પોલીસે મેમો પકડાવ્યો તો મહિલાએ કહ્યું – ઠીક ઠીક ભાવ લગાવો, કાયમ અહીંથી મેમો ફડાવીએ છીએ

પોલીસે મેમો પકડાવ્યો તો મહિલાએ કહ્યું – ઠીક ઠીક ભાવ લગાવો, કાયમ અહીંથી મેમો ફડાવીએ છીએ

ટ્રાફિક નિયમોના ભંગ બદલ જંગી દંડની ઉઘરાણી રાજ્ય સરકારે સોમવારથી શરૃ કરાવી દીધી છે ત્યારે લોકો સોશિયલ મીડિયા ઉપર સરકારની મજાક ઉડાવી રહ્યા છે અને તેની સાથે સાથે પોતાનો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ભૂલો ભલે બીજું બધું, આરસી બુક, લાઇસન્સ, વીમા પોલિસી, હેલ્મેટ ભૂલશો નહીં, અગણિત છે દંડ એના, એને વિસરશો નહીં.

– ટ્રાફિક પોલીસે એક અમદાવાદી મહિલાને મેમો પકડાવ્યો, અમદાવાદી મહિલા- ભાઈ ઠીક ઠીક ભાવ લગાવો, અમે કાયમ અહીંથી જ મેમો ફડાવીએ છીએ.

– એક વાત ના સમજાઈ, કેન્દ્ર સરકાર જ્યારે જ્યારે કોઈ યોજના જાહેર કરે કે બીજી કોઈ મોટી જાહેરાત કરે છે ત્યારે ફટાકડા ફોડી ઉજવણી કરે છે, આ વખતે ભાજપના મિત્રો આરટીઓનો નવો કાયદો લાગુ કરતી વખતે ફટાકડા ફોડવાનું ભૂલી ગયા કે શું?

ગામમાં ખેડૂત પિતાના ખાતામાં નાંખેલા છ હજાર હવે સિટીમાં દીકરા જોડે વસૂલ કરશે. મારા હારા ફરી છેતરી ગયા.

– મુરતિયો જોવા જનારા હવે આવું પૂછશે, છોકરાને હેલ્મેટ પહેરવાની આદત છે ને? પછી બધું કમાઈને મેમોમાં ના આપી દે, અમારી દીકરી ભૂખે મરે.

– એક તો તૂટેલો રોડ ને ઉપરથી પીયુસી પૂછે છે, હાડકાંની જવાબદારી નહીં ને હવાની બીક ભરે છે.

– જૂનામાં હેલિકોપ્ટર ધ્યાનમાં હોય તો કેજો એકાદુ લેવું છે, આ ખાડામાં બાઈક હાંકી હાંકીને થાકી ગ્યા ને ચલણ ભરવા કરતા સસ્તુ પડે. વિકાસ હવે ઊડવા માગે છે.

– આ આપણી સલામત સવારી, એસટી અમારી કાળો ભમરા જેવો ધુમાડો ઓકે છે તો એને પીયુસી જેવું કંઈ લાગુ પડે કે નહીં.

– નોટબંધીમાં બેન્ક કર્મચારીઓ સાથે તકરાર કરી હવે પોલીસ વાળા જોડે તકરાર જોવા મળશે, બસ મશગૂલ રહો.

– ફરજિયાત હેલ્મેટ પહેરાવ્યા પછી ય જો અકસ્માતોમાં મરવાનું બંધ નહીં થાય તો બખ્તર પહેરાવવામાં આવશે, બાકી મરવા દેવામાં નહીં આવે. તમે મરી જાવ તો આવક બંધ થઈ જાય. લિ. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ.