‘પોલીસ પકડે તો BJP પેજ પ્રમુખનું કાર્ડ બતાવજો, ના સાંભળે તો મને ફોન કરજો’

‘પોલીસ પકડે તો BJP પેજ પ્રમુખનું કાર્ડ બતાવજો, ના સાંભળે તો મને ફોન કરજો’

। સુરત ।

સત્તાના નશામાં બેફામ બનેલા ભાજપના નેતાઓ-ધારાસભ્યોની એક પછી એક વિચિત્ર હરકતો સામે આવી રહી છે, ભાજપમાં જોડાઈ જાવ તો તેમને કાયદાની ઐસીતૈસી કરવાની જાણે છૂટ મળી ગઈ હોય તેવું ચિત્ર ઊભું કરાઈ રહ્યું છે. સુરતના ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેરસભામાં ભાજપના કાર્યકરો સમક્ષ એવો બફાટ કર્યો છે કે, પેજ કમિટીના કાર્ડ આપીને ભાજપે મતદારોને એક ઓળખ આપી છે, એ કાર્ડ તમે કશે પણ બતાવી શકો છો અને કહી શકો છો કે હું ભાજપનો સદસ્ય છું. ભારતીય જનતા પાર્ટીના પેજનો પ્રમુખ છું. કોઈ પોલીસ પકડેને તો કહેજો ભાજપના પેજનો પ્રમુખ છું અને નહિ સાંભળે તો મને ફોન કરજો. આમ પણ રોજ ફોન કરો જ છો. ત્રણ દિવસ પહેલા લિંબાયત વિધાનસભામાં ભાજપના પેજ પ્રમુખના કાર્ડ વિતરણ સમારોહમાં સંગીતા પાટિલે જણાવ્યું હતું કે પેજ કમિટિ બનાવનાર દરેક કાર્યકરને કાર્ડ આપવામાં આવ્યું છે. આ કાર્ડ તમે કશે પણ બતાવી શકો છો. પોલીસ પકડે તો કહેજો હું ભાજપની પેજ કમિટિનો પ્રમુખ છું. આ કહ્યા પછી પોલીસ નહી સાંભળે તો મને ફોન કરજો. કોરોના કાળમાં સામાન્ય લોકો લગ્નમાં ૧૦૦થી વધુ મહેમાનોને બોલાવી શકતાં નથી, જોકે ભાજપને કોઈ કાયદો નડતો નથી, આ સભામાં લોકોની મોટી ભીડ ભેગી કરવામાં આવી હતી, સોશિયલ ડિસ્ટન્સની લીરા ઉડયા હતા, તેમ છતાં તંત્રે પગલાં ભરવાની હિંમત કરી નહોતી.