બર્થ ટૂરિઝમ : ગર્ભવતી મહિલાઓ પર વિઝા નિયંત્રણો લાદવા અમેરિકાનો નિર્ણય

બર્થ ટૂરિઝમ : ગર્ભવતી મહિલાઓ પર વિઝા નિયંત્રણો લાદવા અમેરિકાનો નિર્ણય

। વોશિંગ્ટન ।

અમેરિકા બર્થ ટૂરિઝમ પર લગામ કસવા માટે ગર્ભવતી મહિલાઓ પર વિઝા નિયંત્રણો લાદશે. અમેરિકા પહોંચી બાળકને જન્મ આપી તેના માટે અમેરિકન પાસપોર્ટ મેળવવાના ગોરખધંધા પર નિયંત્રણ લાદવા આ નિર્ણય લેવાયો છે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર અમેરિકામાં બાળકને જન્મ આપવાના ઇરાદાથી વિઝા અરજી કરનાર મહિલાઓને હવે અમેરિકામાં મેડિકલ સારવાર લેવા આવતા અન્ય વિદેશી નાગરિકોની કેટેગરીમાં જ ગણાશે. વિઝા માટે અરજકર્તાએ પુરવાર કરવું પડશે કે તે અમેરિકામાં મેડિકલ સારવાર માટે આવી રહ્યા છે અને તે માટે થનારા ખર્ચની ચુકવણીમાં સક્ષમ છે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા સ્થાનિક સમય પ્રમાણે ગુરુવારે નવા નિયમોની જાહેરાત કરાશે અને શુક્રવારથી નવા નિયમ અમલી બનશે. બાળકને જન્મ આપવા માટે અમેરિકા જવું કાયદેસર છે. જોકે અમેરિકી સત્તાવાળાઓએ વિઝા ફ્રોડના આરોપસર બર્થ ટૂરિઝમના કેટલાક ઓપરેટરની ધરકડ કરી છે.

અમેરિકાની ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશનના તમામ પ્રકાર પર નિયંત્રણો લાદી રહી છે પરંતુ અમેરિકી પ્રમુખ જન્મના આધારે અપાતી નાગરિકતાથી ઘણા વિચલિત છે. અમેરિકી બંધારણ અંતર્ગત અમેરિકાની ધરતી પર જન્મ લેનાર બાળક આપોઆપ અમેરિકી નાગરિક બની જાય છે. અમેરિકી પ્રમુખ આ પ્રથાનો અંત લાવવા માગે છે પરંતુ સરકારના અધિકારીઓ અને વિદ્વાનો માને છે કે આ એટલું સરળ નથી.

ટ્રમ્પ સરકારના નવા નિયમો પર સવાલો

  • વિઝા અધિકારી કેવી રીતે નક્કી કરશે કે અરજકર્તા મહિલા ગર્ભવતી છે કે કેમ?
  • અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ મહિલાને એક નજરે જોઇ કેવી રીતે નક્કી કરશે કે તે ગર્ભવતી છે?
  • અમેરિકાના કોન્સુલર અધિકારીઓને મહિલા ગર્ભવતી છે કે કેમ તે પૂછવાનો અધિકાર નથી.

બર્થ ટૂરિઝમ ધમધમતો બિઝનેસ, ૮૦,૦૦૦ ડોલરમાં સુવિધા આપતી કંપનીઓ

અમેરિકા અને વિદેશમાં બર્થ ટૂરિઝમ એક ધમધમતો બિઝનેસ બની રહ્યો છે. અમેરિકન કંપનીઓ તેની જાહેરાત આપે છે અને ૮૦,૦૦૦ ડોલરમાં અમેરિકાની ધરતી પર બાળકનો જન્મ પણ કરાવી આપે છે. જેમાં હોટેલના રૂમથી માંડીને મેડિકલ સારવાર સુધીના ખર્ચનો સમાવેશ થાય છે. રશિયા અને ચીનથી ઘણી મહિલાઓ બાળકને જન્મ આપવા અમેરિકા જાય છે.

૨૦૧૨માં ૩૬,૦૦૦ વિદેશી મહિલાઓએ અમેરિકામાં બાળકને જન્મ આપ્યો હતો

સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝના એક અંદાજ પ્રમાણે ૨૦૧૨માં ૩૬,૦૦૦ વિદેશી મહિલાઓએ અમેરિકાની ધરતી પર બાળકને જન્મ આપ્યો હતો. આ મુદ્દે અમેરિકા દ્વારા કોઈ નક્કર માહિતી રજૂ કરવામાં આવી નથી.