પાકિસ્તાન જેવા પાડોશી કોઈને ના મળે: રાજનાથ સિંહ

પાકિસ્તાન જેવા પાડોશી કોઈને ના મળે: રાજનાથ સિંહ

નવી દિલ્હી, તા. 8 ઓગસ્ટ 2019, ગુરૂવાર

કલમ 370 નાબૂદ થયા બાદ મૂંઝાયેલા પાકિસ્તાન પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે શાબ્દિક પ્રહાર કર્યા. સિંહે નિખાલસતાથી કહ્યું કે સૌથી મોટી આશંકા આપણને આપણા પાડોશી અંગે રહે છે. એટલું જ નહીં રાજનાથે કહ્યું કે, ભગવાન કોઈને આવા (પાકિસ્તાન) પાડોશી ના આપે. 

ઉલ્લેખનીય છે કે, મૂંઝાયેલા પાકિસ્તાને બુધવારે ભારત સાથેના રાજકીય સંબધો તો ઓછા કરી નાખ્યા ઉપરાંત દ્વિપક્ષીય વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો અને સાથે જ કલમ 370 હટાવવાના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સૌથી મોટી આશંકા તો આપણને આપણા પાડોશી અંગે રહેતી હોય છે. સમસ્યા એ છે કે, તમે તમારા મિત્ર બદલી શકો છો પરંતુ પાડોશીની પસંદગી તમારા હાથમાં નથી હોતી અને જેવો પાડોશી આપણી પાસે છે, ભગવાન એવો પાડોશી કોઈને ના આપે.

ભારતે આપ્યો યોગ્ય જવાબ 

પાકિસ્તાને મૂંઝવણમાં આવીને ભારત સાથેના વ્યાપારિક અને રાજકીય સંબંધોને લઇને જે જાહેરાત કરી, ભારતે તેનો યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનની ઈમરાન સરકારના એક તરફી નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાકિસ્તાન યોગ્ય પુરાવા વિના બૂમો મારી મારીને કહી રહ્યું છે જેથી કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન આકર્ષિત કરી શકે.

ભારતનો પાક. પર આરોપ

પાકિસ્તાને બુધવારે ભારત સાથેના રાજકીય સંબંધો ઓછા કરવા, દ્વિપક્ષીય વ્યાપાર બંધ કરવા સાથે કલમ 370નો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે કહ્યું કે, કલમ 370 હટવાથી જમ્મુ-કાશ્મીરની જનતાનો અસંતોષ દૂર થઇ શકે છે. પાકિસ્તાન આ જ કારણે બૂમો મારી રહ્યું છે કારણ કે, તે સરહદ પારથી અહીંયા આતંકવાદને ફેલાવવા માટે કાશ્મીરીઓની સંવેદનાનો ઉપયોગ કરે છે.

પાકિસ્તાન ક્યારેય સફળ નહીં થાય

વિદેશ મંત્રાલયે કહ્યું, પાકિસ્તાન કશ્મીર પર આંતરરાષ્ટ્રીય સ્તરે સહાનુભૂતિ મેળવવાના પ્રયત્નમાં જે બૂમો મારી રહ્યું છે, એમાં એ ક્યારેય સફળ નહીં થઇ શકે. કલમ 370ને લઇને ઉઠાવવામાં આવેલા પગલાં પૂર્ણરૂપે ભારતનો આંતરિક મુદ્દો છે. આપણું બંધારણ કાલે પણ સર્વોપરી હતુ, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે.