પુત્રીઓને પણ પૈતૃક સંપત્તિ અને વારસામાં સરખા ભાગનો અધિકાર : સુપ્રીમ કોર્ટ

પુત્રીઓને પણ પૈતૃક સંપત્તિ અને વારસામાં સરખા ભાગનો અધિકાર : સુપ્રીમ કોર્ટ

। નવી દિલ્હી ।

સુપ્રીમ કોર્ટે મહિલાઓના અધિકાર બાબતે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. પૈતૃક સંપત્તિ અંગેના એક કેસ સંદર્ભે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, દીકરીઓને પણ પૈતૃક સંપત્તિમાં સમાન હક મળવો જોઈએ. તેમાં જરાય ઉપર નીચે ન થવું જોઈએ. જન્મની સાથે જ દીકરીનો પણ પિતાની સંપત્તિમાં સમાન હક થઈ જાય છે. તેને સમાન ભાગ મળવો જ જોઈએ. સુપ્રીમની ત્રણ જજની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પિતાનું મૃત્યુ ૯ સપ્ટેમ્બર ૨૦૦૫ પહેલાં થયું હોય તેમ છતાં દીકરીને માતા-પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મળશે. હિંદુ ઉત્તરાધિકારી કાયદામાં ૨૦૦૫માં થયેલા સુધારા છતાં દીકરીઓને આ અધિકાર આપવામાં આવે છે.

દીકરીનાં સંતાનો પણ હકદાવો કરી શકે છે  

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પૈતૃક સંપત્તિમાં દીકરીઓને તેમના ભાઈઓ કરતા જરાય ઓછો અધિકાર નથી. તેમને સમાન અધિકાર અને ભાગ મળે છે. સૂત્રોના મતે કોર્ટે સૌથી મોટી ટિપ્પણી એવી પણ કરી હતી કે, કોઈ કિસ્સામાં દીકરીનું મોત ૯ સપ્ટેમ્બર ૨૦૦૫ પહેલાં થયું હોય તેમ છતાં તેના માતા-પિતાની સંપત્તિમાં તેનો અધિકાર રહે છે. મૃતક દીકરીનાં સંતાનો જો પોતાના નાના-નાનીની સંપત્તિમાં અધિકાર માગે તો તેમનો પણ હકદાવો રહે છે. આ કેસમાં પણ દીકરી અને તેના સંતાનો ભાગના અધિકારી ગણાય છે. તેઓ પોતાની મૃતક માતાના અધિકાર હેઠળ ભાગ માગી શકે છે.

દીકરી આજીવન ભાગીદાર રહે છે, ભલે પિતા હયાત ન હોય  

સુપ્રીમે જણાવ્યું કે, ૯ સપ્ટેમ્બર ૨૦૦૫માં હિંદુ ઉત્તરાધિકાર (સુધારા) કાયદો ૨૦૦૫ લાગુ થયો હતો. તેનો અર્થ એ હતો કે જે પિતાનું મૃત્યુ ૯ સપ્ટેમ્બર ૨૦૦૫ પહેલાં થયું હોય તો તેમની દીકરીઓને પૈતૃક સંપત્તિમાં કોઈ ભાગ મળતો નથી અને તેમનો કોઈ અધિકાર રહેતો નથી. જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાની હેઠળની ખંડપીઠે આ સુધારા નિયમ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું કે, ‘દીકરીઓને દીકરાઓની જેમ જ સંપત્તિમાં પૂરો અધિકાર આપવો જોઈએ. દીકરાઓ તો લગ્ન થાય ત્યાં સુધી જ દીકરા હોય છે. દીકરીઓ તો આજીવન પિતાના જીવનની ભાગીદાર હોય છે. તે કાયમી પિતાના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભલે તેના પિતા જીવતા હોય કે ન હોય. આ સંજોગોમાં દીકરીઓને પણ પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મળવો જોઈએ.’

પહેલાં શું નિયમ હતો?  

જે યુવતી કે મહિલાના પિતા ૯ સપ્ટેમ્બર ૨૦૦૫ પહેલાં જીવિત હોય અને પછી મૃત્યુ પામ્યા હોય તેવી તમામ મહિલાઓ પોતાના પિતાની સંપત્તિમાં અધિકાર માગી શકે તેમ હતી. જો આ તારીખ પહેલાં પિતાનું મૃત્યુ થયું હોય તો દીકરીને કોઈ અધિકાર આપવામાં આવતો નથી. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આ જ સુધારા બિલ અંગે ચુકાદો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું કે, દીકરીને પતિની સંપત્તિમાં સમાન અધિકાર મળશે. પિતાનાં મૃત્યુની તારીખને દીકરીના અધિકાર સાથે કોઈ લેવાદેવા નથી. ૯ સપ્ટેમ્બર ૨૦૦૫ પહેલાં પિતાનું મૃત્યુ થયું હશે તેમ છતાં દીકરીઓને અધિકાર મળશે. તેમનો કોપાર્સનર થવાનો અધિકાર છીનવાશે નહીં.

હિંદુ સંયુક્ત પરિવાર અને કોપાર્સનર  

હિંદુ સંયુક્ત પરિવારમાં સમાન ઉત્તરાધિકાર અથવા તો કોપાર્સનર તેને જ કહેવાય છે જેમની પહેલાંની ચાર પેઢીઓ અવિભાજિત સંપત્તિ ઉપર અધિકાર ધરાવતી હોય. ૨૦૦૫ પહેલાં હિંદુ ઉત્તરાધિકારી કાયદામાં દીકરીઓને સંયુક્ત કુટુંબની માત્ર સભ્ય માનવામાં આવતી હતી. તેને કોપોર્સનર એટલે કે સમાન અધિકાર ધરાવનાર વારસ ગણવામાં આવતી નહોતી. બીજી તરફ લગ્ન થયા પછી પણ દીકરીને હિંદુ સંયુક્ત કુટુંબના નિયમોને આધીન વારસ ગણવામાં આવતી નહોતી. ૨૦૦૫માં કાયદામાં થયેલા સુધારા બાદ તેને કોપાર્સનર ગણવામાં આવતી હતી. તેનો અર્થ એ હતો કે, લગ્ન પછી પણ દીકરીનો તેના પિતાની સંપત્તિ ઉપર સમાન અધિકાર છે.

બે કેટેગરીમાં સંપત્તિ વહેંચવામાં આવી છે  

હિંદુ ઉત્તરાધિકારી (સુધારા) કાયદા ૨૦૦૫માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, દીકરી હોય કે દીકરો તેના જન્મને અને વારસાઈને કોઈ લેવાદેવા નથી. બંનેને સમાન અધિકાર અને ભાગ આપવામાં આવ્યા છે. પિતા દ્વારા વારસાઈમાં મેળવાયેલી સંપત્તિ હોય કે તેમની સ્વઅર્જિત સંપત્તિ હોય તેમના દીકરા અને દીકરીને તેમાં સમાન ભાગ મળે છે. હિંદુ કાયદામાં સંપત્તિને બે ભાગમાં વહેંચવામાં આવી છે, પૈતૃક અને સ્વઅર્જિત. પૈતૃક સંપત્તિમાં ચાર પેઢી પહેલાં સુધી પુરુષોની એવી સંપત્તિનો સમાવેશ કરવામાં આવે છે જેની ક્યારેય વહેંચણી ના કરવામાં આવી હોય. આવી સંપત્તિઓ ઉપર સંતાનોનો પછી તે દીકરી હોય કે દીકરો તેનો સમાન અધિકાર રહે છે. ૨૦૦૫ પહેલાં માત્ર દીકરીઓનો જ તેના ઉપર અધિકાર હતો પણ હવે દીકરીઓને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. જન્મ સાથે જ દીકરીનો તેના પિતાની સંપત્તિ ઉપર અધિકાર થઈ જાય છે.

સ્વઅર્જિત સંપત્તિમાં દાવો કરી શકાય નહીં  

જાણકારોના મતે પૈતૃક સંપત્તિમાં દીકરી હોય કે દીકરો તેને સીધો વારસો મળી શકે છે પણ સ્વઅર્જિત સંપત્તિમાં એવું નથી. પિતા પોતાના પૈસાથી વસાવેલી સંપત્તિ મામલે નિર્ણય લેવા સ્વતંત્ર છે. તે પોતાના દીકરા અથવા દીકરી કે પછી તમામને સમાન અધિકારી બનાવી શકે છે. તે વારસાઈમાં નક્કી કરે તે પ્રમાણે ભાગ આપી શકે છે. તેમાં દીકરી દાવો કરી શકે નહીં. મહત્ત્વની વાત એ છે કે, આ સંપત્તિમાં પુરુષ પોતાનાં સંતાનોને કોપાર્સન બનાવી શકે છે પણ ધારે તો પત્ની અથવા તો પુત્રવધૂને વારસદાર ન ગણાવી શકે. તેઓ માત્ર પરિવારના સભ્યો બની શકે પણ વારસદાર નહીં. આ સંજોગોમાં દીકરીને તેનો ભાગ ન આપે તો દીકરી તે માટે દાવો કરી શકે નહીં.

વિલ ન બનાવ્યું હોય અને પિતાનું મોત થાય તો?  

જો કોઈ વ્યક્તિ વારસાઈ બનાવ્યા વગર મૃત્યુ પામે તો મિલકત કે સંપત્તિની વહેંચણી કેવી રીતે કરવી? આ અંગે જાણકારો જણાવે છે કે, આવી સંપત્તિમાં તમામ વારસદારોનો સમાન ભાગ હોય છે. તેના સીધી લીટીના જેટલા પણ વારસદારો હોય પછી ભલે તે પુત્ર હોય કે પુત્રી અને તેમનાં પણ સંતાનોને વારસ ગણવામાં આવે છે. આ તમામ લોકોનો તેમાં સમાન ભાગ રહે છે. તમામ વચ્ચે સંપત્તિના સમાન વહેંચણી કરવી પડે છે. આવા કેસમાં દીકરી પરિણીત હોય તેમ છતાં તેને વારસ ગણવામાં આવે છે. ૨૦૦૫ પહેલાં પરિણીત દીકરીઓનો વારસ ગણાતી નહોતી પણ કાયદામાં થયેલા સુધારા બાદ તેને વારસ ગણાય છે.