પૃથ્વી પર વસતા દરેક માનવીના માથે ૩૨,૫૦૦ અમેરિકન ડોલરનું દેવું !

પૃથ્વી પર વસતા દરેક માનવીના માથે ૩૨,૫૦૦ અમેરિકન ડોલરનું દેવું !

। લંડન ।

ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ (IIF) એ શુક્રવારે આપેલા એક અંદાજ પ્રમાણે ૨૦૧૯ના અંત સુધીમાં વૈશ્વિક દેવું ૨૫૫ ટ્રિલિયન અમેરિકન ડોલરને પાર કરી જશે. તેનો અર્થ એ થયો કે પૃથ્વી પર વસતા દરેક માનવીના માથે ૩૨,૫૦૦ અમેરિકન ડોલરનું દેવું હશે. આ રકમ વિશ્વના વાર્ષિક ઉત્પાદન કરતાં ત્રણ ગણી છે. ૨૦૧૯ના પ્રથમ ૬ મહિનામાં વૈશ્વિક દેવામાં ૭.૫ ટ્રિલિયન અમેરિકન ડોલરનો વધારો થઇ ચૂક્યો છે.

વર્ષાંત સુધીમાં વૈશ્વિક દેવું ૨૫૫ ટ્રિલિયન ડોલરને પાર જતું રહેશે

કુલ વૈશ્વિક દેવાના કુલ વધારામાં ૬૦ ટકા દેવું અમેરિકા અને ચીન દ્વારા કરાયું છે. સરકારી દેવું ૭૦ ટ્રિલિયન ડોલરની નવી સપાટી પર પહોંચ્યું છે. આઇઆઇએફના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેવું વધવાની ગતિ થોડી મંદ પડવાના સંકેતો મળી રહ્યાં છે પરંતુ અમારા અંદાજ પ્રમાણે વર્ષાંત સુધીમાં વૈશ્વિક દેવું ૨૫૫ ટ્રિલિયન ડોલરને પાર જતું રહેશે. સમગ્ર વિશ્વમાં વધી રહેલું દેવું રોકાણકારો માટે ચિંતાજનક છે. વિશ્વની સરકારોનું દેવું ૨૦૧૮માં ૬૫.૭ ટ્રિલિયન અમેરિકન ડોલર હતું જે ૨૦૧૯માં વધીને ૭૦ ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. અમેરિકાની સરકારનું દેવું સૌથી વધારે છે.

લેહમેન બ્રધર્સ પડી ભાંગ્યા પછી સરકારો દ્વારા ૩૦ ટ્રિલિયન ડોલરનું દેવું ઊભું કરાયું

મેરિલ લિન્ચે તેનાં અલગ એનાલિસિસમાં કહ્યું હતું કે, અમેરિકાની રોકાણકાર બેન્ક લેહમેન બ્રધર્સ પડી ભાંગ્યા પછી વિશ્વની સરકારો દ્વારા ૩૦ ટ્રિલિયન ડોલરનું દેવું ઊભું કરવામાં આવ્યું હતું. જ્યારે કંપનીઓએ ૨૫ ટ્રિલિયન ડોલર, ઘરેલું દેવું ૯ ટ્રિલિયન ડોલર અને બેન્કોએ ૨ ટ્રિલિયન ડોલરની રકમ દેવાં સ્વરૂપે ઊભી કરી હતી. એક અંદાજ મુજબ ફાઈનાન્શિયલ સેક્ટર સિવાય અન્ય સેક્ટર દ્વારા વિશ્વનાં કુલ સ્વદેશી ઉત્પાદનનાં ૨૪૦ ટકા રકમ દેવા તરીકે મેળવવામાં આવી હતી જે ૧૯૦ ટ્રિલિયન ડોલર થવા જાય છે.