ધોરણ-1માં છ વર્ષે પ્રવેશના નિયમ સામે એક લાખ જેટલા વાલીઓએ સહી ઝૂંબેશ કરીને વિરોધ શરુ કર્યો

ધોરણ-1માં છ વર્ષે પ્રવેશના નિયમ સામે એક લાખ જેટલા વાલીઓએ સહી ઝૂંબેશ કરીને વિરોધ શરુ કર્યો

સરકારના પરિપત્રથી ગરીબ બાળકો સારી અંગ્રેજી સ્કૂલમાં ભણી શકશે નહીં તેવો તર્ક રજુ કરાયો

રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમર ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમનો ગુજરાત શિક્ષણ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સરકારના આ વિશેના પરિપત્રના પગલે ગરીબ બાળકો સારી અંગ્રેજી સ્કૂલમાં ભણી શકશે નહીં તેવો તર્ક રજુ કરવામાં આવ્યો છે. જેથી સરકારનો આ પરિપત્ર રદ કરવા માટે શિક્ષણ પરિષદ દ્વારા રાજ્યના એક લાખથી વધુ વાલીઓની સહી એકઠી કરીને સરકારને સોંપવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

શિક્ષણ વિભાગે છ વર્ષની વય પછી જ ધોરણ-1માં બાળકને પ્રવેશ આપવા અંગે પરિપત્ર કર્યો
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે છ વર્ષની વય પછી જ ધોરણ-1માં બાળકને પ્રવેશ આપવા અંગે પરિપત્ર કર્યો છે. તેનો ગુજરાત શિક્ષણ પરિષદ દ્વારા વિરોધ કરાયો છે. આ પરિપત્રનો અમલ કરવામાં આવે તો અનેક મુશ્કેલીઓ આવી શકે તેમ હોવાનો શિક્ષણ પરિષદના અધ્યક્ષ રાજુ સોલંકીએ આક્ષેપ કર્યો છે. તેમણે રજુ કરેલા તર્ક પ્રમાણે હાલમાં CBSE ઈન્ટરનેશનલ અભ્યાસક્રમો ચલાવતી અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓમાં બાળકોને 6 વર્ષની વય પછી ઘોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે.

હવે જો ગુજરાતી બાળકો સીધે સીધા 6 વર્ષ પછી ધોરણ-1માં પ્રવેશ મેળવે તો અંગ્રેજી માધ્યમમાં ભણવું તેમના માટે અઘરુ સાબિત થાય તેમ છે. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જુનિયર કેજી અને સિનિયર કેજી એમ બે વર્ષ બાળકોને અંગ્રેજી માધ્યમનો સઘન પરિચય કરાવવામાં આવે છે. આ માટે બાળકોને ચોથા વર્ષથી જ જુનિયર કેજીમાં દાખલ કરવામાં આવે છે.

ગુજરાત શિક્ષણ પરિષદની સહી ઝૂંબેશ
સરકારના તાજેતરના પરિપત્ર પ્રમાણે જો કોઈ વાલી એના બાળકને સીધે સીધું છ વર્ષ પછી પહેલા ધોરણમાં મુકે તો એ બાળક અંગ્રેજી માધ્યમમાં ભણી જ ના શકે. જેથી વાલીએ આવી અંગ્રેજી માધ્યમની શાળામાં પહેલાં ધોરણમાં RTEનો લાભ લઈને બેસાડવું હોય તો જુનિયર અને સિનિયર કેજીમાં બેસાડવું પડે. પરંતુ ગરીબ વાલીઓને આમ કરવું પરવડે નહીં. આવી શાળાઓમાં ખરેખર જેને જરૂર છે એવા બાળકો ભણી જ ના શકે. જેથી ગુજરાત શિક્ષણ પરિષદ આ પરિપત્ર રદ કરાવવા ગુજરાતના એક લાખ વાલીઓની સહી લઈને સરકારને સોંપશે.