ફ્રાન્સના ખોટા વિઝાના સિક્કા મારી USના વિઝિટર વિઝા મેળવવાનું કૌભાંડ પકડાયું

ફ્રાન્સના ખોટા વિઝાના સિક્કા મારી USના વિઝિટર વિઝા મેળવવાનું કૌભાંડ પકડાયું

અમદાવાદ | ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, ઈટલીના ખોટા વિઝાના સિક્કા મારી યુએસના વિઝિટર વિઝા મેળવવાનું કૌભાંડ યુએસ એમ્બેસીના ભારતના કોન્સ્યુલેટ અધિકારીએ પકડ્યું હતું. શહેરના બં દંપતીએ બે એજન્ટની મદદથી તેમના પાસપોર્ટમાં ખોટા વિઝાના સિક્કા લગાવ્યા હતા. યુએસ એમ્બેસીના સિક્યુરિટી ઓફિસરે ક્રાઈમ બ્રાન્ચમાં બે દંપતી સહિત 6 સામે ફરિયાદ નોંધાવી છે. 

બે એજન્ટની મદદથી દંપતીએ સ્વિટઝર્લેન્ડ, ઈટલીના વિઝાના ખોટા સિક્કા પાસપોર્ટ માર્યા હતા 

ન્યુ રાણીપમાં મલય હોમ્સમાં રહેતા ભૂપેન્દ્ર પટેલે તેમની પત્ની કીર્તિબેન તથા પુત્રીના અમેરિકા જવા માટેના દસ્તાવેજો તૈયાર કર્યા હતા. જેથી તેમને મુંબઈ ખાતેની અમેરીકન કોન્સ્યુલેટમાં ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. જેમાં અમેરીકનના આસિસ્ટન્ટ રિજિયોનલ સિક્યુરિટી ઓફિસર (ઈન્વેસ્ટિગેશન) બ્રેન્ડેન કેલીએ ઈન્ટરવ્યૂ લીધો તે દરમિયાન દસ્તાવેજો ચકાસતા તેમણે ચાઈના, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન વગેરે દેશોની મુલાકાત લીધી હોવાનું જણાયુ હતુ. આ દેશોના સિક્કા અને તેની સમયમર્યાદા જોતા તેમની પૂછપરછ કરતા અરજીકર્તાઓએ સ્વીકાર્યું હતું કે, આ તમામ દસ્તાવેજો ખોટા છે જે તેમણે અમેરીકા જવા માટે પરિમલ પટેલ (ગામ ગોવિંદપુરા, તા કલોલ) પાસે તૈયાર કરાવ્યા હતા. આ અંગે બ્રેન્ડેન કેલીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ભૂપેન્દ્ર પટેલ તેમની પત્ની કીર્તિબેન તથા એજન્ટ પરિમલ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. 

આ જ પ્રમાણે રાણીપની ભકિતનગર સોસાયટીમાં રહેતા મહેશ પટેલે તેમની પત્ની અરુણાબેનના અમેરિકા જવા માટેના દસ્તાવેજો તૈયાર કર્યા હતા. જેમણે ઈન્ટરવ્યૂ દરમિયાન વિદેશમાં ફ્રાંસ, સ્વિટ્ઝર્લેન્ડ, ઈટાલી વગેરે દેશોના પ્રવાસે જઈ આવ્યાના દસ્તાવેજો રજૂ કર્યા હતા. જે ખોટા હોવાનું સ્વીકાર્યું અને તે એચ.કે. કોલેજની સામે આવેલા બિલ્ડિંગમાં યુનિવર્સલ ટ્રાવેલર્સના નામે ઓફિસ ધરાવતા એજન્ટ ધર્મેશ પટેલ પાસે બનાવડાવ્યા હોવાની કબૂલાત કરતા તેમની સામે પણ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવાઈ છે. 

ખોટા સિક્કા મરાવા 7 લાખ આપ્યા હતા 

અમેરિકન કોન્સયુલેટના અધિકારીઓએ કરેલી પૂછપરછમાં અમેરિકા જવા માટે ઈચ્છુક લોકો પાસેથી એજન્ટોએ વિદેશમાં સફર કર્યાના નકલી દસ્તાવેજો બનાવી આપવા માટે પ્રત્યેક વ્યક્તિએ રૂ. સાત લાખ રૂપિયા નકકી કર્યા હતા. જે અમેરિકાના વિઝા મળી ગયા પછી આપવાના હતા.