નવેમ્બરમાં જ ટ્રમ્પને ચેતવણી અપાઈ હતી કે ચીનથી પ્રલયની જેમ ફેલાવાની છે મહામારી

નવેમ્બરમાં જ ટ્રમ્પને ચેતવણી અપાઈ હતી કે ચીનથી પ્રલયની જેમ ફેલાવાની છે મહામારી

। નવી દિલ્હી ।

ચીનના જે વુહાન શહેરમાંથી વિશ્વભરમાં કોરોના સંક્રમણનો ફેલાવો થયો, ત્યાં હવે જશ્નનું વાતાવરણ છે. હવે ચીનને બાદ કરતાં બાકીનું વિશ્વ વાયરસ સંક્રમણનો માર ઝેલી રહ્યું છે. ચીને આ ખતરનાક બીમારી અંગે વિશ્વને લાંબો સમય અંધારામાં રાખ્યું હતું. તે દરમિયાન એક અમેરિકી સમાચાર ચેનલે દાવો કર્યો છે કે અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ ગયા વર્ષે નવેમ્બર મહિનાના અંતભાગમાં જ ચીનથી પ્રલયની જેમ મહામારી ફેલાશે તેવી ચેતવણી આપી દીધી હતી.

આ દાવા પછી બેઇજિંગની ભૂમિકા સવાલોના ઘેરામાં આવી ગઇ છે. પ્રશ્ન પુછાઇ રહ્યા છે કે વિદેશી એજન્સીને મહામારીની વિકરાળતાનો અંદાજ હતો તો ચીનને તેનો અંદાજ શા માટે નહોતો? ચીન શું પોતાના અપર્થતંત્રને બચાવવા વાયરસને મુદ્ ખોટું બોલતું રહ્યું ? ચીનના આ વલણને કારણે જ વિશ્વભરમાં સંક્રમણનો ફેલાવો થયો છે.

ચીને ૩૧ ડિસેમ્બરના રોજ પહેલીવાર વિશ્વ આરોગ્ય સંગઠનને ન્યૂમોનિયા જેવી આ રહસ્યમય બિમારી વિષે જાણકારી આપી હતી. ૭ જાન્યુઆરીએ તેણે પહેલીવાર કોરોના વાયરસ સંક્રણને સમર્થન આપ્યું હતું. સ્થિતી ખુબ જ કથળી ગયા બાદ ચીને ૨૩ જાન્યુઆરીથી વુહાનમાં લોકડાઉન અમલી બનાવ્યું. પરંતુ ત્યાં સુધીમાં તો વાયરસ વિશ્વભરમાં ફેલાઇ ગયો હતો. અમેરિકી ગુપ્તચર એજન્સીએ નવેમ્બરના અંતમાં આપેલો અહેવાલ ચીનની પોલ ખોલી નાખે છે.

ચીન શરૂઆતથી જ હકીકત છુપાવતું રહ્યું

ચીન પર આક્ષેપ થઇ રહ્યા છે કે  શરૂઆતથી જ તે કોરોના સંક્રમણની હકીકત વિશ્વથી છુપાવી રહ્યું હતું. વાયરસ ખુબ જ સંક્રમક છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે તેની જાણકારી હોવા છતાં ચીને પોતાના નાગરિકો અને વિશ્વથી આ હકીકત છુપી રાખી હતી. ચીન કહેતું રહ્યું કે વાયરસ ખતરનાક નથી.