બિલ ગેટ્સના હાથે મોદીને મળ્યો ગ્લોબલ ગોલકીપર્સ ઍવૉર્ડ, PMએ આમને કરી દીધો સમર્પિત

બિલ ગેટ્સના હાથે મોદીને મળ્યો ગ્લોબલ ગોલકીપર્સ ઍવૉર્ડ, PMએ આમને કરી દીધો સમર્પિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં સ્વચ્છતા અભિયાનના સફળ સંચાલન માટે બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનનો પ્રતિષ્ઠિત ગ્લોબલ ગોલકીપર્સ ઍવૉર્ડ મળ્યો. ફાઉન્ડેશનના કો-ચેરમેન બિલ ગેટ્સે પીએમ મોદીને આ સમ્માન આપ્યું. આ અવસર પર પીએમે કહ્યું કે તેઓ આ સમ્માન એ ભારતીયોને સમર્પિત કરે છે જેમણે સ્વચ્છ ભારત મિશનને એક જનઆંદોલનમાં બદલ્યું, જેમણે સ્વચ્છતાને પોતાની દૈનિક જિંદગીમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની શરૂઆત કરી.

દુનિયાને પોતાનો અનુભવ વહેંચવા માટે તૈયાર: મોદી

પીએમે કહ્યું કે તાજેતરમાં કોઇ દેશમાં આવું અભિયાન સાંભળ્યું અને જોવા મળ્યું નથી. આ મિશનને જો સૌથી વધુ લાભ કોઇને પહોંચાડ્યો હોય તો તે દેશના ગરીબને અને દેશની મહિલાઓને. પીએમે આ અવસર પર કહ્યું કે ભારત સ્વચ્છતાને લઇ પોતાના અનુભવ અને પોતાની વિશેષજ્ઞતાને દુનિયાના બીજા દેશોની સાથે શેર કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે દુનિયા માટે ભારતના આ યોગદાનથી મને એટલા માટે પણ ખુશી થાય છે કારણ કે અમે વિશ્વને પોતાનો પરિવાર માન્યો છે. હજારો વર્ષોથી અમે આ જોયું છે કે ઉદાર ચરિતનામ તુ વસુધૈવ કુટુમ્બકમ. એટલે કે મોટી વિચારસરણીવાળાઓ માટે, મોટા દિલવાળાઓ માટે આખી ધરતી જ એક પરિવાર છે.

સ્વાસ્થ્ય સંબંધિત અન્ય બાબતોનો ઉલ્લેખ

પીએમે કહ્યું કે ભારત સ્વચ્છતાને લઇ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની નજીક છે, પરંતુ ભારત બીજા મોટા મિશન પર પણ તેજીથી કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા ફિટનેસ અને પ્રિવેંટિવ હેલ્થકેયરને પ્રોત્સાહિત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. પીએમે કહ્યું કે જળ જીવન મિશનની અંતર્ગત અમારું ફોકસ જળ સંરક્ષણ અને રીસાઇકલિંગ પર છે જેથી કરીને દરેક ભારતીયોને પર્યાપ્ત અને ચોખ્ખું પાણી મળતું રહે.

બાકી મિશન પણ સફળ થશે: મોદી

મોદીએ કહ્યું કે ભારતે 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિનું અભિયાન પણ ચલાવ્યું છે. તેમણે કહ્યું કે આજે જ્યારે હું પરસ્પર વાત કરી રહ્યો છું ત્યારે પણ ભારતના અનેક ભાગોમાં પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું છે. પીએમે કહ્યું કે આવા અનેક જનઆંદોલન આજે ભારતમાં ચાલી રહ્યા છે. મને 1.3 અબજ ભારતીયોના સામર્થ્ય પર પૂરો વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે સ્વચ્છ ભારત અભિયાનની જેમ જ બાકીના મિશન પણ સફળ થશે.

‘સ્વચ્છ ભારત અભિયાનના લીધે 3 લાખ જિંદગીઓને બચાવાની સંભાવના’

વડાપ્રધાને શૌચાલય ના હોવાથી મહિલાઓ અને બાળકીઓના જીવનમાં આવનાર સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અનેક બાળકીઓને પોતાના સ્કૂલનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડતો હતો. પીએમે કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો રિપોર્ટ છે કે સ્વચ્છ ભારતના લીધે 3 લાખ જિંદગીઓ બચ્યાની સંભાવના બની છે. તેમણે કહ્યું મને કહ્યું છે કે બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના એક રિપોર્ટમાં પણ આવ્યું છે કે ભારતમાં ગ્રામીણ સ્વચ્છતા વધતા બાળકોમાં હૃદયથી સંબંધિત બીમારીઓ ઘટી છે અને મહિલાઓના બૉડી માસ ઇન્ડેક્સમાં પણ સુધારો આવ્યો છે.

મહાત્મા ગાંધી અને સ્વચ્છતા

વડાપ્રધાને આ અવસર પર સ્વચ્છતાના પ્રત્યે મહાત્મા ગાંધીના આગ્રહનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આજે મને એ વાતની પણ ખુશી છેકે મહાત્મા ગાંધીએ સ્વચ્છતાનું જે સપનું જોયું હતું તે હવે સાકાર થવા જઇ રહ્યું છે. ગાંધીજી કહેતા હતા કે એક આદર્શ ગામ ત્યારે બની શકે છે જ્યારે તે સંપૂર્ણપણે સ્વચ્છ હોય. આજે અમે ગામ જ નહીં આખા દેશને સ્વચ્છતાના મામલામાં આદર્શ બનાવાની તરફ આગળ વધી રહ્યા છીએ.