પ્રવાસી શ્રમિકે વિકલાંગ સંતાનની સાથે ઘરે જવા સાઈકલની ચોરી કરી, ચિઠ્ઠી લખીને માલિકની માફી માગતો ગયો

પ્રવાસી શ્રમિકે વિકલાંગ સંતાનની સાથે ઘરે જવા સાઈકલની ચોરી કરી, ચિઠ્ઠી લખીને માલિકની માફી માગતો ગયો

  • મોહમ્મદ ઇકબાલને ભરતપુરથી 254 કિમી દૂર બરેલી જવું હતું
  • ભરતપુરમાં રહેતા સાહબ સિંહના ઘરે વરંડામાંથી આ ચિઠ્ઠી મળી

ભરતપુર. લોકડાઉનમાં હાલ દેશના પ્રવાસી શ્રમિકોના દિલ પીગળી જાય તેવા ફોટોઝ અને વીડિયો સામે આવી રહ્યા છે. આકરા તડકામાં પણ તેઓ  વતન જવા માટે હજારો કિલોમીટર સુધી પગપાળા ચાલી રહ્યા છે. હાલમાં એક શ્રમિકે હિન્દી ભાષામાં લખેલી માફી માગતી ચિઠ્ઠી સામે આવી છે. પ્રવાસી શ્રમિક મોહમ્મદ ઇકબાલને તેના તેમના વિકલાંગ દીકરા સાથે ઘરે જવું હતું, પણ તેની પાસે કોઈ વાહન નહોતું. આથી તેણે રાજસ્થાનના ભરતપુર જીલ્લાથી ઉત્તર પ્રદેશના બરેલી શહેર સુધી પહોચવા માટે સાહબ સિંહના ઘરેથી સાઈકલની ચોરી કરી. આ ચોરી બદલ તેણે ઘરના વરંડામાં ચિઠ્ઠી મૂકીને માફી પણ માગી.

મોહમ્મદ ઇકબાલે લખ્યું, ‘નમસ્તે જી , મેં આપકી સાઇકિલ લે કર જા રહા હૂં. હો સકે તો મુઝે માફ કર દેના જી. ક્યોંકિ મેરે પાસ કોઈ સાધન નહિ હૈ. મેરા એક બચ્ચા હૈ, ઉસકે લિયે મુઝે એસા કરના પડા હૈ, ચલ નહિ શકતા. હમે બરેલી તક જાના હૈ-આપકા કસૂરવાર, એક યાત્રી, એક મજદૂર, મોહમ્મદ ઇકબાલ. ’

આ પત્રમાં માત્ર મોહમ્મદની જ નહિ પણ દેશના દરેક શ્રમિકની પીડા જણાઈ રહી છે જે લોકો ઘરે જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મોહમ્મદે તેના દીકરા માટે સાઈકલની ચોરી કરી અને પોતાની ભૂલની માફી પણ માગી. ભરતપુરથી બરેલી વચ્ચે 254 કિલોમીટરનું અંતર આ બાપ-દીકરો હાલ આવા આકરા તડકામાં સાઈકલ પર કાપી રહ્યા છે.