ધ ઇકોનોમિસ્ટમાંથી : ટ્રમ્પની જીતની સંભાવના માત્ર 5%, મહામારી ન ફેલાતી તો બીજી વખત રાષ્ટ્રપતિ બનવાની શક્યતા વધુ હતી

ધ ઇકોનોમિસ્ટમાંથી : ટ્રમ્પની જીતની સંભાવના માત્ર 5%, મહામારી ન ફેલાતી તો બીજી વખત રાષ્ટ્રપતિ બનવાની શક્યતા વધુ હતી

  • ડેમોક્રેટિક પાર્ટીના જો. બિડેન વિભાજિત દેશને એકજૂથ કરવા અને સ્થિતિ સુધારવામાં સક્ષમ
  • રાષ્ટ્રપતિએ છેલ્લાં ચાર વર્ષમાં અમેરિકાનાં લોકશાહી મૂલ્યોને નબળાં પાડ્યાં છે

ડોનાલ્ડ ટ્રમ્પને 2016માં રાષ્ટ્રપતિ પદે ચૂંટનારો અમેરિકન નારાજ અને વિભાજિત હતો. દેશ હવે તેના કરતા વધુ નારાજ અને વહેંચાયેલો છે. તેમના નેતૃત્વના ચાર વર્ષમાં રાજનીતિ પર ગુસ્સો પ્રભાવી રહ્યો છે. ભેદબાવ અને પક્ષપાત વધી ગયો છે. જૂઠ અને જવાબદારીમાંથી છટકી જવાની ભાવના વચ્ચે કોરોના વાઈરસ મહામારીએ કેર વર્તાવ્યો છે. જેની સૌથી વધુ જવાબદારી ટ્રમ્પની છે. ઈકોનોમિસ્ટનું ચૂંટણી મોડલ ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની સંભાવના માત્ર 5% દર્શાવે છે. બીજી તરફ જો મહામારીનો પ્રકોપ ન હોત તો ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ શકતા હતા. તેમના કાર્યકાળમાં કામદારોની આવક દર વર્ષે વધી છે. નાના કારોબાર ચમક્યા છે, પરંતુ તેમણે અમેરિકાનાં લોકશાહી મૂલ્યોને નુકસાન પહોંચાડ્યું છે.

અમેરિકાની સમસ્યાઓના ઈલાજ કરવા માટે ડેમોક્રેટિક ઉમેદવાર જો. બિડેન પાસે કોઈ જાદુઈ દવા નથી, પરંતુ તેઓ સ્વચ્છ વ્યક્તિ છે. વ્હાઈટ હાઉસમાં સ્થિરતા અને ઈમાનદારી સ્થાપી શકે છે. બિડેન વિભાજિત થયેલા દેશને એકજૂથ કરવામાં સક્ષમ છે. કોવિડ-19 મહામારી ન હોત તો ટ્રમ્પની નીતિઓ તેમનો વિજયનો રસ્તો સરળ બનાવી શકતી હતી. મહામારીથી પહેલા સૌથી ગરીબ કામદારોનું વેતન 4.7%ના વાર્ષિક દરે વધી રહ્યું હતું. નાના વેપારીઓનો આત્મવિશ્વાસ 30 વર્ષમાં સૌથી ઊંચો હતો. તેમણે બહારના લોકોના પ્રવેશ પર રોક લગાવીને પોતાનાં મતદારોને ખુશ કરી દીધા હતા. અમેરિકાએ ઈસ્લામિક સ્ટેટને વેરવિખેર કરી નાખ્યું. ઈઝરાયેલ અને ત્રણ મુસ્લિમ દેશો વચ્ચે શાંતિ કરાર કરાવ્યો હતો. ટ્રમ્પે અનેક વાંધાજનક પગલા ઉઠાવ્યા છે. કેટલાક નિયમ ખાસ કરીને પર્યાવરણ માટે નુકસાનકારક છે.

આરોગ્ય સુવિધાઓ નબળી થઈ છે. ઈમિગ્રેશન અધિકારીઓએ અપ્રવાસી બાળકોને તેમના માતા-પિતાથી અલગ કર્યા છે. નવા લોકોના પ્રવેશ પર રોકથી અમેરિકાની જીવંતતા પ્રભાવિત થઈ છે. ઉત્તર કોરિયા, ઈરાન અને મધ્ય પૂર્વમાં શાંતિ જેવી ગુંચવાયેલી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં તેમની સ્થિતિ પૂર્વ સરકારો જેવી જ છે. ટ્રમ્પે અમેરિકાની લોકશાહી સંસ્કૃતિને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. અશ્વેત જ્યોર્જ ફ્લોઈડની હત્યા પછી લોકોને લાગેલા આઘાત પર મલમ લગાવાને બદલે ટ્રમ્પે શ્વેત-અશ્વેત વચ્ચે તણાવ વધાર્યો છે.

ટ્રમ્પે કોવિડ-19 મહામારીનો સામનો કરવા બાબતે ડેમોક્રેટિક પાર્ટીના ગવર્નરોને બલિના બકરા બનાવ્યા છે. તેમણે ડીસીઝ કન્ટ્રોલ પ્રિવેન્શન સેન્ટર જેવી અમેરિકાની વિશ્વસ્તરની સંસ્થાઓને નીચી દેખાડી છે. માસ્ક સહિત અન્ય વૈજ્ઞાનિક ઉપાયોગનો મજાક ઉડાવ્યો છે. તેમણે ચૂંટણી જીતવાને મહત્ત્વ આપીને મહામારી અંગે અનેક જૂઠાણાં ફેલાવ્યા છે. ટ્રમ્પે સહયોગી દેશોને પણ હળવાશથી લીધા છે.

ટ્રમ્પના હરીફ બીડેન છેલ્લા ચાર વર્ષમાં થયેલા નુકસાનની થોડી ભરપાઈ કરવામાં સક્ષમ છે. તેઓ દેશમાં મેળ-મિલાપ અને સદભાવનો માર્ગ તૈયાર કરી શકે છે.

60% વોટર બીજી પાર્ટીના લોકોને દેશ માટે જોખમ માને છે
ટ્રમ્પના શાસનકાળમાં દેશ રાજકીય સ્તરે ખરાબ રીતે વિભાજિત થયો છે. વોટર સ્ટડી ગ્રૂપ અનુસાર પાંચમાંથી એક અમેરિકનનું કહેવું છે કે, જો બીજી પાર્ટી ચૂંટણી જીતે છે તો હિંસા થઈ શકે છે. બે રાજનીતિ વિજ્ઞાની – લિલી મેસન અને નાથન કલમોએ એક સરવેમાં જણાવ્યું કે, 60% વોટર વિચારે છે કે, બીજી પાર્ટીના સભ્ય અમેરિકા માટે જોખમ છે. 40%થી વધુ વોટર તેમને શેતાન માને છે. 20% વોટર બીજી પાર્ટીના લોકોને પ્રાણી કહે છે. ટ્રમ્પના કાર્યકાળની સૌથી ખાસ વાત સત્ય પ્રત્યે તેમનું ઘોર અસન્માન છે.