પૈસા માટે હવે ATMમાં નહીં જવું પડે, નજીકની કરિયાણાની દુકાનમાંથી જ મળી જશે રોકડ

પૈસા માટે હવે ATMમાં નહીં જવું પડે, નજીકની કરિયાણાની દુકાનમાંથી જ મળી જશે રોકડ

નવી દિલ્હી :

દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા રિઝર્વ બેન્કે રચેલી સમિતિએ નાના શહેરો અને ઉપનગરીય વિસ્તારોમાં દુકાનદારો દ્વારા રોકડ રકમની આપ – લેની ભલામણ કરી છે. સમિતિનું માનવું છે કે એટીએમનો ખર્ચ વધુ પડતો હોવાને કારણે ઘણી બેન્કો તેને બંધ કરી રહી છે. આ સ્થિતિમાં કરિયાણાની દુકાન અથવા તો અન્ય નાની દુકાન દ્વારા બેન્કો રોકડ રકમનો પુરવઠો પહોંચતો કરી શકે છે. તદુપરાંત વેપારીઓ લોકોને ડિજિટલ પેમેન્ટ માટે પણ પ્રોત્સાહિત કરી શકશે.

નંદન નીલકેણીના અધ્ચક્ષસ્થાને રચાયેલી આ સમિતિના રિપોર્ટ અનુસાર નવી વ્યવસ્થાને કેશ ઇન, કેશ આઉટ (સીઆઈસીઓ) તરીકે ઓળખવામાં આવશે. લોકો તેમની નજીકના રિટેલર પાસેથી ડિજિટલ મનીને રોકડ રકમમાં ફેરવી શકશે.  કોટક બેન્કના એક અધિકારીએ જણાવ્યું હતું કે સીઆઈસીઓ મોડલ કેશ આઉટ માટે ત્રણ કરોડ પીઓએસ મશીનના રિટેલ પોઇન્ટની આવશ્યક્તા રહેશે. આ કામગીરીમાં કરિયાણાના વેપારીની ભૂમિકા મુખ્ય રહેશે.  સમિતિની ભલામણ અનુસાર બેન્કો ડેબિટ અને ક્રેડિટકાર્ડ માટે પીઓએસ મશીન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને છેલ્લાં એક વર્ષમાં ૬.૪ લાખ મશીન બેન્કોએ વિતરીત કર્યા હતા.

અર્થાત હવે નાના નાના વેપારીઓ પણ આવા મશીન રાખવા લાગ્યા છે. આ મશીન દ્વારા લોકો પોતાના કાર્ડ સ્વેપ કરીને પૈસા પણ ઉપાડી શકશે. તદુપરાંત ક્યૂઆર કોડ અને આધારકાર્ડ દ્વારા પણ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.  વેપારીઓ પાસે રોજેરોજ રોકડ રકમ જમા થાય છે અને બેન્કમાં રોજ રકમ જમા કરાવવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓ લોકોને જ રોકડ રકમ ઉપલબ્ધ કરાવી આપશે તો તેઓ પણ બેન્કોના ચક્કર કાપવામાંથી બચી જશે.  આ સમગ્ર પ્રક્રિયામાં દુકાનથી બેન્ક અને ફરી બેન્કથી એટીએમ સુધી રોકડ રકમ લઈ જવાના ખર્ચની પણ બચત થશે.

દુકાનો ગ્રાહક સેવા કેન્દ્ર બની જશે

રિપોર્ટમાં જણાવાયું છે કે નવી વ્યવસ્થાથી એટીએમનો મૂળભૂત સ્રોત તરીકે ઉપયોગ થશે. અર્થાત વેપારી રોકડ રકમ જમા કરવા અને લોકોની આવશ્યક્તા અનુસાર રોકડ રકમ ઉપાડવામાં એટીએમનો ઉપયોગ કરી શકશે. આમ, આ દુકાનો એક રીતે ગ્રાહક સેવા કેન્દ્ર બની જશે. કમિટી દ્વારા વેપારીઓને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ અથવા તો કામકાજ માટે રકમ ચૂકવવા બેન્કોને ભલામણ કરવામાં આવી છે.