પાક.માં દુષ્કર્મીને હવે રાસાયણિક પદ્ધતિથી નપુંસક બનાવી દેવાશે,  કેબિનેટની મંજૂરી

પાક.માં દુષ્કર્મીને હવે રાસાયણિક પદ્ધતિથી નપુંસક બનાવી દેવાશે, કેબિનેટની મંજૂરી

। ઇસ્લામાબાદ ।

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દુષ્કર્મના દોષિતોને રાસાયણિક પદ્ધતિથી નપુંસક બનાવવાની અને જાતીય દુરાચારના કેસની ન્યાયિક પ્રક્રિયા અગ્રિમતાને ધોરણે હાથ ધરવાના કાયદાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. એક ખાનગી ચેનલે આપેલા અહેવાલ મુજબ કેબિનેટની બેઠકમાં દુષ્કર્મ નિવારણ કાયદાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

કાયદાનો મુસદ્દો પોલીસ વ્યવસ્થામાં મહિલાઓની ભૂમિકા વધારવા, દુષ્કર્મના કેસમાં ઝડપી સુનાવણી અને સાક્ષીઓની સુરક્ષાની જોગવાઇનો પણ સમાવેશ થાય છે. ઇમરાન ખાને જણાવ્યું કે નાગરિકો માટે આપણે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે દુષ્કર્મ પીડિતા ડર્યા વિના ફરિયાદ દાખલ કરી શકે છે, સરકાર તેમની ઓળખ જાહેર નહીં કરે. ઇમરાને જણાવ્યું કે કાયદો પારદર્શક હશે અને કડકપણે તેનો અમલ થશે. દુષ્કર્મી ભવિષ્યમાં કોઇ જાતીય અપરાધ ના કરે તે હેતુસર તેને ફરજિયાત નપુંસક બનાવવામાં આવશે.

મુસદ્દો ટૂંકસમયમાં સંસદમાં રજૂ થશે : સત્તાધારી પક્ષ

સત્તાધારી પક્ષ તહરિક-એ-ઇન્સાફના સાંસદ ફૈઝલ જાવેદ ખાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સંસદમાં ટૂંકસમયમાં કાયદો બહાલી માટે રજૂ કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં કાયદા મંત્રાલયે કાયદાનો મુસદ્દો રજૂ કર્યો હતો. મળતા અહેવાલ મુજબ કેટલાક કેબિનેટ પ્રધાનોએ દુષ્કર્મના દોષિતોને જાહેરમાં ફાંસીની જોગવાઇ કરવા ભલામણ કરી હતી.