નિર્ભયાના દોષિતોને 16મીએ ફાંસીની ચર્ચા, બક્સર જેલને 14 ડિસેમ્બર સુધીમાં ગાળિયા તૈયાર કરવા જણાવાયું

નિર્ભયાના દોષિતોને 16મીએ ફાંસીની ચર્ચા, બક્સર જેલને 14 ડિસેમ્બર સુધીમાં ગાળિયા તૈયાર કરવા જણાવાયું

  • 2012માં 14 ડિસેમ્બરના દિવસે નિર્ભયા પર સામુહિક દુષ્કર્મ થયું હતું
  • જેલ અધિક્ષક વિજય કુમાર અરોરાએ કહ્યું કે અમને સત્તાવાળાઓ દ્વારા 14 ડિસેમ્બર સુધીમાં 10 ગાળિયા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે
  • પાંચ-છ કેદીઓની લગભગ 3 દિવસની મહેનત પછી એક ગાળિયો બને છે
  • છેલ્લે મોકલાયેલા ગાળિયાની કિંમત 1725 રૂપિયા હતી

બક્સર: બિહારની સેન્ટ્રલ જેલમાં ફાંસીના 10 ગાળિયા બનાવવાની તૈયારી થઈ રહી છે. 14 ડિસેમ્બર સુધીમાં તેને તૈયાર કરવા જણાવાયું છે. આ ગાળિયો લાંબો સમય રાખી શકાતા નથી. જો કે તેનો ઉપયોગ ક્યાં થશે તેનો હજુ ખુલાસો થયો નથી. જેલ અધિક્ષક વિજય કુમાર અરોરાએ કહ્યું કે અમને સત્તાવાળાઓ દ્વારા 14 ડિસેમ્બર સુધીમાં 10 ગાળિયા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેનો ઉપયોગ ક્યાં થશે તેનો અમને ખ્યાલ નથી.
હૈદરાબાદમાં એન્કાઉન્ટર બાદ નિર્ભયાના દોષિતોને ફાંસીએ આપવાની માંગે જોર પકડ્યું
દરમિયાનમાં એવી અટકળ છે કે નિર્ભયા કાંડના ચારેય દોષિતોને આ મહિને ફાંસી આપવા માટે તેનો ઉપયોગ થશે. હૈદરાબાદમાં સામૂહિક દુષ્કર્મ પછી વેટરનરી ડૉક્ટરને સળગાવનાર આરોપીઓના એન્કાઉન્ટરમાં મોત પછી નિર્ભયાના દોષિતોને ફાંસી લટકાવવાની માંગ જોર પકડી રહી છે. સુપ્રીમકોર્ટ ચારેય આરોપી મુકેશ, પવન, અક્ષય અને વિનયને ફાંસીની સજા ફટકારી ચૂકી છે. માત્ર વિનયે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી મોકલી હતી. દિલ્હી સરકાર અને ગૃહમંત્રાલયે તેને ફગાવી દેવાની અપીલ કરી ચૂક્યા છે. દરમિયાન વિનયે રાષ્ટ્રપતિને પોતાની અરજી પાછી ખેંચવાનું જણાવ્યું હતું.
5-6 કેદીની 3 દિવસની મહેનત પછી 1 ગાળિયો બને છે
બક્સર જેલમાં લાંબા સમયથી ફાંસીના ગાળિયા બનાવાય છે. પાંચ-છ કેદીઓની લગભગ 3 દિવસની મહેનત પછી એક ગાળિયો બને છે. આ કામમાં મશીનનો સૌથી ઓછો ઉપયોગ થાય છે. 152 તાંતણાના દોરાને એકબીજામાં ગૂંથવામાં આવે છે. ગાળિયો બનાવવામાં આવા 7200 દોરાનો ઉપયોગ થાય છે. ગાળિયામાં લોખંડ અને કાંસાના તાર પણ લગાવવામાં આવે છે. જેથી ગરદન પર પકડ મજબૂત રહે અને માણસના શરીરના બોજાથી ગાંઠ ખૂલી ન જાય. આ અગાઉ સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરુને ફાંસી આપવા માટે બક્સર જેલમાં તૈયાર કરાયેલા ગાળિયાનો ઉપયોગ થયો હતો. જેલ અધિક્ષકના જણાવ્યા મુજબ 2016-17માં પટિયાલા જેલમાંથી પણ ગાળિયાની માંગ આવી હતી. છેલ્લે મોકલાયેલા ગાળિયાની કિંમત 1725 રૂપિયા હતી.