તિ સાથે ૬ ફીટનું અંતર રાખો અને ખાસ યાદ રાખો કે કપડાંથી મોં ઢાંકવું એ સોશિયલ ડિસ્ટન્સિંગનો પર્યાય નથી જ. ચહેરા પર માસ્ક પહેર્યો હોય કે કપડું બાંધ્યું હોય તેનો અર્થ એવો નથી કે કોઇની પણ સાથે નજીક ઊભા રહીને વાત કરી શકાય.

માસ્ક પહેરવા અંગે ઝ્રડ્ઢઝ્રનો નવીનતમ દિશાનિર્દેશ…

  • જો બીમાર ન હોય તો તે પણ કોવિડ ૧૯નો ફેલાવો કરી શકે છે.
  • ઘરની બહાર નીકળો એટલે તમામ વ્યક્તિએ માસ્ક કે મોં ઉપર કપડું રાખવું જ જોઇએ.
  • બે વર્ષથી ઓછી વયના બાળકોના મોં ઉપર આવું કપડું ન બાંધવું. શ્વાસ લેવામાં તકલીફ પડે તો માસ્ક કાઢી નાખવો જોઇએ.
  • સંક્રમિત વ્યક્તિ ચહેરાને ઢાંકે તો તે બીજા લોકોની સુરક્ષા કરે છે.