બોગસ બિલિંગ કૌભાંડ:GSTની ચોરી કરનારા રાજ્યના 2200 વેપારી સામે ITની તપાસ, દેશના 7200 વેપારીની યાદી તૈયાર કરાઈ

બોગસ બિલિંગ કૌભાંડ:GSTની ચોરી કરનારા રાજ્યના 2200 વેપારી સામે ITની તપાસ, દેશના 7200 વેપારીની યાદી તૈયાર કરાઈ

કરચોરોને કુલ વેચાણની રકમ કરતાં ચાર ગણી પેનલ્ટી લાગી શકે છે

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ દેશભરમાં બોગસ પેઢીઓ રચીને બોગસ બિલોથી કરોડોના કૌભાંડ બહાર આવી રહ્યા છે. જીએસટીએ આવા કૌભાંડી કરદાતાની યાદી બહાર પાડી હતી. આ યાદી પરથી ઇન્કટેક્સ ડિપાર્ટમેન્ટ તેમણે કરેલા કૌભાંડમાં ઇન્કમટેક્સની ચોરીની તપાસ કરશે. આમ હવે ઇન્કમટેક્સ દેશના 7200 અને રાજ્યના 2200 જીએસટી કરદાતાની તપાસ કરશે. તાજેતરમાં જીએસટીની ચોરી કરનારા 7200 કરદાતાની યાદી બહાર પડાઈ હતી. તેમણે બોગસ બિલો, ઇ-વે બિલો બનાવી જીએસટીની ચોરી કરી હતી. જેના કારણે મોટા હવાલાના પૈસા એક વેપારીથી બીજા વેપારીઓ સુધી પહોંચ્યા હતા. આ કરચોરોને પકડવા આવા 7 હજાર કરદાતાની સામે ઇન્કમટેક્સની તપાસ શરૂ કરવામાં આવી છે.

ફાઇનાન્સ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, અમે પ્રામાણિક કરદાતાનો આદર કરીએ છીએ, પણ જે લોકોએ સિસ્ટમ સાથે ચેડાં કરી કૌભાંડ કર્યું છે તેવાં લોકોને છોડીશું નહીં. જે લોકો સિસ્ટમ સાથે ગેમ રમી રહ્યાં છે તે લોકો છટકી શકશે નહીં. તાજેતરમાં ઇ-કોમર્સ કંપનીએ પણ મેને પાવર એજન્સી પાસેથી ખોટા બિલો લઇ ખર્ચ બતાવ્યો હતો. જે જીએસટીની ટીમે ઝડપી પાડ્યું હતું. આમ આવા લોકોને ઝડપી પાડવા માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કમર કસી રહ્યું છે. ઇન્કમટેક્સ કાયદા પ્રમાણે વેચાણ રકમ કરતા વધારે પેનલ્ટીની જોગવાઇ રહી છે. આમ જીએસટી કૌભાંડ કરનાર લોકોના ડેટા લઇને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તપાસ કરશે અને હવાલા દ્વારા ઈન્કમટેક્સની કરવામાં આવેલી ચોરી પકડશે.