પાકિસ્તાને કરાચી એરપોર્ટના ત્રણ રૂટ બંધ કરી દીધા, મિસાઈલો સજ્જ કરી

પાકિસ્તાને કરાચી એરપોર્ટના ત્રણ રૂટ બંધ કરી દીધા, મિસાઈલો સજ્જ કરી

। કરાચી ।

જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ નાબૂદ થયા પછી પડોશી દેશ પાકિસ્તાન બેબાકળં બની ગયું છે. પાકિસ્તાને હવે ફરી એકવાર પોતાની એર સ્પેસ ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે બંધ કરી દીધી છે. તેને કારણે પાકિસ્તાન ઉપરથી ભારતના વિમાન પણ નહીં ઊડે. પાકિસ્તાને હાલમાં કરાચી એરપોર્ટના ત્રણ રૂટ ત્રણ દિવસ માટે બંધ કરી દીધા છે. અહીંયા તેણે મિસાઈલો સજ્જ કરી છે. સૂત્રોના મતે આગામી સમયમાં મિસાઈલનું પરીક્ષણ કરે તેવી શક્યતા છે.

પાકિસ્તાની ટીવી ચેનલના અહેવાલ મુજબ પાકિસ્તાને કરાચી એરપોર્ટના જે ત્રણ રૂટ બંધ કર્યા છે તે ૨૮ થી ૩૧ ઓગસ્ટ વચ્ચે બંધ રહેશે. પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાએ તેના માટે નોટિસ પણ કાઢી છે. સત્તાવાળાઓએ જોકે રૂટ બંધ કરવાનું કારણ નથી આપ્યું. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની કેબિનેટના પ્રધાન ફવાદ ચૌધરીએ મંગળવારે જ હજી ભારતને એરસ્પેસ બંધ કરવાની ધમકી આપી હતી. આ પહેલાં ભારતે કરેલી બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પણ પાકિસ્તાને પોતાની એરસ્પેસ બંધ કરી હતી.

અમે સમાપ્ત કરીશું…

ઇમરાન ખાનની કેબિનેટના વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન ફવાદ ચૌધરીએ મંગળવારે કહ્યું હતું કે, ‘વડા પ્રધાન ઇમરાન ખાન ભારત માટે હવાઇ ક્ષેત્ર પૂરી રીતે બંધ કરવા વિચારી રહ્યા છે. અફઘાનિસ્તાન સાથે વેપાર કરવા માટે ભારત પાકિસ્તાનની જે સડકોનો ઉપયોગ કરે છે તેને પણ પૂરી રીતે બંધ કરવા વિચારણા ચાલી રહી છે. કેબિનેટ બેઠકમાં તે તમામ નિર્ણયોના કાનૂની પાસા પર વિચારણા ચાલી રહી છે. મોદીએ શરૂ કર્યું છે અમે સમાપ્ત કરીશું.’

એરસ્પેસ બંધ થતાં પાકિસ્તાન અને ભારતને કેટલું નુકસાન  

પાકિસ્તાને બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પોતાની એરસ્પેસ બંધ કરી હતી. ૧૩૮ દિવસ સુધી એરસ્પેસ બંધ રહેતાં પાકિસ્તાનને રૂપિયા ૩૬૦ કરોડનું નુકસાન થયું હતું. ઓવરફ્લાઇંગ ચાર્જના રૂપમાં થતી આવકમાં પાકિસ્તાનને નુકસાન થયું હતું. એર ઇન્ડિયાને રૂપિયા ૫૬૦ કરોડનું નુકસાન થયું હતું. ઇન્ડિગો, સ્પાઇસજેટ અને ગોએરને રૂપિયા ૬૦ કરોડનું નુકસાન થયું હતું.

ભારતીય સેનાએ અંકુશરેખાએ ૨ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા

પાકિસ્તાન તેની નાપાક હરકતથી તંગ આવતો નથી અને જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની લગાતાર કોશિશ કરી રહ્યો છે. ભારતીય સેના પણ પાકિસ્તાની સૈનિકોને જડબાતોડ જવાબ આપી રહી છે. બુધવારે ઉરીના ગુરેજ સેક્ટરમાં પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના સૈનિકો કાશ્મીરમાં હુમલાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણમાં આવતાં ભારતીય સેના સજ્જ બની હતી અને પાકિસ્તાની સૈનિકો પર ઘાત બનીને તૂટી પડી હતી, જેમાં પાક.ના ૨ સૈનિકો માર્યા ગયા હતા તથા બીજા બે સૈનિકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની સેનાએ મંગળવારે ઉરી સેક્ટરમાં અંકુશરેખાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. અખનૂરના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનો પર છૂપા હુમલા કરવા માટે પાકિસ્તાને એલઓસી ખાતે સ્પેશિયલ સર્વિસ ગ્રૂપના ૧૦૦થી વધુ કમાન્ડો તહેનાત કર્યા છે. બોર્ડર એક્શન ટીમમાં પાકિસ્તાની સેનાની સ્પેશિયલ ફોર્સના જવાનો અને આતંકીઓ સામેલ છે.