પબજી રમવાની ના પાડતાં પતિએ ફટકારી, પત્નીનો આપઘાતનો પ્રયાસ

પબજી રમવાની ના પાડતાં પતિએ ફટકારી, પત્નીનો આપઘાતનો પ્રયાસ

। અમદાવાદ ।

શહેરના કૃષ્ણનગરમાં મોબાઈલ ગેમ અંગેનો ગજબ કિસ્સો બહાર આવ્યો છે. મંગળવારે રાત્રે પબજી ગેમ રમવાની ના પાડતા પતિએ પત્નીને ઢોરમાર માર્યો હતો અને સાસુ સસરાએ પણ પતિનું ઉપરાણું લીધું હતુ. જેથી પરિણીતાને મનમાં લાગી આવતા તેણે ગળાફાંસો ખાઇ આપઘાતની કોશિષ કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે પોલીસે પબજી ગેમ હતી કે બીજી કોઇ ગેમ તે અંગે સ્પષ્ટતા કરવાનો ઇન્કાર કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે કૃષ્ણનગરની અંજના પાર્ક સોસાયટીમાં રહેતી આશાબેન નિલેશ પ્રજાપતિ (ઉ.વ.૩૫)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના લગ્ન ૨૦૦૭માં નિલેશ દુર્લભભાઇ પ્રજાપતિ સાથે થયા હતા. નિલેશ હીરા ઘસવાનું કામ કરે છે. છેલ્લા છ મહિનાથી સાસુ સસરા શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. તેમજ છુટાછેડા લઇ લેવા દબાણ કરતા હતા. ગઈકાલે ૨૫મી જુનની રાત્રે અગિયાર વાગ્યે પતિ મોબાઇલમાં પબજી ગેમ રમતા હતા. જેથી પત્નીએ ગેમ રમવાની ના પાડતા પતિ ઉશ્કેરાઇ ગયા હતા અને પત્નીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.

દરમિયાનમાં સાસુ શાંતાબેન અને સસરા દુર્લભભાઇ આવ્યા અને પતિનું ઉપરાણું લીધું હતું. તેમણે પણ પુત્રવધૂ સાથે ઝઘડો કરી છુટાછેડા લેવાનું કહેતા આશાબેનને મનમાં લાગી આવ્યું હતું. જેથી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ પતિ અને સાસુ સસરાએ તેમને બચાવી લઇ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં ચોરીછૂપીથી યુવકો રમી લે છે. પરંતુ પબજી ગેમના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય તેવા પ્રકારનો કિસ્સો પોલીસમાં પ્રથમ વખત આવ્યો છે.