પેટ્રોલની કિંમત 100 (સેન્ચુરી) મારવાની તૈયારીમાં, જાણો 29 રૂપિયાનું પેટ્રોલ કેવી રીતે મળે છે 84માં

પેટ્રોલની કિંમત 100 (સેન્ચુરી) મારવાની તૈયારીમાં, જાણો 29 રૂપિયાનું પેટ્રોલ કેવી રીતે મળે છે 84માં

પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 86 રૂપિયા લિટર થઈ ગયો છે. કેટલાક શહેરમાં તો 90ને પાર થઈ ગયો છે અને એવુ લાગી રહ્યુ છે કે જલ્દીથી સેન્ચુરી મારી દેશે. લગભગ 29 રૂપિયાનુ પડતર પેટ્રોલ આટલુ મોંઘુ વેચાઈ રહ્યુ છે તો તેની પાછળનું કારણ એ છે કે લોકો 53 રૂપિયા તો ટેક્સના આપે છે. હવે એવી આશા છે કે નાણામંત્રી બજેટમાં કઈક નવી જાહેરતા કરશે જેનાથી લોકોને રાહત મળશે.

તેલનાં ભાવ દેશમાં નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. લોકડાઉનમાં તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ સરકારે ટેક્સ વધારીને પોતાના રાજસ્વને વધરાવાનો નિર્ણય કર્યો. કાચા તેલની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતી, તેનો ફાયદો પણ તેલ કંપીનીઓને મળ્યો. પેટ્રોલિયમ ઉપર સૌથી વધુ ટેક્સ લગાવવાના મામલે ભારત દુનિયાના ટોપ-5 દેશોમાં છે.

પેટ્રોલ-ડીજલ ઉપર એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં આ નાણાકીય વર્ષમાં સારો વધારો થયો છે. એપ્રિલથી નવેમ્બર 2020 સુધી સરકારની એક્સાઈઝ ડ્યૂટી કલેક્શન વધીને 1,96,342 કરોડ સુધી પહોંચી ગઈ.જ્યારે તેના એક વર્ષ પહેલાના સમયગાળામાં આ 1,32,899 રુપિયા જ હતો. તમને જણાવી દઈએ કે આ આઠ મહિના દરમિયાન 1 કરોડ ટન ઓછુ ડીઝલનું વેચાણ થયું હતુ. આ દરમિયાન માત્ર 4.49 કરોડ ટન ડીઝલનુ વેચાણ થયું, સરકારે લોકડાઉન દરમિયાન જ પેટ્રોલ ઉપર એક્સાઈઝ ડ્યૂટીમાં 13 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલમાં 16 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો હતો.

નોંધનિય છેકે વધતા તેલના ભાવના કારણે ટ્રાન્સપોર્ટ સેક્ટરને વધુ નુકશાન થઈ રહ્યુ છે. કોરોનાને કારણે તેમનો બિજનેસ પહેલેથી જ ઠપ હતો અને હવે તેલના ભાવમાં વધારાથી પડતા પર પાટુ જેવો ઘાટ થયો છે. પેટ્રોલ- ડીઝલને લઈને એક મોટી માગ એ છે કે તેમને જીએસટીની અંદર લાવવામાં આવે. જો આમ થાય તો તેના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે. તેનુ કારણ એ છે કે જીએસટીનો સૌથી વધુ રેટ 28ટકા છે.

આજે જોઈએ તો 29 રુપિયાના ભાવના હિસાબથી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 40 રૂપિયા લીટર થઈ શકે છે. પંરતુ સંકટના આ સમયે સરકાર પાસે રાજસ્વના સ્ત્રોત ઓછા છે, પેટ્રોલિયમ સેક્ટર દૂધાળું ગાય બની રહ્યુ છે. અત્યારે પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી અને રાજ્ય સરકાર વેટ લગાવે છે. કેટલીક જગ્યાએ ટ્રાન્સપોર્ટ અને લોકલ બોડી ટેક્સના કારણે તેલની કિંમત વધારે વધી જાય છે. જો કે જીએસટીમાં સમાવેશ થતા તેના પર ફક્ત એક જ ટેક્સ લાગશે.

ઉદાહરણ માટે જોઈએ તો 16 જાન્યુઆરીએ દિલ્હીમાં ડિલર માટે પેટ્રોલની બેસ પ્રાઈઝ 28.50 પ્રતિ લીટર હતી(ભાડું વગેરેને મેળવીને). તેના ઉપર એક્સાઈઝ ડ્યૂટી હતી 32.98 રુપિયા અને વેટ 19.55 રૂપિયા, ડીલરનું કમિશન 3.67 રૂપિયા લીટર અને કુલ છૂટક કિંમત હતી 84.60 રૂપિયા લીટર.

આ રીતે 84.60 રૂપિયા લીટર પેટ્રોલમાં કુલ 52.53 રૂપિયા ટેક્સના એટલે કે 62 ટકા ભાગ ટેક્સનો જ હતો. બેસ પ્રાઈઝ પર આ ટેક્સ 184 ટકા પહોંચી જાય છે. જો હવે તે જીએસટીની અંદર આવી જાય તો અને તેના પર 28 ટકા જીએસટી લગાવવામાં આવે તો તે 8 રુપિયા થશે અને તેમા ડીલરનું કમિશન જોડાવામાં આવે તો લગભગ 40 રૂપિયા પ્રતિ લીટર થાય.