પ્લેન હાઇજેકિંગની ધમકી ભારે પડી : આરોપીને આજીવન કેદ, પાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો

પ્લેન હાઇજેકિંગની ધમકી ભારે પડી : આરોપીને આજીવન કેદ, પાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો

પ્લેન હાઈજેકિંગ અંગે નવા કાયદા મુજબ દેશમાં પ્રથમવાર નોંધાયેલા કેસમાં સ્પેશિયલNIAએ કોર્ટના પ્રિન્સિપાલ જજ એમ. કે. દવેએ મુંબઈના આરોપી બીરજુ સલ્લાને જીવે ત્યાં સુધી કેદની ઐતિહાસિક સજા ફટકારી છે. ઉપરાંત કોર્ટે આરોપીને પાંચ કરોડ રૂપિયાનો ધરખમ દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી જેટ એરલાઈન્સની ફ્લાઈટનું ઈમર્જન્સી લેંન્ડિગ કરનાર પાઇલટ જય જરીવાલા, કો-પાઇલટ આશુતોષને એક-એક લાખ, એરહોસ્ટેસ નિકિતા જુનેજા અને મોહિત ત્યાગીને ૫૦- ૫૦ હજાર, બાકીના દરેક ક્રૂ મેમ્બર અને પ્લેનના તમામ ૧૧૬ પ્રવાસીઓને ૨૫-૨૫ હજાર રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સલ્લા દેશનો પહેલો નાગરિક છે જેને નેશનલ નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યો છે. એન્ટિ-હાઇજેકિંગ સુધારા કાયદા હેઠળ એનઆઈએ કોર્ટ દ્વારા સજા આપવામાં આવી હોય તેવો પણ આ પહેલો કેસ છે.

કેસ શું હતો?

બોમ્બ બ્લાસ્ટની ધમકી

૩૦ ઓકટોબર ૨૦૧૭માં અમદાવાદ એરપોર્ટ પર મળસ્કે ૩.૫૫ વાગે મુંબઈથી દિલ્હી જતી જેટ એરવેઝની ફલાઈટ ૯W૩૩૯નું અમદાવાદ એરપોર્ટ પર પ્રાયોરિટી લેંન્ડિગ કરાયું હતું. ફલાઈટના ટોઈલેટમાં ટિશ્યૂ પેપરમાંથી મળેલા એક લેટરમાં ફલાઈટને POK તરફ વાળી લેવી નહીંતર દિલ્હી એરપોર્ટ પર કાર્ગોમાં મૂકેલો બોમ્બ બ્લાસ્ટ થઈ જશે, જેવી ધમકી લખી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને મુંબઈના જવેલર્સનો ધંધો કરતા બિરજુ સલ્લાની ધરપકડ કરીને NIAએ ખાસ કોર્ટમાં કેસ મૂકયો હતો.

પ્રેમિકાને પાઠ ભણાવવા ધમકીપત્ર લખેલો

આરોપી બિરજુ સલ્લા પ્રેમભગ્ન થતાં જેટ એરવેઝની દિલ્હી ઓફિસમાં પીઆરઓ તરીકે ફરજ બજાવતી પોતાની પ્રેમિકાને પાઠ ભણાવવા પ્લેન હાઈજેકિંગનું ષડ્યંત્ર રચેલું. તેણે કબૂલાત કરી હતી કે, જેટ એરવેઝની ફ્લાઈટ હાઈજેક થાય તો તેની અસર હેઠળ એરલાઈન્સ જ ઠપ થઈ જાય અને તેની પ્રેમિકાની નોકરી પણ છૂટી જાય.

પ્રવાસીઓને લાગેલા માનસિક આઘાતનું વળતર મળવું જોઈએ : કોર્ટ

પ્લેન હાઈજેકિંગના કેસમાં NIAના સ્પેશિયલ જજ એમ. કે. દવેએ ૧૨૦ પાનાના ચુકાદામાં નોંધ્યું હતું કે, ક્રૂ મેમ્બર અને પેસેન્જરોને માનસિક આઘાત લાગ્યો હતો. જે ધમકીભર્યો પત્ર હતો તે ભાષાને કારણે લોકો ગભરાઈ ગયા હતા અને વગર વાંકે લોકોનો જીવ જોખમમાં મુકાય તેવો માહોલ ઊભો થયો હતો. ત્યારે તેઓ વળતર મેળવવા માટે હક્કદાર છે.