પ્રેસિડેન્ટ ટ્રમ્પને પણ ઇન્ડિયન-અમેરિકન્સના મત જોઇએ છે.

પ્રેસિડેન્ટ ટ્રમ્પને પણ ઇન્ડિયન-અમેરિકન્સના મત જોઇએ છે.


લાઈવ વાયર  :- મયૂર પાઠક

વતન શું ચીજ છે તેની જ્યાં સુધી વતન છોડવું નથી પડતું ત્યાં સુધી ખબર પડતી નથી. ન્યૂ યોર્કના ક્વિન્સના ગ્લેન ઓક્સ વિસ્તારમાં એક હિંદુ મંદિર છે. આ મંદિરના પૂજારી સ્વામી હરીશચંદ્ર પુરી તેમનાં ભગવાં કપડાંમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે ૧૮ જુલાઇએ સવારે ૧૧ વાગ્યે તેમના પર હુમલો થયો. એક વ્યક્તિએ પાછળથી આવીને તેમને પકડી લીધા અને બેરહેમીથી તેમને મારવા લાગ્યો. મારતાંમારતાં આ વ્યક્તિ બોલતી હતી આ અમારી જગ્યા છે, તમારું અહીંયાં કામ નથી. સ્વામી હરીશચંદ્ર પુરી અત્યારે હોસ્પિટલમાં છે અને હુમલો કરનાર બાવન વર્ષના ર્સિગયો ગોવઇયાને પોલીસે પકડી લીધો છે. આ હુમલા અંગે અમેરિકામાં રહેનારા હિન્દુઓની સંસ્થા સાધનાએ ચિંતા વ્યક્ત કરી છે અને એક પોસ્ટમાં લખ્યું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પના કારણે આ પ્રકારના હુમલા થાય છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પની રેલીમાં જ્યારે કોંગ્રેસ વિમેન ઉપર નસ્લીય ટિપ્પણીઓ થાય અને આ લોકોને પાછા મોકલોના નારા લગાવાતા હોય ત્યારે લઘુમતીઓને નુકસાન થાય છે. અમે ઇચ્છીએ છીએ કે અમને ન્યાય મળે અને અમેરિકામાં ફેલાઇ રહેલી નફરત પર પ્યારની જીત થાય.

અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બેઠા છે ત્યારથી તેમણે અમેરિકા ફર્સ્ટ હેઠળ કામગીરી શરૂ કરેલી છે અને બાય અમેરિકન, હાયર અમેરિકનની નીતિનો સખ્તાઇપૂર્વક અમલ કરવાની શરૂઆત કરી છે. અમેરિકાના જમણેરીઓ (રાઇટ વિંગ)ને પ્રેસિડેન્ટ ટ્રમ્પની આ નીતિ ખૂબ પસંદ પડી છે, કારણ કે ટ્રમ્પમાં તેમને મુક્તિદાતા દેખાઇ રહ્યા છે. અમેરિકાની બહારથી આવેલા લોકો અમેરિકીઓની નોકરી ખાઇ જાય અને અમેરિકન્સ કરતાં મોટા બંગલામાં રહે અને મોંઘીદાટ ગાડીઓ ફેરવે તે વાત અમેરિકાની રાઇટ વિંગને નાપસંદ છે. રાઇટ વિંગ એ નથી જોતી કે મોટું સેલેરી પેકેજ મેળવનાર પાસે કેટલી મોટી ડિગ્રી છે. તેઓ તો માત્ર તેને બહારની વ્યક્તિ તરીકે જુએ છે. મૂળ અમેરિકનોની આ ભાવનાને હવા આપીને ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકેની ચૂંટણી જીત્યા છે અને એટલે હવે તેમણે ચૂંટણીમાં આપેલાં વચનો પૂરાં કર્યાં સિવાય છૂટકો પણ નથી. થોડા મહિના પહેલાં જ પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું હતું કે, આ કેટલી હાસ્યાસ્પદ વાત છે કે આપણો એક એવો દેશ છે કે અહીંયાં જો કોઇ વ્યક્તિ આવે છે અને જો તેનું બાળક અહીં પેદા થાય છે તો તે બાળકને અમેરિકાની તમામ સગવડોની સાથે ૮૫ વર્ષની સિટીઝનશિપ પણ મળી જાય છે. આવી વ્યવસ્થા ખતમ થવી જોઇએ. પ્રેસિડેન્ટ ટ્રમ્પ હવે અમેરિકાના સિટીઝનશિપના કાયદાઓ બદલવા પણ તત્પર થયા છે. અત્યાર સુધી અમેરિકામાં ગેરકાયદે વસેલા લોકોના અમેરિકામાં જન્મેલાં બાળકોને આસાનીથી સિટીઝનશિપ મળી જતી હતી. હવે તેના પર રોક આવી શકે તેમ છે.

જોકે ૨૦૨૦માં અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી એક એવી બાબત છે કે તે ભલભલા ખુર્રાટ પોલિટિશિયનની સાન પણ થોડા સમય માટે ઠેકાણે લાવી શકે છે. અમેરિકામાં બહારથી આવેલા લોકોનો મોટો વર્ગ છે અને આ વર્ગના વોટ પણ પોલિટિશિયનોને લેવાના હોય છે. અમેરિકામાં વસતા ૪૪ લાખ ઇન્ડિયન્સે અમેરિકામાં ધંધો-રોજગાર કરીને પોતાની માલ-મિલકતો વસાવી છે અને અમેરિકામાં પોતાની ઓળખ ઊભી કરી છે. વર્લ્ડ બેન્કે ૨૦૧૮માં બહાર પાડેલા એક રિપોર્ટ પ્રમાણે વિદેશમાંથી દેશમાં રૂપિયા મોકલવાના મામલે ભારતીયો નંબરવન છે. ૨૦૧૮માં ૮૦ અરબ ડોલર (૫ લાખ ૭૧ હજાર કરોડ રૂપિયા) વિદેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં મોકલાવ્યા હતા. ભારત પછી ચીનનો નંબર આવે છે. ત્યારબાદ મેક્સિકો, ફિલિપીન્સનો નંબર છે. આ આંકડાઓ પરથી એ પુરવાર થઇ રહ્યું છે કે વિદેશમાં ભારતીયો કમાયા છે અને ત્યાંથી ઢગલાબંધ રૂપિયા પોતાના દેશમાં મોકલી રહ્યા છે.

અમેરિકાની મોટીમોટી કંપનીઓમાં ભારતીયોનો દબદબો છે. ખાસ કરીને આઇટી કંપનીઓ ભારતીય એન્જિનિયરોના કારણે ચાલી રહી છે. અમેરિકામાં ૨૦૧૬ના સેન્સસના રિપોર્ટ મુજબ દુનિયાભરનું ટેક્નિકલ હબ મનાતી કેલિફોર્નિયાની સિલિકોન વેલીની કંપનીઓમાં ૭૦ ટકાથી વધારે કર્મચારીઓ અમેરિકાની બહારના છે અને તેમાં પણ સૌથી વધારે કર્મચારીઓ ઇન્ડિયન્સ છે. આ પરિસ્થિતિમાં માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પની બાય અમેરિકન, હાયર અમેરિકનની નીતિની સમર્થક નથી. અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓએ પ્રેસિડેન્ટને ખુલ્લો પત્ર લખ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે અમેરિકામાં દુનિયાભરમાંથી બુદ્ધિશાળી લોકો આવી રહ્યાં છે. જો સરકારની નીતિને કારણે તેમાં ઘટાડો થશે તો આફ્ટર ઓલ અમેરિકાને મોટું નુકસાન થશે. હવે જ્યારે સામે ઇલેક્શન છે ત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પને પણ આ વાત સમજમાં આવી છે અને તાજેતરમાં જ ગ્રીનકાર્ડના મુદ્દે અમેરિકાની સંસદમાં એક બિલ પાસ થયું છે જેના કારણે ભારતીયોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. અત્યાર સુધી વિઝા આધારિત ગ્રીનકાર્ડ માટે ૭ ટકાની દરેક દેશ માટે મર્યાદા અમેરિકાએ રાખી હતી. આ નવા બિલમાં ર્વાિષક ૭ ટકાની સીમા હટાવી દેવામાં આવી છે અને હવે રોજગાર આધારિત ગ્રીનકાર્ડ યોજના અમલમાં મુકાઇ છે જે અનુસાર પહેલાં આવો અને પહેલાં મેળવોની નીતિ અનુસાર ગ્રીનકાર્ડ આપવામાં આવશે.

ગ્રીનકાર્ડ હોલ્ડર અમેરિકામાં કાયમી રહી શકે છે અને તેને કામ કરવાની પરમિશન મળે છે. જે લોકો અમેરિકામાં ત્રણ વર્ષથી વધારે સમય રહ્યાં હોય તે લોકો ગ્રીનકાર્ડ માટે અરજી કરી શકે છે. અમેરિકાની સરકાર દર વર્ષે રોજગાર આધારિત ૧ લાખ ૪૦ હજાર ગ્રીનકાર્ડ આપે છે. જેના માટે દુનિયાભરમાંથી દર વર્ષે ૧૦ લાખ લોકો ગ્રીનકાર્ડ મેળવવા એપ્લિકેશન કરે છે. અમેરિકામાં અત્યાર સુધી નિયમ હતો કે દરેક દેશને ૭ ટકા પ્રમાણે ગ્રીનકાર્ડ અપાતાં હતાં. જેના કારણે સૌથી વધારે તકલીફ ભારતીયોને પડતી હતી, કારણ કે દર વર્ષે ગ્રીનકાર્ડની અરજી કરનારાઓમાં ૭૫ ટકા લોકો ભારતીયો જ હતા. હવે જ્યારે યુરોપનો આઇસલેન્ડ જેવો દેશ કે જેની વસતી માત્ર ૩ લાખ ૩૮ હજાર છે તેને પણ ૭ ટકા પ્રમાણે ગ્રીનકાર્ડ મળે અને ભારતની વસતી સવાસો કરોડ છે તો તેને પણ ૭ ટકા પ્રમાણે ગ્રીનકાર્ડ ફાળવે તો તે ભારત માટે મોટો અન્યાય હતો. જો આ જ રીતે ભારતના ટેક્નોક્રેટને ગ્રીનકાર્ડ મળે તો ભારતીય આવેદકોને ૧૫૦ વર્ષ સુધી રાહ જોવી પડે તેવો ઘાટ થાય. આ પ્રકારનો રિપોર્ટ અમેરિકન થિંકટેન્ક દ્વારા જ પ્રગટ કરાયો હતો. ૨૦૧૮ની ૨૦ એપ્રિલ સુધી ભારતમાંથી ગ્રીનકાર્ડ માટે ૬,૩૨,૨૧૯ અરજીઓ થઇ હતી. આ સંજોગોમાં હવે જ્યારે ૭ ટકાનો નિયમ ઉઠાવી લેવામાં આવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે ભારત અને ચીન જેવા દેશોનાં ગ્રીનકાર્ડની અરજી કરનારને ફાયદો થવાનો છે.

આ એક રીતે જોવા જઇએ તો પ્રેસિડેન્ટ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિથી વિરુદ્ધની આ વાત છે, પરંતુ પ્રેસિડેન્ટ ટ્રમ્પ પણ જાણે છે કે ટેક્નોક્રેટ વિના અમેરિકા ચાલવાનું નથી. અને દુનિયામાંથી સૌથી વધુ ટેક્નોક્રેટ્સ અમેરિકાને ભારત પૂરા પાડે છે અને ભારતને સાચવ્યા વિના અમેરિકાને પણ અત્યારે તો ચાલે એવું નથી.