ન્યૂયોર્કથી સિડની વચ્ચે નોનસ્ટોપ 20 કલાક વિમાન ઉડશે, વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

ન્યૂયોર્કથી સિડની વચ્ચે નોનસ્ટોપ 20 કલાક વિમાન ઉડશે, વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

કન્ટાસ એરલાઈન્સની ટેસ્ટિંગ ફ્લાઈટ ટૂંક સમયમાં ઉડાન ભરવા તૈયાર

ઓસ્ટ્રેલિયન એરલાઈન્સ કન્ટાસનું વિમાન 17 હજાર કિલોમીટરનું અંતર એક પણ સ્ટોપ કર્યા વગર પૂરૂં કરશે

કન્ટાસ એરલાઈન્સે જ અગાઉ ઓસ્ટ્રેલિયાના પર્થથી લંડનની 17 કલાકની નોનસ્ટોપ ફ્લાઈટ શરૂ કરીને રેકોર્ડ સર્જ્યો હતો

સિડની, તા.18 ઓક્ટોબર, 2019, શુક્રવાર

ન્યૂયોર્કથી સિડની વચ્ચે નોનસ્ટોપ 20 કલાકની ફ્લાઈટ ઉડાડીને ઓસ્ટ્રેલિયન એરલાઈન્સ કન્ટાસ સૌથી લાંબી નોનસ્ટોપ ફ્લાઈટનો રેકોર્ડ બનાવશે. વિમાન 20 કલાકમાં 17 હજાર કિલોમીટરનું અંતર કાપશે. એરલાઈન્સે ટેસ્ટિંગ ફ્લાઈટની તૈયારી શરૂ કરી દીધી છે.

કન્ટાસ એરલાઈન્સનું બોઈંગ 787-9 વિમાન 40 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સને લઈને ન્યૂયોર્કથી સિડની જવા રવાના થશે. તે સાથે જ સૌથી લાંબી નોનસ્ટોપ કમર્શિયલ ફ્લાઈટનો નવો વિક્રમ બનશે. 20 કલાક સુધી હવામાં રહીને આ વિમાન કુલ 17 હજાર કિલોમીટર જેટલું હવાઈ અંતર પૂરૂં કરશે.

પેસેન્જર્સના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું પણ આમાં પરીક્ષણ થશે. 20 કલાક સુધી સતત હવામાં રહેવાના કારણે જેટલેગની અસર વધારે વર્તાય એવી પણ શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી. વિમાનમાં આ 20 કલાક દરમિયાન મુસાફરોને સુવિધાજનક વાતાવરણ અને સર્વિસ મળે તે માટે એરલાઈન્સે તમામ તૈયારી શરૂ કરી છે.

કુલ ત્રણ ટેસ્ટ ફ્લાઈટ પછી એરલાઈન્સ નિયમિત રીતે આ સૌથી લાંબાં અંતરના નોનસ્ટોપ વિમાનને ઉડાડશે. આ ફ્લાઈટ નિયમિત દોડતી થઈ જશે તે સાથે સૌથી લાંબાં અંતરની અને સૌથી વધુ કલાકો સુધી એક પણ સ્ટોપ વગર હવામાં રહીને બે સૃથળો વચ્ચેનું અંતર તય કરનારી ફ્લાઈટ તરીકે નવો વિક્રમ દર્જ થશે.

કન્ટાસ એરલાઈન્સ દુનિયાની સૌથી જૂની એરલાઈન્સ પૈકીની એક છે અને તે સુવિધાજનક વાતાવરણમાં લાંબાં અંતરની ફ્લાઈટ માટે જાણીતી છે. અગાઉ સૌથી લાંબાં અંતરની નોનસ્ટોપ ફ્લાઈટનો વિક્રમ કન્ટાસના નામે જ નોંધાયો હતો. ઓસ્ટ્રેલિયાના પર્થથી લંડનની 17 કલાક લાંબી ફ્લાઈટ કન્ટાસ એરલાઈન્સ નિયમિત રીતે ઉડાડે છે.

કતાર એરલાઈન્સના નામે પણ દોહાથી ઓકલેન્ડ વચ્ચે 16.5 કલાકની નોનસ્ટોપ ફ્લાઈટ ઉડાડવાનો વિક્રમ બોલતો હતો. આ એરલાઈન્સે સૌપ્રથમ વખત લાંબાં અંતરની ફ્લાઈટનો વર્લ્ડ રેકોર્ડ 1943માં દર્જ કર્યો હતો, જ્યારે પર્થથી શ્રીલંકા સુધીની વિમાની સેવા શરૂ કરી હતી.