બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની ન હતી, નીચે ઈસ્લામિક માળખું ન હતું – સુપ્રીમ કોર્ટ

બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની ન હતી, નીચે ઈસ્લામિક માળખું ન હતું – સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું- મસ્જિદના કેન્દ્રીય ગુંબજની નીચે મૂર્તિ રાખવી એક ખોટું અને અપવિત્ર કામ હતું.હિન્દુઓનું માનવું છે કે શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો, આ બાબતે કોઈ જ વિવાદ નથી, હિન્દુ વિવાદિત ઢાંચાની બહારના ભાગમાં પૂજા કરતા હતા, તેના સ્પષ્ટ પૂરાવા

નવી દિલ્હી: ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની 5 ન્યાયધિશની ખંડપિઠે આજે અયોધ્યા કેસમાં અંતિમ ચુકાદો આપ્યો છે. ખંડપિઠે કહ્યું હતું કે બાબરી મસ્જિદ ખાલી જગ્યા પર ન હતી બની. તેના ઢાંચાની નીચે કોઈ જ ઈસ્લામી માળખું ન હતું. કોર્ટે શરૂઆતમાં જ શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડાની અરજીને નકારી દીધી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મુસલમાનોને મસ્જિદ માટે અન્યત્ર જગ્યા આપવામાં આવશે. આ ચુકાદો તમામ ન્યાયમૂર્તિની સહમતીથી લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ કહ્યું હતું કે પુરાત્વ વિભાગે મંદિર હોવાના પૂરાવા રજૂ કર્યા છે. ચુકાદા અંગે હિન્દુ અયોધ્યાને રામ જન્મસ્થળ માને છે અને રંજન ગોગોઈએ કહ્યું હતું કે કોર્ટ માટે થિઓલોજીમાં જવું યોગ્ય નથી. પરંતુ પુરાતત્વ વિભાગ એ જણાવી શક્યું નથી કે મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી.

પાંચ ન્યાયધિશની ખંડપિઠે એકમતે ચુકાદો આપ્યો

1. અયોધ્યાની 2.77 એકરમાં ફેલાયેલ સમગ્ર વિવાદાસ્પદ જગ્યા રામ મંદિરના નિર્માણ માટે આપવામાં આવવી જોઈએ.

 2. કેન્દ્ર સરકાર મંદિર નિર્માણ માટે ત્રણ મહિનામાં યોજના તૈયાર કરે. નિર્માણ માટે એક બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની રચના કરવામાં આવે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

3. વર્ષ 1992માં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી તે કાયદાનું ઉલ્લંઘન હતું. સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે 5 એકર વૈકલ્પિક જમીન આપવામાં આવે.

4. વર્ષ 1949માં મસ્જિદના કેન્દ્રીય ગુંબજની નીચે મૂર્તિઓ રાખવામાં આવી તે એક ખોટું અને અપવિત્ર કાર્ય હતું.

5. બાબરી મસ્જિદ ખાલી જગ્યા પર બનાવવામાં આવી ન હતી. ભારતીય પુરાતત્વના સર્વેક્ષણ પ્રમાણ તોડવામાં આવેલ ઢાંચાની નીચે કોઈ જ ઈસ્લામીક માળખું ન હતું. પરંતુ ASI એ હકીકત સાબિત કરી શક્યું નથી કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.

6. હિન્દુઓનું માનવું છે કે શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો હતો, આ મુદ્દે કોઈ જ વિવાદ નથી. હિન્દુ-મુસ્લિમોની આસ્થા તથા વિશ્વાસ છે, પરંતુ માલિકી હકને ધર્મ, આસ્થાના આધાર પર સ્થાપિત કરી શકાય નહીં.

7. રેકોર્ડમાં રહેલા પૂરાવા દર્શાવે છે કે વિવાદિત જમીનના બહારનો ભાગ હિન્દુઓનો હતો. વર્ષ 1934માં થયેલા કોમી તોફાનો એ બાબતને દર્શાવે છે કે ત્યારબાદ અંદરના ભાગને લઈ ગંભીર તકરારનો મુદ્દો બન્યો હતો.

8. આ સાથે સ્પષ્ટ પુરાવા છે કે હિન્દુઓ વિવાદિત ઢાંચાની બહાર પૂજા કરતા હતા. મુસ્લિમ પક્ષ એ સ્થાપિત કરી શક્યું નથી કે તે અંદરના આંગણામાં તેમની પાસે કબજા હક રહેલો છે. એ બાબતની પૂરાવા છે કે હિન્દુ વિવાદાસ્પદ સ્થળના પ્રંગણમાં 1857 થી જ ત્યાં જતા હતા.

9. અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદાસ્પદ ઢાંચાને ત્રણ હિસ્સામાં વહેચી દરેક પક્ષને એક-તૃત્યાંશ હિસ્સો આપવાનો ચુકાદો ખોટો હતો. અહીં વહેચણીનો કોઈ કેસ નથી.

10. શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદાસ્પદ ઢાંચા અંગે હતો. તેને નકારવામાં આવ્યો છે. નિર્મોહી અખાડેએ જન્મભૂમિના સંચાલનને લઈ જે દાવો કર્યો હતો તેને પણ સંપૂર્ણપણે નકારી દેવામાં આવે છે.