બેન્ક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીમાં 4 લાખ ચોરસ ફૂટ જગ્યા લીઝ પર રાખી

બેન્ક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીમાં 4 લાખ ચોરસ ફૂટ જગ્યા લીઝ પર રાખી

અગાઉ એક લાખ ચોરસ ફુટ જગ્યા બુક કરાઈ હતી
અમેરિકન મલ્ટીનેશનલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક અને ફાઈનાન્શિયલ સર્વિસિસ ગ્રુપે અગાઉ એક લાખ ચોરસ ફુટ જગ્યા બુક કરાવી હતી. જોકે ત્યારબાદ તેમાં વધુ ત્રણ લાખ ચોરસ ફુટનો ઉમેરો કરવાનો નિર્ણય કર્યો છે. આ જગ્યા 24 માળની બિલ્ડિંગમાં 14થી વધુ માળમાં ફેલાયેલી છે. જેમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી અને સિક્વલ લોજીસ્ટિક્સ અન્ય મહત્વપૂર્ણ ટેનન્ટ્સ છે.

બેન્કે સૌથી ઝડપી અને મોટા વિસ્તરણનો નિર્ણય લીધો
બેન્ક ઓફ અમેરિકાએ પેટા કંપની બીએ કોન્ટિનુમ ઈન્ડિયાએ 15 વર્ષ મટે લીઝ પર જગ્યા લીધી છે, જેના કરારમાં દર ત્રણ વર્ષ ભાડામાં સુધારો કરવાની કલમ સામેલ છે. આ અંગે સૂત્રોએ માહિત આપતા જણાવ્યું હતું કે SEZ સત્તામંડળ દ્વારા સોદાને મંજૂરી અપાઇ છે અને ગત સપ્તાહે તેના ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બિલ્ડિંગમાં અગાઉ બેન્કે આશરે એક લાખ ચોરસ ફુટ સાથે સોદો પૂર્ણ કર્યો છે. આ મહામારીમાં બેન્ક દ્વારા સૌથી ઝડપી અને મોટા વિસ્તરણનો નિર્ણય છે.

મોટાભાગના કર્મચારીઓની પસંદગી નવેસરથી કરાશે
બેન્કના ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ સેન્ટરે મહામારીના ફેલાવા પહેલા બિલ્ડિંગમાં થોડી જગ્યા લીઝ પર લીધી હતી. આ કુલ જગ્યામાં 3000થી વધુ કર્મચારીઓ તેની વૈશ્વિક પેટા કંપનીઓને સર્વિસ આપે તેવી શકયતા છે. આ પૈકીના મોટાભાગના કર્મચારીઓની પસંદગી નવેસરથી કરાશે. બીએ કોન્ટિનુમ ઈન્ડિયાના લગભગ 1200 કર્મચારીઓ આ બિલ્ડિંગમાં કામ કરશે તેવી અપેક્ષા હતી. જોકે બેન્ક ઓફ અમેરિકાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. સેવી ગ્રુપના ચેરમેન જક્ષય શાહે પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

વર્ષ 2004માં શરૂ થયેલા બીએ કોન્ટિનુમ ઈન્ડિયા હાલમાં મુંબઈ, હૈદારાબાદ, ચેન્નાઈ અને ગુરગ્રામ એમ ચાર શહેરોમાંથી કામગીરી કરે છે અને તેના 20,000થી વધુ કર્મચારીઓ છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે આવેલું ગીફટ સિટી ભારતમાં પ્રથમ ઓપરેશનલ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસિસ સેન્ટર(IFSC) છે.