પુણેની બુલેટ થાળી : 60 મિનિટમાં આ થાળી પૂરી કરનારને ઈનામમાં મળે છે 1.6 લાખની રોયલ એનફિલ્ડ બુલેટ

પુણેની બુલેટ થાળી : 60 મિનિટમાં આ થાળી પૂરી કરનારને ઈનામમાં મળે છે 1.6 લાખની રોયલ એનફિલ્ડ બુલેટ

કોરોના લોકડાઉનનેે કારણે ઘણીબધી હોટલ-રેસ્ટોરાંની ચમક ફિક્કી પડી ગઈ છે. મોટા ભાગના લોકો ઓનલાઈન ઓર્ડર કરીને જ જમવાનું મગાવી રહ્યા છે. ગ્રાહકોને ફરી આકર્ષવા માટે પુણેની એક રેસ્ટોરાંએ એક અનોખો પ્રયોગ કર્યો છે. રેસ્ટોરાંમાં એક સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અહીંની જંબો થાળી 60 મિનિટમાં પૂરી કરી દેશે તેને રૂ. 1.6 લાખની એક રોયલ એનફિલ્ડ બાઈક ઈનામમાં આપવામાં આવશે.

હોટલના આંગણામાં 5 બાઈક પહેલેથી જ રાખવામાં આવી છે.

આ સ્પર્ધાને શરૂ કરનાર શિવરાજ હોટલના માલિક અતુલ વાઈકરે ભાસ્કર ગ્રુપ સાથે વાત કરતાં જણાવ્યું છે કે ગ્રાહકો ઓછા આવતા હોવાથી હોટલનું મેઈન્ટેનન્સ અને કર્મચારીઓનો પગાર કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. આ દરમિયાન અમને આ આઈડિયા આવ્યો. જે પણ વ્યક્તિ થાળીમાં પીરસવામાં આવેલી દરેક વાનગી એકલા જ પૂરી કરશે તો તેને ઈનામમાં રોયલ એનફિલ્ડ બાઈક ગિફ્ટ આપવામાં આવશે. આ થાળી પૂરી કરવા માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે.

60 લોકોએ ટ્રાય કર્યો, એકને સફળતા મળી
અતુલ વાઈકરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર જ્યારે આ બુલેટ થાળીની ખૂબ ચર્ચા થઈ તો મહારાષ્ટ્રનાં અન્ય શહેરોમાંથી લોકો અહીં આવી રહ્યા છે. 20 દિવસ પહેલાં શરૂ થયેલી આ સ્પર્ધામાં અંદાજે 60 લોકોએ ભાગ લીધો છે, પરંતુ અત્યારસુધી તેમાં એક વ્યક્તિને જ સફળતા મળી છે. આ થાળીને ખમત કરનાર સોલાપુરના સોમનાથ પવારને અમે બુલેટ ગિફ્ટ કરી છે.

એક થાળીની કિંમત અઢી હજાર રૂપિયા
અતુલે આગળ જણાવ્યું છે કે એક સ્પર્ધાના કારણે હવે રેસ્ટોરાંમાં ભીડ થવા લાગી છે. એક થાળીની કિંમત અઢી હજાર રૂપિયા રાખવામાં આવી છે. સામાન્ય રીતે ચાર લોકો એને સરળતાથી જમી શકે છે. ખાવાનું વેસ્ટ જવાના સવાલ વિશે અતુલે કહ્યું છે કે આ થાળીને ખાવાનો જે પણ વ્યક્તિ પ્રયત્ન કરે છે તે આ થાળી પૂરી નથી કરી શકતા તો અમે બાકીનું ખાવાનું તેમને પેક કરીને આપી દઈએ છીએ.

એક થાળીમાં 12 વાનગી, જેનું વજન 4 કિલો
શિવરાજ હોટલમાં લોકોને સ્પર્ધા વિશેની જાણ કરવા માટે એના આંગણામાં 5 નવી રોયલ એનફિલ્ડ બાઈક પણ મૂકવામાં આવી છે. એ સાથે જ મેનુ કાર્ડ અને પોસ્ટરમાં પણ આ વિશે જણાવવામાં આવ્યું છે. આ બુલેટ થાળીમાં લોકોને નોન-વેજ આઈટમ આપવામાં આવે છે. થાળીમાં કુલ 12 વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનું વજન 4 કિલો જેટલું છે. આ થાળી તૈયાર કરવામાં 55 લોકો મહેનત કરે છે. તેમાં ફ્રાઈ સુરાઈ, ફ્રાઈ ફિશ, ચિકન તંદુરી, ડ્રાઈ મટન, ચિકન મસાલા અને પ્રોન બિરયાની સામેલ છે.

શિવરાજ હોટલ આ પહેલાં પણ આવી ઘણી સ્પર્ધા લોન્ચ કરી ચૂકી છે.

પહેલાં પણ આ હોટલે ઓફરો આપી છે
આ હોટલ 8 વર્ષ પહેલાં ખૂલી છે. આ હોટલમાં પહેલાં પણ આ પ્રકારની આકર્ષક ઓફરો આપવામાં આવી હતી. આ પહેલાં એક રાવણથાળી પણ લોન્ચ કરવામાં આવી હતી. એમાં 8 કિલો વ્યંજનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એને 60 મિનિટમાં પૂરી કરનારને રૂ. 5000ની કેશ ઈનામ આપવામાં આવતી હતી.

( Source – Divyabhaskar )