ન્યૂયોર્ક / વિશ્વની મોટી કંપનીના CEOને મોદીએ કહ્યું -કુછ દિન તો ગુજારો હિન્દુસ્તાન મેં

ન્યૂયોર્ક / વિશ્વની મોટી કંપનીના CEOને મોદીએ કહ્યું -કુછ દિન તો ગુજારો હિન્દુસ્તાન મેં

  • ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિમાન્ડ અને ડિસિસિવનેસ-4ડી ભારતનાં વિકાસનાં પરિબળ
  • બ્લૂમબર્ગ બિઝનેસ ફોરમમાં પીએમે કહ્યું- અમારા યુવાનોની ટેલેન્ટ અને તમારી ટેક્નોલોજી નવો અધ્યાય લખી શકે છે

ન્યૂયોર્ક ટાઈમ્સ, ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ન્યૂયોર્કમાં યોજાયેલી બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમની બેઠકમાં વિશ્વભરની ટોચની કંપનીના સીઈઓને ભારતમાં રોકાણ કરવા આહવાન આપ્યું હતું. તેમણે ભારતમાં રોકાણ શા માટે કરવું જોઈએ તે અંગે કહ્યું કે ભારતના વિકાસના ચાર મુખ્ય પરિબળ છે. ડેમોક્રેસી (લોકશાહી), ડેમોગ્રાફી (વસતી), ડિમાન્ડ (માંગ) અને ડીસીસિવનેસ (નિર્ણય શક્તિ). આ કારણે અમે ઝડપથી આગળ વધી રહ્યાં છીએ. અમારા યુવાનની ટેલેન્ટ અને તમારી ટેકનોલોજીનો મેળ ખાય તો કોર્પોરેટ ક્ષેત્રે એક નવું પ્રકરણ લખી શકશે. પશ્ચિમની ઇચ્છાઓ અને ભારતીય સ્વપ્નાનો સમગ્ર રીતે મેળ ખાય છે. અમારા માનનીય મૂલ્ય અને તમારી તર્કશક્તિ એ માર્ગને જુએ છે કે જેને દુનિયા શોધી રહી છે. જો કોઈ ગેપ હોય તો તે પૂરો કરવા હું વ્યક્તિગત રીતે એક પૂલની જેમ કામ કરીશ.

કંપનીઓ માટે ઓછી લાલફિતાશાહી
મોદીએ કહ્યું- ટેક્સની જાળ હટાવીને અમે જીએસટી લાવ્યા છીએ. અમે 37 કરોડ લોકોને બેન્કીંગ વ્યવસ્થા સાથે જોડ્યા છે આથી પારદર્શકતા વધી છે. પહેલાં વીજ કનેક્શન લેવા ઉદ્યોગોને ઘણા વર્ષો લાગતા હતા. હવે થોડા દિવસ લાગે છે. કંપની નોંધણી પણ થોડા દિવસોમાં નહીં પણ થોડા કલાકોમાં થઈ જાય છે. ડીરેગ્યુલેશન, ડીલાઈન્સિંગ અને ડીબોટલનેકીંગનું અમે અભિયાન ચલાવ્યું છે.

ભારત બિઝનેસ ડીલમાં શરતો પર મક્કમ, US બેચેન
વડાપ્રધાન મોદી મોટા સપનાં લઈને અમેરિકાના પ્રવાસે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મોદી કહી ચૂક્યા છે કે, બંને દેશ વચ્ચે રૂ. સાડા પાંચ લાખ કરોડની બિઝનેસ ડીલ થવાની છે. જોકે, આ ડીલ માટે અમેરિકાએ કડકાઈ રાખવાનું શરૂ કરી દીધું છે. વ્હાઈટ હાઉસના સૂત્રોના જણાવ્યાનુસાર, અમેરિકાને ભારતની શરતો સામે વાંધો પડ્યો છે. આ ડીલ માટે તેઓ કેટલીક શરતો ઈચ્છે છે, પરંતુ તે ભારતને મંજૂર નથી. આ માહોલમાં અમેરિકાએ જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સને પણ હથિયાર બનાવ્યું છે. જીએસપી હેઠળ અમેરિકા પોતાના દેશમાં આવતી ચીજો પર વિવિધ દેશને છૂટ આપે છે, જે અત્યાર સુધી ભારતને મળતી હતી. ભારત ઈચ્છે છે કે, તેમને આ છૂટ ફરી મળે, પરંતુ તેની સામે અમેરિકા તેમની કંપનીઓને ભારતમાં ડેટા સેન્ટર સ્થાપવાની મંજૂરી માંગે છે. આ વાત ભારતને મંજૂર નથી.